છે કેવળ ભ્રમ તમારા નામની પાછળના લટકણિયાં,
હકીકતમાં, મૂષકજી ! પૂંછ સાતેસાત ખોટી છે.
વિવેક મનહર ટેલર

આસિમ વિશેષ : ૨ : કંકોતરી – આસિમ રાંદેરી

Aasim_kankotari

(કંકોતરી મળી…                          ….શ્રી આસિમ રાંદેરી)

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
.                  સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
.                  કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
.                  જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
.                  શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
.                  દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
.                  કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
.                  ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
.                  તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
.                  કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
.                  મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
.                  આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
.                  ‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
.                  હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
.                  એ પારકી બની જશે, હું એનો એ જ છું !

-આસિમ રાંદેરી

જનાબ આસિમ રાંદેરીની આ રચનાના કેટલાક અંતરાઓને પોતાનો અવાજ આપીને મનહર ઉધાસે ખૂબ લોકપ્રિય બનાવી દીધી છે પણ આ નઝમ આજે પહેલવહેલીવાર આખેઆખી ઇન્ટરનેટ ઉપર ખાસ લયસ્તરોના વાચકો માટે અને આસિમસાહેબને શબ્દાંજલિના ભાગ સ્વરૂપે…

પ્રિયતમાની કંકોતરી મળતા જે લાગણી કવિ અનુભવે છે એ એમની ભીની-ભીની સંવેદનાનું દ્યોતક છે અને આ આખા પ્રસંગને જે રીતે એ મૂલવે છે અને જે જે આયામથી જુએ છે એ કાબિલે-સલામ છે. નઝમના દરેક અંતરાના અંતે જેમ સૉનેટમાં એમ અહીં કવિ એવી ચોટ ઉપસાવે છે કે ‘લીલા’ જો સાચે હોત અને એણે એના લગ્ન પહેલાં આ નઝમ વાંચી હોત તો એ કવિ સાથે જ લગ્ન કરી લેત !

(ઑડિયો : ટહુકો)

18 Comments »

  1. jayeshupadhyaya said,

    February 6, 2009 @ 7:15 AM

    કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
    નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
    ગઝલ નઝમ કવિતા જીવનમાં શરુઆત આસીમ સાહેબ ની લીલાથી કરેલી યાદોંનો પટારો ખોલવ બદલ આભાર આસીમ સાહેબ ને દિલથી શ્રધ્ધાજંલી

  2. pragnaju said,

    February 6, 2009 @ 8:11 AM

    અલહમ્દુલિલ્લાહિ રબ્બીલ આલમીન.
    महीं देवस्य सवितु:परिष्टति:

    ૦૪-૩૦-૨૦૦૮ને દિને ટહુકો પર આ સાંભળી હતી
    મનહર આ રીતે શરુઆત કરે છે
    એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
    વર્ષો પછી યે બેસતા વરસે એ દોસ્તો,
    બીજું તો નથી એમની કંકોતરી તો છે!
    – અમૃત ‘ઘાયલ’
    ત્યાર બાદ ઘણી સાઈટ પર રજુ થયેલ સદાબહાર રચના!
    આજે મિલ્ટકલર, બોર્ડરવાળી, બોકસવાળી બ્રોડ વર્ટિકલ કંકોત્રી, ઉપર ડાયમંડ, સ્ટોન, જરી વર્ક કરેલી, મેટાલિક કંકોત્રી બનાવડાવાનું લોકો પસંદ કરે છે. આ બધામાં પણ અત્યારે મેટાલિક અને હેન્ડમેડ કંકોત્રીનો ટ્રેન્ડ વધારે છે. અત્યારે કંકોત્રીમાં ડાર્ક કોપર, ઓરેન્જ, મેંદી ગ્રીન જેવા ટ્રેડિશનલ કલર વધુ પ્રચલિત છે. તેમાં બેકગ્રાઉન્ડ, બાંધણીની ડિઝાઇન, બુટ્ટા, જરી, ડિઝાઇન પર જરી વર્ક કર્યું હોય એવી વુલી પેપરની બનાવેલી કંકોત્રીઓ પણ બનાવડાવે છે. ઘણા તો વર-વધૂના ફોટોગ્રાફસ પણ કંકોત્રીમાં લગાવડાવે છે. ઉપરાંત, ગણપતિની ડિઝાઇનવાળી, જરીવાળી કે દોરી કે સાટિન પટ્ટીથી ઉપર ફૂલ બાંધેલું હોય, રેશમી દોરીની ગાંઠ મારી કવરમાંથી કાર્ડ નીકળે એવી કંકોત્રી બને છે ત્યારે પણ રસીકો આ કંકોત્રીને તો યાદ કરે જ છે!

  3. કુણાલ said,

    February 6, 2009 @ 8:13 AM

    અદભૂત શબ્દો… અદભૂત અભિવ્યક્તિ… !!!

    “…
    એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
    વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
    સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
    આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
    આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
    ‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.
    …”

    કંકોત્રીને પ્રેમપત્ર ગણવાની વાત !! જો કટાક્ષ હોય તોયે કટાક્ષની ઈન્તેહા અને હકીકત હોય તો પ્રેમની ઈન્તેહા !!!

    આસીમસાહેબને સહ્રદય શ્રદ્ધાંજલી …

  4. ઊર્મિ said,

    February 6, 2009 @ 8:41 AM

    જનાબ આસિમ રાંદેરીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી… એમની અમર કંકોતરીથી…!

    મારી ખૂબ ખૂબ ખૂબ પ્રિય નઝમ…!
    આજે આખી નઝમ પેશ કરવા બદલ આભાર દોસ્ત…!
    અને હા, આ ‘લીલા’બેન વાળી વાત બી હાવ હાચી લાગે છે હોં !

  5. vishwadeep said,

    February 6, 2009 @ 8:52 AM

    રાંદેરી સાહેબને હ્ર્દય પૂર્વક શ્રદ્દાજંલી .

  6. Dilipkumar Bhatt said,

    February 6, 2009 @ 9:37 AM

    પૂજ્ય રાન્દેરીસાહેબને મારા હ્રુદયપૂર્વકના નમસ્કાર સાથે મારી શ્રદ્ધાન્જલી

  7. kantilalkallaiwalla said,

    February 6, 2009 @ 12:03 PM

    Truth and feelings are said in best simple words. Congratulations to Janabeli Asim Randeri

  8. ધવલ said,

    February 6, 2009 @ 12:03 PM

    યાદગાર નઝમ.

  9. Pinki said,

    February 6, 2009 @ 5:14 PM

    હજુ ગયા વરસે જ તેમના જન્મદિન નિમિત્તે અખબારે મસમો…ટી નોંધ ફોટા સાથે એક સાહિત્યકાર વિશે લીધી તેનું આશ્ચર્ય પણ થયેલું.

    આસિમ સા’બને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ……….!!

  10. Harikrishna said,

    February 7, 2009 @ 12:53 AM

    Excellent!!!!

  11. Priti said,

    February 7, 2009 @ 1:04 AM

    ખુબજ સરસ વાન્ચિ ને તો દિલ ભરાઇ આવે…….

  12. RAMESH K. MEHTA said,

    February 7, 2009 @ 2:09 AM

    HEART TOUCHING, EXCELLENT, SUPERB AND KABILE TARIF.

  13. તાહા મન્સૂરી said,

    February 7, 2009 @ 2:20 AM

    આસિમ સાહેબને શ્રદ્ધાંજલિ…!
    પોતાનાં “લીલા” કાવ્યો અને તાપી નદીનાં કાવ્યો દ્વારા આસિમ સાહેબ અમર રહેશે.
    પોતાની કલ્પનામૂર્તિ “લીલા”ને તેમણે ગુજરાતી સાહિત્યમાં જીવંત કરી દીધી હતી.
    તેઓ ખુદ જણાવે છે “એક વખત થાણા મુંબઇથી આવેલા એક જૈન યુગલે મને પુછ્યું:’શું “લીલા”નું
    પાત્ર ખરેખર જીવંત છે?’ મેં કહ્યું:’ના.એ તો મારી કલ્પનામૂર્તિ છે,કલ્પન છે.’ત્યારે તેઓ મને એકધારા તાકી રહ્યાં!
    જાણે હું કઇંક છુપાવતો હોઉં,એવું તેમને લાગ્યું હોય એવું એમના ચેહરા પરના મનોભાવ પરથી લાગતું હતું.

    ભગવતીકુમાર શર્મા લખે છે: મુશાયરામાં આસિમ સાહેબનો ક્રમ આવે એટલે શ્રોતાઓમાંથી
    “લીલા…”,”લીલા…”ના પોકારો પડે તેનો હું સાક્ષી છું.

    અમર પાલનપુરીના શબ્દોમાં આસિમસાહેબને શ્રદ્ધાંજલિ અર્પીએ.

    શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીનો “સરસ્વતીચંદ્ર”,
    શ્રી કનૈયાલાલ મુનશીનાં “કાક-મંજરી”
    શ્રી રમણભાઇ નીલકંઠનાં “ભદ્રંભદ્ર”
    શ્રી તારક મેહતાનો “ટપુડો”
    તેમ
    શ્રી આસિમ રાંદેરીની “લીલા”ને
    ગુજરાતી ભાષાના ખરા સાહિત્યરસિકો
    ક્યારેય નહીં ભુલે…
    વાર્તામાં કે નવલકથામાં એકાદ બે પાત્રો સર્જી
    લેખક પોતાનું અને પોતે સર્જેલા પાત્રોનાં નામ
    અમર કરી ગયાનાં ઘણાં ઉદાહરણો મળશે.
    પણ…!
    કવિતા,ગઝલ કે નઝમમાં વાર્તાનુરૂપ કાવ્ય લખનાર
    શ્રી “આસિમ” રાંદેરી સિવાય કોઇ પણ શાયરનું નામ
    હજુ સુધી મારા સાંભળવામાં આવ્યું નથી….
    પ્રણામ છે એવા ગુજરાતનાં લેખક સપૂતોને
    અને સલામ છે એમની કલમને.
    તેમાંય શ્રી “આસિમ”ભાઇને તો ખાસ.
    પ્રણામ “આસિમ”ભાઇ
    સલામ “આસિમ”ભાઇ

    “હમારે બાદ ઇસ મેહફિલમેં અફસાને બયાં હોંગે,
    બહારેં હમકો ઢૂંઢેગી, ન જાને હમ કહાં હોંગે!”

  14. RJ MEET said,

    February 7, 2009 @ 3:37 AM

    AASIM BHAI GAYA TYARE AAPNE SAHU KETLA VYTHIT THAI GAYA ?,
    PAN EK VAAT KAHU KHUDA TO 104 VARSHTHI VYTHIT HATO…AENE LAGYU KE HAVE AASIM VAGAR NAHI CHAL…ATLE KHUDA AE AASIMJI NE BOLAAVI LIDHA…
    BAS DUA ATLI KE AASIM BHAI AAVTA JANME SURAT MA J PEDA THAJO ANE SURAT MA PAN RANDER MA J MOTA THAJO..ANE MOTA THAI LEELA PAR J KAVITA LAKHJO…..

    AAMIN

  15. “લીલા”-આસિમ રાંદેરી « P R A S H I L said,

    February 10, 2009 @ 8:03 AM

    […] “કંકોતરી” (Courtsey: https://layastaro.com/?p=1693) […]

  16. PIYUSH M. SARADVA said,

    December 16, 2009 @ 6:46 AM

    ખુબ જ સરસ.

  17. Bhoomi Zinzuvadiya said,

    January 28, 2013 @ 2:08 PM

    ખુબ સુન્દર શબ્દો મા નિર્માન કરેલિ ચ્હે મનનિ વેદના ને

  18. Bhoomi Zinzuvadiya said,

    January 28, 2013 @ 2:10 PM

    રન્દેરેી સાહેબ ને શ્રદ્ધાન્જલેી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment