પૃષ્ઠે પૃષ્ઠે મળશે તમને,
સ્નેહ નથી સાંકળિયા જેવો.
સાહિલ

કોઈ સાંજે – જયેન્દ્ર શેખડીવાલા

ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામાં મળ્યાં
કોઈ સાંજે એમ પગલાં આપણાં સામાં મળ્યાં

મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાં
ને ગગનને મ્હેંકના પડઘાનાં ધણ સામાં મળ્યાં

આપણો સુક્કો સમય થઈ જાય છે જ્યારે નદી-
થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં

કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું :
શ્વાસના એકાન્તને એનાં વતન સામાં મળ્યાં

આજ બારીબ્હાર દૃષ્ટિ ગઈ અચાનક જે ક્ષણે
આંખને ગઈકાલનાં દૃશ્યો બધાં સામાં મળ્યાં

– જયેન્દ્ર શેખડીવાલા

સ્મરણચૂર સાંજની આ ગઝલ મુઝફ્ફર અલીની ફિલ્મના દૃશ્યની જેમ ધીમે ધીમે ઉઘડે છે. ફૂલ અને ફોરમ – જે ખરેખર તો એક જ હતા – એમણે અજાણ્યા દેશમાં મળવું પડે એવી વિવશ મુલાકાતની આ સાંજ છે. અહીં તો સ્વપ્નમાં પણ મુલાકાત થાય તો ય સુગંધના આખા કાફલા મળે છે. એક મિલનથી સમયની સુક્કીભટ નદી હજારો સૂર્યને પ્રતિબિંબિત કરતી – જલજલવંતી – થઈ જાય છે. માણસે ડૂબી જવું પડે – ભલે એ ભંવરમાં હોય કે આકાશમાં – તો જ પોતાની ખરી જાત સાથે મુલાકાત થઈ શકે છે. બારીને બહાર નજર જતાં – લોહીયાળ સૂર્ય જોતા – ગઈકાલના મિલનની દૃશ્યાવલી ફરી ઘેરી વળે છે.

10 Comments »

  1. pradip sheth said,

    March 17, 2009 @ 1:42 AM

    મોર ચીતરેલી……….

    ખૂબજ સુંદર ….

    રાતભર સંભળાય પગરવ કોઇનો ,
    ને સવારે ઘાસ પર ઝાકળ મળે .

  2. pragnaju said,

    March 17, 2009 @ 3:45 AM

    આપણો સુક્કો સમય થઈ જાય છે જ્યારે નદી-
    થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં

    કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું :
    શ્વાસના એકાન્તને એનાં વતન સામાં મળ્યાં
    વાહ

    સુંદર રચનાની સરસ રસદર્શન

  3. RJ MEET said,

    March 17, 2009 @ 5:52 AM

    એક બીજાને સાવ ભુલી જનારાઓ માટે આ ગઝલ ખરેખર લાયક છે..સરસ ખુબ સરસ

  4. વિવેક said,

    March 17, 2009 @ 7:26 AM

    સુંદર ગઝલ… એવું જ મનહર એનું ભાવદર્શન…

    છંદ છે, છે રદીફ પણ ક્યાં છે તું કાફિયા?? કાફિયા વિનાની ગઝલ? શું પ્રયોગ ગઝલ હશે?

  5. sudhir patel said,

    March 17, 2009 @ 8:54 PM

    મોટા કરે તે લીલા ઉર્ફે પ્રયોગ એમ જ માનવું રહ્યું.
    કેમ કે સુરતના ગઝલ-વિદ ડો. પ્રફુલ્લ દેસાઈ સહિત કોઈ વિવેચકે આ કાફિયા-દોષનું દર્શન કરાવ્યાનું ધ્યાનમાં આવ્યું નથી.
    સુધીર પટેલ.

  6. EK-Murakh said,

    March 19, 2009 @ 1:01 AM

    પ્રશ્ન્ ?
    “સામાં મળ્યાં ”
    કાફિયા ન કહેવય્?

    વિવેક ભાઇ પ્લિઝ્!!

  7. વિવેક said,

    March 19, 2009 @ 1:45 AM

    કાફિયા એટલે પ્રાસ. અહીં પહેલા શેરમાં દેશમાં અને આપણાંને કાફિયા ગણી શકાય. જેનો આધાર “અઆ” છે પણ પછીના શેરોમાં એ જળવાતું નથી. ગઝલમાં રદીફની આગળ આવતા પ્રાસયુક્ત શબ્દોને કાફિયા કહે છે, જેમકે ઉજાસ, સમાસ, પ્રાસ, શ્વાસ, ભાસ, બારેમાસ, પ્રવાસ વગેરે…

    સામાં મળ્યાં અહીં રદીફ (અનુપ્રાસ) છે. રદીફ દરેક શેરના અંતમાં પુનરાવર્તિત થતો શબ્દ કે શબ્દસમૂહ છે. ગઝલમાં કાફિયા ફરજિયાત છે.

  8. saifee surka said,

    March 19, 2009 @ 7:29 AM

    GHANI SUNDER KAVITA

  9. અનામી said,

    March 19, 2009 @ 12:06 PM

    ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામાં મળ્યાં
    કોઈ સાંજે એમ પગલાં આપણાં સામાં મળ્યાં.
    સરસ.

  10. EK-Murakh said,

    March 19, 2009 @ 7:49 PM

    આભાર વિવેક ભાઇ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment