દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ.
– સંજુ વાળા

અઘરી વાત છે – મહેન્દ્ર જોશી

રોજ મનને વારવું એ છેક અઘરી વાત છે,
કોઈના શરણે જવું એ છેક અઘરી વાત છે.

કોઈના ખંભે ચઢીને એટલું જોઈ શક્યા,
વેંત છેટું ભાળવું એ છેક અઘરી વાત છે.

આ ચરણનું મૂળ તો પાતાળ લગ પૂગી ગયું,
મૂળ આ ઉચ્છેદવું એ છેક અઘરી વાત છે.

ચાંચ હો તો ચણ ન હો ને પાંખ હો તો નભ ન હો
તોય પંખી પાળવું એ છેક અઘરી વાત છે.

આંખ દાબી કોઈ વર્ષો બાદ પૂછે કોણ છું ?
નામ ત્યારે ધારવું એ છેક અઘરી વાત છે.

આ નદીમાં આંખના બે દીવડા તરતા મૂકી
આંસુને સંતાડવું એ છેક અઘરી વાત છે.

– મહેન્દ્ર જોશી

માનવ સ્વભાવની મર્યાદાઓને નવી રીતે વર્ણવતી ગઝલ. મનને કોરી પાટી કરી કોઈને એના પર લખવા દેવું માણસ માટે અઘરું છે. મિનારા પર ચડીને દૂર સુધી દૃષ્ટિ કરી માણસ એટલું તરત શીખે છે કે નજીકનું જોવું કેટલું અધરું કામ છે ! પોતાની આદતોને છોડવી તો વળી એનાથી ય અઘરું છે. સતત વિષમતા વચ્ચે એક સપનું ઉછેરવું મુશ્કેલ છે. અને વર્ષો બાદ (માંડમાંડ ભૂલેલું એ જાણીતું) નામ (ફરી વાર) યાદ કરવું બહુ અઘરી વાત છે. દુ:ખ માણસની આંખમાં હંમેશ ડોકાઈ જાય છે – એને સંતાડવું બહુ અધરું કામ છે. 

14 Comments »

  1. pradip sheth said,

    March 8, 2009 @ 11:59 PM

    ખૂબજ સુંદર ગઝલ…..

    આંખ દાબી………

    કેટલી ભાવવાહી વાત એટલી જ હ્ર્દયસ્પર્શિ રીતે રજુ કરી કે હ્રદય સોંસરવી નિકળી જાય….

  2. વિવેક said,

    March 9, 2009 @ 12:09 AM

    આખી ગઝલ સરસ છે પણ આખરી બે શેર ઠે…ઠ સ્પર્શી ગયા…

  3. Jina said,

    March 9, 2009 @ 12:40 AM

    આંખ દાબી કોઈ વર્ષો બાદ પૂછે કોણ છું ?
    નામ ત્યારે ધારવું એ છેક અઘરી વાત છે.
    ………………………………………

  4. kirit shah said,

    March 9, 2009 @ 1:08 AM

    Amazing – very touching Mahendrabhai how can you express so well
    any more of your creations? God Bless

  5. pragnaju said,

    March 9, 2009 @ 7:50 AM

    સુંદર ગઝલનો આ શેર…
    ચાંચ હો તો ચણ ન હો ને પાંખ હો તો નભ ન હો
    તોય પંખી પાળવું એ છેક અઘરી વાત છે.
    અનુભૂતિની અભિવ્યક્તી
    ગઈ ઉતરાણમાં પંખીની વેદના કેવી કરુણ હતી… ઉતરાણ પહેલા તેનો અમલ પણ કરી દેવો જોઈએ. સૌથી પહેલુ કામ તો એ છે કે સરકારે કાચવાળી, હીરાકણી વાળી, કેમીકલ વાળી પાકી માંજા દોરી પર પ્રતિબંધ લાદવો જોઈએ. કાચ અને કેમીકલ મિશ્રીત દોરી તથા આ વખતે બજારમાં આવેલી અસ્ત્રા જેવી ચાઈનીસ દોરી માત્ર પક્ષીઓ માટે જ નહી પરંતુ માણસો માટે પણ ખતરનાક છે તેના પર કડક પ્રતિબંધ મૂકવાનુ શૌર્ય સરકારે બતાવવુ જોઈએ. કોઈ પણ સુધરેલા દેશમાં આવા ખતરનાક ખેલ ચાલી શકેં.સેફટી સ્ટાન્ડર્ડ નામની ચીજ તો હોવી જોઈએ ને?

  6. Sapana said,

    March 9, 2009 @ 9:02 AM

    મહેન્દ્ર્ભાઇ,

    હ્રદયસ્પર્શી
    આંખ દાબી–

    ખૂબજ સરસ!
    પણ વરસો પછી ઓળખવા એટલી અઘરી વાત પણ નથી.(;

  7. Abhijeet Pandya said,

    March 9, 2009 @ 11:08 PM

    સરસ રચના.

  8. sunil shah said,

    March 10, 2009 @ 1:56 AM

    સરસ મઝાની ગઝલ. બધા જ શેર ગમી ગયા.

  9. Dr. Jagdip Nanavati said,

    March 10, 2009 @ 3:49 AM

    મહેન્દ્રભઈ બહુ સરસ…….૨૦૦૭ મા મેં લખેલી મારી આજ મૂડની
    ગઝલ યાદ આવી ગઈ……
    તમને ખાસ સપ્રેમ….
    ડો.જગદીપ નાણાવટી

    ઝાકળના બે ઘુંટડા ભર, બહુ અઘરું છે
    છબછબીયાં મૃગજળમાં કર, બહુ અઘરું છે

    વિતી ઘટના યાદ કર્યાના તાંદુલને
    ચાવી જોજે મુઠ્ઠીભર, બહુ અઘરું છે

    રાચ રચીલું, આભુષણ તો ઠીક ભલા
    હૈયે થાવું ખમતીધર બહુ અઘરું છે

    ખભ્ભે કોઈના ચડતી કરવી સહેલ હશે
    ડગલુ ભરવું ધોરણસર, બહુ અઘરું છે

    શ્વાસ ખુટ્યાની સરહદથી આગળ જઈને
    લંબાવી જો સહેજ સફર, બહુ અઘરું છે

  10. KIRANKUMAR CHAUHAN said,

    March 10, 2009 @ 10:34 AM

    ખૂબ સુંદર ગઝલ. અસલી ગઝલ.

  11. Kavita Maurya said,

    March 10, 2009 @ 2:09 PM

    આંખ દાબી કોઈ વર્ષો બાદ પૂછે કોણ છું ?
    નામ ત્યારે ધારવું એ છેક અઘરી વાત છે.

    આ નદીમાં આંખના બે દીવડા તરતા મૂકી
    આંસુને સંતાડવું એ છેક અઘરી વાત છે.

    સુંદર શેર !

  12. urvashi parekh said,

    March 10, 2009 @ 6:49 PM

    આંખ દાબી કૉઈ વરસો બાદ પુછે કોણ છુ?
    નામ ધારવુ એ છેક અઘરિ વાત છે.
    સરસ છે.

  13. neha said,

    March 12, 2009 @ 1:03 PM

    આખ દાબી….પંક્તિ માટે એટલું જ કહેવું-સ્પર્શ તો બહુ નજીકની વાત થઈ, પગરવ પરથી જ અણસાર આવી જાય! જો સાચો પ્રેમ કર્યો હોય તો! આ ચરણનું મૂળ…પંક્તિ ૧૫ ૨૦ વર્ષના સહવાસ પછી અનુભવ થાય જ….

  14. Vikram Jariwala said,

    January 1, 2013 @ 11:06 PM

    નેહાબેનના અભિપ્રાય સાથે સો ત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment