મીઠાં શમણાં વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.
અમૃત 'ઘાયલ'

જાગ ને જાદવા – મનહર મોદી

તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા

એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા, જાગ ને જાદવા

આપણે, આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગ ને જાદવા

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા

– મનહર મોદી

નરસિંહ મહેતાના ‘જાગ ને જાદવા’ પદના ઝુલણા છંદને હૂ-બ-હૂ મળતા આવતા ‘ગાલગા’ના સંગીતમય આવર્તનોથી આ ગઝલની લયાત્મક્તા વધે છે. નરસૈયો જગતના તાતને જગાડવા આર્દ્ર સ્વરે વિનંતી કરે છે, મનહર મોદી પોતાની જાતને જગાડવા તારસ્વરે ગાય છે. ગઝલ જેમ આગળ વધે છે એમ અર્થનું ઊંડાણ વધતું જાય છે. છેલ્લા ત્રણ શેરમાં તો પોત ખાસ્સું ગાઢું બને છે. ઊંઘ આવી ન જાય એમ ઊંઘવું અને એટલું જાગવા માટે જાગવાની ટકોર- બંને મિસરામાં એક જ શબ્દની દ્વિરુક્તિથી કવિ જે ભાવ વ્યંજિત કરે છે તે ભાવકને શેરના પ્રત્યેક પુનરાવર્તન પર નવી ચેતના બક્ષે છે. અહીં ‘ઊંઘ’ અને ‘જાગવું’ બંને ધ્યાન માંગી લે છે.

9 Comments »

  1. sudhir patel said,

    April 16, 2009 @ 8:19 AM

    શ્રી મનહર મોદીની આ ગઝલ ગુજરાતી ગઝલનું ઘરેણું છે અને શિરમોર ગઝલોમાંની એક છે!
    ફરી ફરી વાંચવાની અને મનોમન ગાવાની અનેરી મજા માણી.
    આભાર, દોસ્ત!
    સુધીર પટેલ.

  2. અનામી said,

    April 16, 2009 @ 10:12 AM

    ખરેખર અદભુત………

    આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
    ભેદ એ પામવા, જાગ ને જાદવા.

    ખુબ જ સુંદર.

  3. Pinki said,

    April 16, 2009 @ 11:32 AM

    સુંદરતમ, શ્રેષ્ઠતમ ગઝલ……!!

  4. Jayshree said,

    April 16, 2009 @ 12:41 PM

    પહેલી વાર વાંચેલી ત્યારથી જ ખૂબ ગમી ગયેલી ગઝલ..

    આપણે, આપણું હોય એથી વધુ
    અન્યને આપવા, જાગ ને જાદવા

    વાહ… ક્યા બાત હૈ..!

  5. ઊર્મિ said,

    April 16, 2009 @ 1:37 PM

    એકદમ મસ્ત ગઝલ… બધા જ શેર મજાનાં થયા છે…!

  6. pragnaju said,

    April 16, 2009 @ 9:26 PM

    આજે ૧૫મી એપ્રીલ- કવિશ્રી મનહર મોદીનો જન્મદિન
    તેમને જન્મદિનની અનેક શુભેચ્છાઓ.
    તેમની ગઝલ કેફીયત-
    ગુજરાતી સાહિત્યની એક શ્રેષ્ઠ ગઝલ તેમની ‘જાગને જાદવા…’આદિ કવિ નરસિંહ મહેતાનું પ્રચલિત પ્રભાતિયું આ શબ્દોથી શરુ થાય છે.કૃષ્ણને જગાડવાની વાત છે.આ ગઝલના મત્લામાં અને દરેક શેરમા ‘જાગને જાદવા’ની પુનરુક્તી થાય છે.અહીં ખૂદને જગાડવાની વાત છે.આમ તે જાદવા અને આ જાદવા એક નથી.ત્યાં ભક્તિ છે અહીં કવિતા છે-તેની ગઝલની કાચી સામગ્રી છે. ૫૦૦-૬૦૦ વર્ષના ફાસલાને નજીક કરી-આજની ઘડી રળિયામણી કરે છે.રદીફ-કાફિયાની વ્યવસ્થા.છંદની શુધ્ધિ,ભાષાની ઈબારત,સદ્યગ્રાહ્યતાઆનુભૂતિની સચ્ચાઈનો ચકચકતો રણકાર,લાઘવ,મસ્તી,ચોંટ,મિજાજ,કલ્પના,પ્રતીક,શબ્દ ચિત્ર,શબ્દને શબ્દનો હડદોલો,ટૂંકું લંબાણ,લાંબુ ટૂંકાણ આ અને આવા અનેક કીમિયાથી બનતો ‘શેર’ પોતાને અને, અને તેના કવિને
    કાળના અસ્ખલિત પ્રવાહ વચ્ચે ઉન્નત મસ્તકે ઊભા રાખે છે.’લોક’ સુધી પહોંચે ત્યારે જ તેને ‘નખશીખ’સુંદર ગણવામાં આવે છે.તે લોકભોગ્ય તો એ છે જ પણ ‘લોકયોગ્ય’ પણ ગઝલ છે…મનહર મોદીએ આપેલા જવાબોમાંથી…
    આ નિરવ-રવે માટે લખ્યું અને આ મસ્ત ગઝલની તપાસ હતી અને…
    ખૂબ આનંદ આનંદ

  7. ધવલ said,

    April 16, 2009 @ 10:15 PM

    આપણે, આપણું હોય એથી વધુ
    અન્યને આપવા, જાગ ને જાદવા

    – સરસ !

  8. વિવેક said,

    April 17, 2009 @ 12:39 AM

    આ ગઝલ વિશે શ્રી મનહર મોદીએ પોતે આપેલી ફેફિયત શબ્દશઃ રજૂ કરવા બદલ પ્રજ્ઞાજુનો ખૂબ ખૂબ આભાર…

  9. Dinesh said,

    May 4, 2011 @ 4:22 AM

    I Am intrested your Gazal,i want to Gazal For Birthday,i wish my wife,so please send Gujarati Gajal.

    Best Regards
    Oza Dinesh

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment