મારી દોલત માત્ર મારા શબ્દ છે,
કોણ આવીને કહો એ લૂંટશે?
‘અગન’ રાજ્યગુરુ

લોચન–મનનો ઝઘડો – દયારામ

લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન – મનનો ! ટેક0

પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?
મન કહે : “લોચન તેં કરી,” લોચન કહે : “તુજ હાથ.” 0ઝઘડો

“નટવર નિરખ્યા, નેન તેં, ‘સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ ! 0ઝઘડો

“સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ;
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.” 0ઝઘડો

“ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ;
હુંને તજી નિત તું મળે, હું રહું દુઃખવિજોગ.” 0ઝઘડો

“વનમાં વ્હાલાજી કને, હું વસું છું સુણ નેન !
પણ તુજને નવ મેળવ્યે, હું નવ ભોગવું ચેન.” 0ઝઘડો

“ચેન નથી મન ! કેમ તુંને ? ભેટ્યે શ્યામ શરીર ?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર.” 0ઝઘડો

મન કહે : “ધીખું હું હ્યદે ધૂમ પ્રગટ ત્યાં હોય,
તે તુંને લાગે રે નેન, તેહ થકી તું રોય.” 0ઝઘડો

એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
“મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન-કાય. 0ઝઘડો

સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,
દયાપ્રીતમ શ્રીકૃષ્ણ-શું બેઉં વડેથી પ્રીત.” 0ઝઘડો

(ચાંદોદના વતની અને મોસાળ ડભોઈના નિવાસી કવિ દયારામ ( જ્ન્મ : ૧૭૭૭, મૃત્યુ : ૧૮૫૩) કૃષ્ણલીલા અને કૃષ્ણપ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે પ્રસિદ્ધ છે. ઢાળની વિવિધતાવાળી એમની ગરબીઓ, એમના ઉમંગ-ઊછળતા ઉપાડથી, ભાષાના માધુર્યથી અને ભાવની ઉત્કટતાથી લોકપ્રિય બની છે. એમણે વ્રજ, હિન્દી અને ગુજરાતી ત્રણેમાં લખ્યું. ‘દયારામ રસસુધા’, ‘રસિક વલ્લભ’, ‘પ્રબોધબાવની’, અજામિલાખ્યાન’ વિ. એમના પુસ્તક. ક.મા.મુનશીએ કહ્યું હતું કે દયારામ નિતાંત શૃંગારકવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ.)

5 Comments »

  1. radhika said,

    February 4, 2006 @ 5:12 AM

    વિવેકભાઈ,

    આપની પાસે જો મીરાબઈ તથા નરસીંહ મહેતાના કોઈ દુર્લભ ભજનો નો સંગ્રહ હોય તો આ ફલક પર રજુ કરવા વિનંતી છે

    આ લોચન મારા કાનજી ને, નજરુ જુએ તે રાધા રે
    આકેશ ગુંથ્યા તે ક્હાનજી ને, સેથી પુરી તે રાધા રે

    આ એક ભજન છે જેની અમુક કડીઓ વાંચી છે જો આપની પાસે સંપુર્ણ રચના હોય અને આપ અહી પ્રસ્તુત કરી શકો તો હુ આપની આભારી હોઈશ

  2. વિવેક said,

    February 4, 2006 @ 8:18 AM

    રાધિકા,

    કૃષ્ણ-રાધાની ગરબી તો સાથે પોસ્ટ કરી જ રહ્યો છું. પણ મીરાંબાઈ અને નરસિંહ મહેતા વિશે કોઈ ખાસ ફરમાઈશ હોય તો જણાવશો. આવતા શનિ-રવિમાં જરૂર પોસ્ટ કરીશ.

    સાહિત્ય જીવે છે એના ભાવક અને ચાહકથી. આભારી આપે નથી થવાનું, અમારે થવાનું છે કે અમને ન માત્ર સારા વાંચક મળ્યાં છે, સારાં ભાવક પણ મળ્યાં છે.

  3. Dilip Patel said,

    December 16, 2006 @ 4:35 PM

    રાધિકાબેન,

    પ્રિયકાંત મણિયારનું
    ‘આ લોચન મારા કાનજી ને, નજરુ જુએ તે રાધા રે
    આકેશ ગુંથ્યા તે ક્હાનજી ને, સેથી પુરી તે રાધા રે’
    આ ગીત આપ આ લિન્ક પર માણી શકશો. http://www.kavilok.com/kavi_poet_priyakant_maniyar.htm

  4. yatin said,

    April 21, 2012 @ 6:42 AM

    આપ નિ પસે દયરમ્ભૈ નુ મન્જિ મુસફર રે ચલો ને નિજ દેસ ભનિ અ પદ હોઇ તો યતિન્િગ્ફિન્સેર્વ્ોમ પેર મોકલ્વ વિનન્તિ

  5. yatin said,

    April 21, 2012 @ 6:44 AM

    if u have pad of shri dayaram bhai “manji musafar re chalo ne nij des bhani : hoi to yatin@igfinserv.compar mokaljo

    thanks

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment