એકધારા શ્વાસ ચાલુ છે હજી,
જિંદગી ! અભ્યાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

મુસાફરીના વિઘન – અનિલ જોશી

(નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે.)

સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
ડેલી ઉઘાડ…
મારું બેડું ઉતાર…
કાળ ચોઘડિયે સુધબુધ મેં ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ
મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધુણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

-અનિલ જોશી

સંબંધમાં ગાંઠ પડી જાય ત્યારે માણસ સુધબુધ ખોઈ બેસે છે.  પણ કવિતા ત્યાં નથી. કવિતા તો જન્મે છે બરફના ટુકડાને પાણીમાં પડેલી ગાંઠ ગણવાની સાવ અનૂઠી વાતના કલ્પનથી ! યુગયુગોથી બેઉ કાંઠે વહેતી ગંગા કયા કારણોસર નજરાઈ ગઈ છે એ પર્યાવરણના અસમતુલનની પંચાતમાં કવિ પડતા નથી. કવિને નિસબત છે પનિહારીના માધ્યમ વડે નદીપ્રેમ અને નદીના સૂકાવાની વેદના અને હિમાલયના પીગળવાની વ્યથા વ્યક્ત કરવામાં. અને વ્યથા રજૂ કરવા માટે કોઈ પોતાનું તો હોવું જોઈએ ને? એટલે જ કવિ ‘સૈ’ને સંબોધીને કાવ્યનો ઉઘાડ કરે છે અને આખા ગીતને બોલચાલનું ગીત બનાવી ભાવકના હૃદયને સીધું સ્પર્શવામાં સફળ રહે છે…

10 Comments »

  1. Jina said,

    February 13, 2009 @ 12:41 AM

    ખૂબ સુંદર…!!!

  2. Harshad Joshi said,

    February 13, 2009 @ 3:09 AM

    વાહ…!!

  3. pragnaju said,

    February 13, 2009 @ 7:22 AM

    જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
    જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
    હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
    હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
    તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
    સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
    વાહ્
    મારી બેનને જ કોમ્યુડીન લેવલ વધે અને લોહી ગંઠાય નહીં અને એ-ફીબ્રીલેશનમા ગાંઠ બંધાવવાનો ડર રહે ત્યારે તે લેવલ નિયમિત લઈ કાળજી લરવાથી સારું રહે…

    લોહી ભલે ગંઠાતું નથી પરંતુ સંબંધની ગાંઠ મજબૂત છે.ગાંઠ પડે છે કેમ? પડી ગયેલી ગાંઠ પાછળનું કારણ શોધવાનો પ્રયત્ન કરાય તો, શું મળશે ખબર છે? અહંકાર, એકમાત્ર અહંકાર. અહંકારમાં રહેવું એટલે કારણ વગરના દુ:ખનો ભાર વેંઢારીને ફરવું. માણસ રહે અહંકારમાં એકલો પણ એનો અહંકાર બતાવવા એને જરૂર તો બીજાની પડવાની. અહંકારની જાહોજલાલી એકલાથી ન ભોગવાય. ભગવાનમાં માનતા હો તો જાણી લો, ગર્વિષ્ઠ લોકો એનેય ગમતા નથી! અહંકાર, ધિક્કાર, આનંદને ઘટાડી નાખવાનું કામ કરે છે તોય માણસ પોતાની આ કમજોરીને એન્જોય કરે છે! જયારે કોઇ, કમજોરીને જ પોતાની શકિત માની જીવતો રહે ત્યારે એ કમજોરીમાંથી છૂટવું મુશ્કેલ નહીં, લગભગ અસંભવ બની જવાની શકયતા વધારે.
    સંબંધોમાં પણ એવું જ્! સંબંધોનું કોમ્યુડીન મીટર દરેકે રાખવું જોઈએ…

  4. ઊર્મિ said,

    February 13, 2009 @ 9:12 AM

    જ્યારે આને પહેલીવાર વાંચ્યુ હતુ ત્યારનું ખૂબ જ ગમી ગયેલું…!

    કવિને અભિનંદન…!

  5. ધવલ said,

    February 13, 2009 @ 9:53 AM

    પાણીમાં ગાંઠ પડવાની કલ્પના જ સરસ છે !

  6. bharat said,

    February 13, 2009 @ 11:46 AM

    “મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
    પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો”
    ખૂબ સુંદર કલ્પના!!!!!!!!!!!

  7. ડો.મહેશ રાવલ said,

    February 13, 2009 @ 1:35 PM

    સુંદર ભાવ અભિવ્યક્તિ અને તળપદી ભાષા સાથે લયનો તાલ-મેલ આ બધું જ એકરસ થઈને ગીતને શીરા જેવું – સી…….ધું ગળે ઉતરી જાય એવું બનાવે છે સૈ………!

  8. varsha tanna said,

    February 15, 2009 @ 3:19 AM

    હૈયાને વહેતા મૂકે એવા બરફની ગમતીલી વાત્ સુદર અભિવ્યક્તિ.

  9. bhaskar thanki said,

    February 18, 2009 @ 10:35 AM

    what a ” kalpana” Anilbhai,

    I love this deshi language.

    astu,

    Bhaskar…..

  10. NILAY KHANDALKAR said,

    September 16, 2011 @ 3:49 AM

    વાહ સુ કલ્પના …… અને શબ્દ પ્રયોગ ..કોઇ એ સચુજ કહ્યુ ચ્હે કવિ નિ કલ્પના મા અખિ દુનિયા અવિ જાય ચ્હે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment