મહોબત છેડ એવા સૂર કે તડપી ઉઠે બેઉ
નયન દીપકને ઝંખે છે ને હૈયું મલ્હાર માગે છે
– અમર પાલનપુરી

ભીડથી ભીતર સુધી (ભાગ:૧) – મહેશ દાવડકર

સુરતના અંતર્મુખ કવિ, સિદ્ધહસ્ત ચિત્રકાર અને શિક્ષક  શ્રી મહેશ દાવડકરના પ્રથમ ગઝલસંગ્રહ ‘ભીડથી ભીતર સુધી’નો લોકાર્પણ સમારોહ આજે સુરત ખાતે થઈ રહ્યો છે ત્યારે આજે જ ઇન્ટરનેટના સશક્ત માધ્યમ વડે અને કવિના પૂર્વાનુમોદન સાથે આ ગઝલસંગ્રહનો લોકાર્પણ વિધિ વિશ્વગુર્જરીના આંગણે કરતા ‘લયસ્તરો’ સહર્ષ ગર્વ અનુભવે છે…

Mahesh Dawadkar _Bheed thi bhitar sudhi
(આવરણ ચિત્ર : શ્રી મહેશ દાવડકર)

મહેશ દાવડકરના આ ગઝલસંગ્રહમાંથી પસાર થતી વખતે કવિનો પોતાની જાત સાથેનો સતત સંઘર્ષ નજરે ચડે છે. ક્યાંક આ સંઘર્ષ વેદનાસિક્ત છે તો ક્યાંક અસ્તિત્વના અંકોડા ઉકલવાના હેતૂપૂર્ણ… અહીં અંધારામાંથી અજવાળામાં જવાની મથામણ છે. ભીડની વચ્ચેની એકલતા અને એકલતા વચ્ચેની ભીડ પણ કવિ સમજે છે. સરળ ભાષામાં લખાયેલી આ ગઝલો ભાવકને સપાટી પરથી ઊંડાણમાં લઈ જાય છે… કવિને ‘લયસ્તરો’ તરફથી હાર્દિક શુભકામનાઓ…

એક ટીપું આંસુનું દરિયા સમું યે હોય છે,
દોસ્ત ! એને પાર કરવાનું ઘણું મુશ્કેલ છે.

નજરને સ્હેજ બદલી નાખવી પડશે,
બધું તો ક્યાં અહીં બદલાય છે, સાલ્લું !

ફર્ક એને શો પડે, હો પાનખર કે હો વસંત,
જે ખરેલા પર્ણનું એકાંત લઈ જીવ્યા કરે !

વરસાદ જ્યારે પડતો ચશ્માંના કાચ ઉપર,
અશ્રુને મળતો પડદો ચશ્માંના કાચ ઉપર.

હું અટકી-અટકીને એથી તો ચાલું,
રહે છે પાછા વળવામાં સરળતા.

ગૂંચવાતી દોર જેવા આપણે,
બેઉ છેડા કઈ રીતે ભેગા થશે ?

ભલે નક્કર હશે એકાંત તો પણ,
આ એકલતા ધીમેથી ઘર કરે છે.

ખુદથી જ્યારે અલગ થવાયું છે,
નભ સમું વિસ્તરી જવાયું છે.

જિંદગીના આ અકળ તખ્તા પર,
મૃત્યુ પણ ક્યાંક ગોઠવાયું છે.

એ રીતે ના આપ તું આધાર કે,
ભાર વરતાયા કરે આધારમાં.

તું વહી શક્શે નહીં તો છેવટે અટકી જશે,
ને થશે ખાબોચિયું : એ છે અટકવાની સજા.

તું ગઝલ લખવા વિશે પૂછે તો કહી દઉં ટૂંકમાં,
ભીતરે જળ ને ઉપરથી એ છે સળગવાની સજા.

આવે ખુશી કે અશ્રુ બન્નેથી થઈએ અળગા,
એમાં ભળી જશું ત્યાં લગ ભેદભાવ રહેશે.

કદી દિવસે કદી રાતે પ્રવેશે ચોર ઈચ્છાના,
ને આંખોમાંથી ધીરે-ધીરે ચોરી જાય છે નીંદર.

નયનના ઉંબરે અશ્રુઓની ભીનાશ હર રાતે,
જરી પાંપણ સુધી આવીને લપસી જાય છે નીંદર.

સૂના મંદિરનો ગુંબજ હો એવું મારું ભીતર છે,
તું ઝાલર જેવું રણકી જા સનમ થોડી ક્ષણો માટે.

પાણી સાથે આપણો કેવો સંબંધ હોય છે ?
કૈં વમળ ભીતર ને જળ આંખોમાં દેખાયા કરે.

લાગણીની ખીણમાં ભેખડ સમો,
હું પડ્યો’તો ક્યાંક પડઘાયા વગર.

આવ, તડકો તને નહીં લાગે,
વૃક્ષ જેવી જ છાંય છે ભીતર.

થયો છું વ્યક્ત આજે પૂરે-પૂરો,
તને શક હોય તો લઈ લે તલાશી.

-મહેશ દાવડકર

સુરતમાં જીવનભારતી શાળાના રંગભવનમાં તા. 23-02-2009ના રોજ સાંજે સાડા આઠ વાગ્યે શ્રી મહેશ દાવડકરના પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહનું વિમોચન અને લોકાર્પણ વિધિ થશે જેમાં રસિકજનોને પધારવા હાર્દિક આમંત્રણ છે…

…આ પ્રસંગે યોજાયેલા કવિસંમેલનમાં મહેશ દાવડકર, પંકજ વખારિયા, વૈશાલી પટેલ, કિરણકુમાર ચૌહાણ, વિવેક ટેલર, શકીલ સૈયદ, ડૉ. હરીશ ઠક્કર, ગૌરાંગ ઠાકર અને એષા દાદાવાલા ભાગ લેશે…

25 Comments »

  1. Sandhya Bhatt said,

    February 23, 2009 @ 5:47 AM

    ભીતરનું જળ અકબંધ રાખીને સળગવાનું કામ સહેલું નથી. ઘણાં વખતથી તમારા સંગ્રહની
    પ્રતીક્ષા હતી. અભિનંદન, મહેશભાઈ.

  2. ડો.મહેશ રાવલ said,

    February 23, 2009 @ 5:51 AM

    પ્રથમ શુભેચ્છા, કલાના એકથી વધુ પાસાને નિખારતા નખશિખ કલાકાર શ્રી મહેશ દાવડકરને અને બીજી,આજના કાર્યક્રમમાં જે કવિમીત્રો પોતાની લાગણીઓને વાચા આપવાના છે.
    અને
    સમગ્ર કાર્યક્રમની સફળતા માટે અલગથી, શુભેચ્છાઓનું ઊમેરણ…….!

  3. pragnaju said,

    February 23, 2009 @ 6:00 AM

    સુરતમાં જીવનભારતી શાળાના રંગભવનમાં શ્રી મહેશ દાવડકરના પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહનું વિમોચન અને લોકાર્પણ વિધિ પ્રસંગે અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ…અભિનંદન
    લાગણીની ખીણમાં ભેખડ સમો,
    હું પડ્યો’તો ક્યાંક પડઘાયા વગર.

    આવ, તડકો તને નહીં લાગે,
    વૃક્ષ જેવી જ છાંય છે ભીતર.

    વાહ્

  4. mukesh Variawa, Surat said,

    February 23, 2009 @ 6:10 AM

    શ્રી મહેશ દાવડકરના પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહનું વિમોચન અને લોકાર્પણ વિધિ સુરતમાં જીવનભારતી શાળાના રંગભવનમાં પ્રસંગે હુ ગર્વની લાગણી અનુભવુ …..…અભિનંદન. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા.

    એક ટીપું આંસુનું દરિયા સમું યે હોય છે,
    દોસ્ત ! એને પાર કરવાનું ઘણું મુશ્કેલ છે.

    એ રીતે ના આપ તું આધાર કે,
    ભાર વરતાયા કરે આધારમાં.

    આવ, તડકો તને નહીં લાગે,
    વૃક્ષ જેવી જ છાંય છે ભીતર.

  5. Shah Pravinchandra Kasturchand said,

    February 23, 2009 @ 6:30 AM

    અભિનંદન,મહેશભાઈ !

  6. sunil shah said,

    February 23, 2009 @ 7:51 AM

    મહેશભાઈને અભિનંદન…
    અને આ ગઝલસંગ્રહનો લોકાર્પણ વિધિ વિશ્વગુર્જરીના આંગણે કરતા ‘લયસ્તરો’ નો હૃદયથી આભાર..

  7. ઊર્મિ said,

    February 23, 2009 @ 7:59 AM

    પ્રથમ કાવ્યસંગ્રહ માટે મબલખ હાર્દિક અભિનંદન મહેશભાઈ…!

    નજરને સ્હેજ બદલી નાખવી પડશે,
    બધું તો ક્યાં અહીં બદલાય છે, સાલ્લું !

    મજાનું સુરતીપણું આંખે વળગે છે…! 🙂

    આ શેર તો ખુબ જ ગમી ગયો…

    તું ગઝલ લખવા વિશે પૂછે તો કહી દઉં ટૂંકમાં,
    ભીતરે જળ ને ઉપરથી એ છે સળગવાની સજા.

    આમ તો બધા જ શે’રની પસંદગી મજાની કરી છે… પણ આટલા જરા વધારે ગમી ગયા.

    ફર્ક એને શો પડે, હો પાનખર કે હો વસંત,
    જે ખરેલા પર્ણનું એકાંત લઈ જીવ્યા કરે !

    ખુદથી જ્યારે અલગ થવાયું છે,
    નભ સમું વિસ્તરી જવાયું છે.

    એ રીતે ના આપ તું આધાર કે,
    ભાર વરતાયા કરે આધારમાં.

    તું વહી શક્શે નહીં તો છેવટે અટકી જશે,
    ને થશે ખાબોચિયું : એ છે અટકવાની સજા.

    લાગણીની ખીણમાં ભેખડ સમો,
    હું પડ્યો’તો ક્યાંક પડઘાયા વગર.

    અને કવિશ્રી માટે આવેલાં આજનાં અવસરને અનુરુપ…

    થયો છું વ્યક્ત આજે પૂરે-પૂરો,
    તને શક હોય તો લઈ લે તલાશી.

    વાહ…. ફરીથી કવિશ્રીને અભિનંદન !

  8. divya modi said,

    February 23, 2009 @ 8:43 AM

    પ્રથમ ગઝલસંગ્રહ ના વિમોચન-પ્રસંગે મહેશભાઈને હાર્દિક અભિનંદન….
    અહિ પસંદગી પામેલા તમામ શૅર ઉત્તમ… શિર્ષક તથા મુખપૃષ્ઠ પણ લાજવાબ… !!!!
    ” સૂરત” ને ખોળે આજે એક ઔર કવિ-રત્નનું અમૂલ્ય નજરાણું !!!!

  9. Kishore Modi said,

    February 23, 2009 @ 10:54 AM

    પ્રથમ તો અભિનન્દન પછી અનેકગણી શુભેચ્છાઓ.શેર મનભરી માણ્યા
    સરસ

  10. mahesh dalal said,

    February 23, 2009 @ 12:45 PM

    હલ્લો મહેશ્ભઈ.. હાર્દિક અભી નન્દન્..

  11. Kavita said,

    February 23, 2009 @ 2:17 PM

    અભિનંદન મહેશભાઈ !

  12. sapana said,

    February 23, 2009 @ 2:59 PM

    સરસ.

    અહિ મારી એક પંકતિ લખુ.

    તારા દુઃખમા સહભાગિ થઉ
    એવા મારા ભાગ્ય નથિ.

  13. mickey said,

    February 23, 2009 @ 4:27 PM

    Very good. Jeevanbharti.. where many of us went to school. Such a remote (from Dallas) and still such close. Like Maheshbai’s poems you posted – easy but sharp. How can such a few words express so much?

  14. Maheshchandra Naik said,

    February 23, 2009 @ 7:34 PM

    અભિનદન શ્રી મહેશ્ભાઈ, ગઝલસગ્રહના લોકાર્પણ પ્રસન્ગે, એક સુરતી તરફથી, સુરત તો ગઝલનુ મક્કા ને તમે બધા ગઝલકારો “હાજી” કહેવાવ એટલે નમસ્કાર સાથે શુભ કામનાઓ……ડો. વિવેક્ભાઈને પણ અભિનદન અને આભાર્

  15. ધવલ said,

    February 23, 2009 @ 9:47 PM

    નજરને સ્હેજ બદલી નાખવી પડશે,
    બધું તો ક્યાં અહીં બદલાય છે, સાલ્લું !

    – સરસ !

  16. sudhir patel said,

    February 23, 2009 @ 10:52 PM

    કવિ અને ચિત્રકાર શ્રી મહેશ દાવડકરને એમના પ્રથમ ગઝલ-સંગ્રહના વિમોચન પ્રસંગે મારા
    હાર્દિક અભિનંદન અને કાર્યક્રમની સફળતા માટે અઢળક શુભેચ્છાઓ!
    લયસ્તરોનો પણ અહીં ગઝલ-સંગ્રહનું લોકાર્પણ કરવા બદલ આભાર!
    સુધીર પટેલ.

  17. RAMESH K. MEHTA said,

    February 24, 2009 @ 12:55 AM

    શબ્દ અને અર્થની સમતુલા ધરમના કાટાની જેમ સચવાય એવી શુભકામના.

  18. Makarand Musale said,

    February 24, 2009 @ 3:20 AM

    મિત્ર, કવિ અને ચિત્રકાર મહેશ દાવડકરને એના પ્રથમ ગઝલ-સંગ્રહ ‘ભીડથી ભીતર સુધી’ માટે મારા ખૂબ ખૂબ અભિનંદન.

    નજરને સ્હેજ બદલી નાખવી પડશે,
    બધું તો ક્યાં અહીં બદલાય છે, સાલ્લું !

    બહોત ખૂબ !!!

    e-inauguration માટે ‘લયસ્તરો’ પણ એટલાજ અભિનંદન ને પાત્ર.

    મકરંદ મુસળે.

  19. Pinki said,

    February 24, 2009 @ 3:40 AM

    મહેશભાઈને પુસ્તક વિમોચન પર્વે ખૂબ ખૂબ અભિનંદન

    શબ્દ,રંગ ને ભીતરનો અદ્.ભૂત સમન્વ્ય મુખપૃષ્ઠથી જ ….. !!

  20. KIRANKUMAR CHAUHAN said,

    February 24, 2009 @ 8:36 AM

    પધારો મહેશભાઇ સ્વાગત છે તમારું,
    આ સંગ્રહ છે તમારો પણ સપનું હતું અમારું.
    ખૂબ ખૂબ ખૂબ અભિનંદન.

  21. pradip sheth said,

    February 24, 2009 @ 9:18 AM

    કવિઓ સંવેદનાના કેટલા સમાન સ્તર પર વિચારતા હોય છે….

    મારી જ ગઝલનો શેર રજુ કરુ તો….

    જાત સાથે વાત કરવાનુ કંઇ સહેલુ નથી,
    દર્પણોને સાફ કરવાનું કંઇ સહેલુ નથી..

    સાત દરિયા હોય ને હોડી હલેસા હોય ના,
    એક આંસુ પાર કરવાનું કંઇ સહેલુ નથી .

    કાવ્ય સંગ્રહ માટે ખૂબ ખૂબ અભિનંદન તથા લયસ્તરો પર મુકવા બદલ
    વિવેક ભાઈ નો પણ ખૂબ..ખૂબ્..આભાર…..

    પ્રદીપ શેઠ
    ભાવનગર..

  22. Vijay Shah said,

    February 24, 2009 @ 10:49 AM

    પ્રથમ કાવ્યસંગ્રહ માટે મબલખ હાર્દિક અભિનંદન મહેશભાઈ…!

    નજરને સ્હેજ બદલી નાખવી પડશે,
    બધું તો ક્યાં અહીં બદલાય છે, સાલ્લું !

  23. GAURANG THAKER said,

    February 24, 2009 @ 11:37 AM

    વાહ વાહ વાહ મહેશભાઈ..મઝા આવી….

  24. urvashi parekh said,

    February 24, 2009 @ 7:05 PM

    અભિનંદન મહેશભાઈ..
    ઘણુ સરસ …
    લયસ્તરો નો આભાર..

  25. malvikasolanki said,

    March 12, 2013 @ 4:49 AM

    પાણી સાથે આપણો કેવો સબંધ હોય છે?
    કૈ વમળ ભીતરમાં ને જળ આખોમાં દેખાયા કરે
    ખુબ જ સરસ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment