વાયુ આવે ને તરત કંપી જતી,
આ ધજા તો સાવ સંસારી હતી !
ચિનુ મોદી

એક માણા તે જેવડું મોતી રે – લોકગીત

એક માણા તે જેવડું મોતી રે,
.                         તેને સાત ગાડે ઘાલી આણ્યું રે.
તેને બાર બળદિયે તાણ્યું રે,
.                         તેને સાત સુંડલિયે સાર્યું રે.
તેને સાત વીંધારાયે વીંધ્યું રે,
.                         એક ભાલાં તે સોય મંગાવો રે.
પેલા ……નું નાક વીંધાવો રે,
.                         એને નાકે તે નથડી પેરાવો રે.
એને ઘરઘરતો ઘાઘરો પેરાવો રે,
.                         એને ચસચસતો કમખો પેરાવો રે.
એને આછી પછેડી ઓઢાડો રે,
.                         તેનું ઠાંસીને માથું ગૂંથાવો રે.
તેને આછી તે પિયળ કઢાવો રે,
.                         એને કાળી કળાઈ રાતો ચુડો રે.

(લોકગીત)

કવિતા અને લોકગીતની વચ્ચે આમ જોવા જઈએ તો ડાયરી અને અખબાર જેવો ફરક હોઈ શકે. કવિતા કવિની અંગત અનુભૂતિ ઝીલે છે જ્યારે લોકગીત પ્રવર્તમાન સમાજની સામૂહિક ચેતનાને પ્રતિબિંબિત કરે છે. લોકગીતમાં જન્મ થી મરણ સુધીના બધા જ અવસરો સંજિદી હળવાશથી અને ક્યારેક કલ્પનોની તાજપ સાથે વ્યક્ત થતા જોવા મળે છે.  લોકગીતની મોટી ખાસિયત લોકબાનીના સહજ અને સરળ શબ્દોની સાથે શીરાની જેમ ગળે ઉતરી જાય એવા લય અને લહેકાની ગૂંથણી છે.  ઠઠ્ઠામશ્કરી કરતાં કરતાં હળવા હૈયે આવેલ પ્રસંગને ઉકેલવામાં લોકગીત મદદરૂપ નીવડે છે.

પ્રસ્તુત લોકગીત લગ્નના અવસરે સંધ્યાટાણે જે સાંઝીના ગીતો ગવાય છે એમાંનું એક છે. સાત-સાત ગાડાંમાં તેડીને લાવવું પડે એવા ગાગર સરીખા મોતીને ભાલાં જેવડી સોય વડે સાત-સાત વીંધનારા વડે વીંધાવવાની વાત હળવો હાસ્યરસ ઊભો કરે છે. અને જેની મશ્કરી કરતા હોય એને આવા અતિશયોક્તિસભર દાગીનાં-કપડાં પહેરાવવાની આ વાત ગાનાર અને સાંભળનાર બંનેના હોઠે સ્મિતનો લય રેલાવી રહે છે.

(માણો= મોટી ગાગર, પિયળ= સ્ત્રીના કપાળમાં કંકુ વગેરેનો કરાતો લેપ;  કળાઈ=કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ, કલાઈ)

9 Comments »

  1. ડો.મહેશ રાવલ said,

    January 23, 2009 @ 2:25 AM

    તળપદી ભાષા અને એના ઉપમા,અલંકારોનું ભાવવિશ્વ અનન્ય છે…..
    કહેવાતી આધુનિકતાએ ઈતિહાસ પાસેથી હજુ ઘણું શિખવાનું છે..
    એજ,મારી દ્રષ્ટિએ સાચું કવિ કર્મ છે કે, સતત નાવીન્ય તરફ અગ્રેસરતા કેળવી અભિન્યક્તિ અને અનુભૂતિ બન્નેને કેળવતાં રહેવું……
    સુંદર,ભાવવાહી રચના….આભિનંદન.

  2. Anjli said,

    January 23, 2009 @ 7:11 AM

    Hare krishna
    I really enjoyed reading this lokgeet…
    nicely, written…keep the good work going…
    n always best luck to u…
    Haribol

  3. sneha-akshitarak said,

    January 23, 2009 @ 8:40 AM

    વિવેકભાઈ ની રચનાઓને કોમેન્ટ આપવા માટે પણ હું તો બહું નાની પડું.પણ ખૂબ જ સરસ તળપદી રચના છે. જેટલાં આધુનિક કાવ્યો લખી શકે છે એટલા જ સરસ તળપદી પણ લખો છો. અને અમારા જેવા નવા નિશાળિયાઓને પણ ખૂબ પ્રોત્સાહન આપો છો.

  4. pragnaju said,

    January 23, 2009 @ 8:50 AM

    સરસ સંવેદનશીલ લોકગીત.
    અને હવે તો આવા લોકગીતો એટલા
    ગમવા લાગ્યા છ્ર કે સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મમાં
    સુખવિંદર કચ્છી લોકગીત ગાશે! સ્પાઈક લીની ‘ઈન્સાઈડ મેન’
    નામની ફિલ્મમાં પણ લોકગીત સાંભળવા મળ્યું હતું!!

  5. Navaldan Rohadia said,

    January 23, 2009 @ 9:22 AM

    મને લાગેછે કે લોકગીતમાં આવતા શબ્દોની ડિક્સનેરી અલગ હોયછે.પ્રદેશે પ્રદેશે અર્થો અલગ હોઇ શકે.
    *માણુ=એક માપ (વજન કરવા માટે)
    *ઘાઘરો ઘમઘમતો હોય.(ઘુઘરા જડેલો)

  6. pragnaju said,

    January 23, 2009 @ 9:59 AM

    …પ્રદેશે પ્રદેશે અર્થો અલગ હોઇ શકે.સાચી વાત છે.પણ અહીં વિવેકનો અર્થ વધુ યોગ્ય લાગે છે.
    બાકી માણા શબ્દ તો ઘણી જગ્યે આવે છે!
    માણાને માણા ચુસે છે, ને માણા લટકી જાય છે.
    માણાને માણા મારે છે, ને માણસાઈ મરી જાય છે.
    મુર્તિને માણા કિચડ લગાવે ને આખું ગામ સળગી જાય છે.
    બસ્સો-પાંચસો માણાની લાશો, સ્ટેશનમાં પડી જાય છે,
    ને શેરબજારનાં માણાનાં પેટનું પાણીયે હાલતું નથ્.
    ————————-
    કહો નહીં બળબળતા માણા,
    અંગારે ઝળહળતા માણસ.
    ————————-
    ” માણા એટલા પિયરિયાને પાણા એટલા સાસરિયા…”
    —————————–
    તોહ તમારા અડ્તા સાયા ની કમિ મેહ્સૂસ થાય છે….
    એ માણા નો સાયો ,જે માણ ઉપર આજ્ની ગલિચ હવ્વાઓ ની પર્છાયિ નથિ પડી…..
    ——————————–
    શ્રી સયાજી સાહિત્ય માણા પુષ્પ…!
    ———————
    અમારે જાવું ચાકરી રે માણા રાજ …
    મેલીને સાહ્યબા નહિ આવું રે માણા રાજ
    —————————
    છેલ્લે
    ભારતનું છેલ્લું ગામ તે માણા
    માણા માં એક ગુફામાં વ્યાસે મહાભારત લખ્યું હતું!
    માણા ગામ પાસે જ સરસ્વતી નદીનું ઉદ્ગમસ્થાન પણ છે.
    માણા ગામથી આગળ સહસ્ત્રધારા, સતોપંથ તળાવ, સ્વર્ગારોહિણી વગેરે સ્થળો છે. આ સ્થળોએ જ યુધિષ્ઠિર સિવાયના પાંડવો અને દ્રૌપદીએ એક પછી એક દેહત્યાગ કર્યો હતો. આ સ્થળે કોઇ માનવવસ્તી નથી અને આગળ રસ્તા જેવું પણ કશું નથી એટલે તેની ઉપર ચઢાણ કરવું ખૂબ દુર્ગમ અને મુશ્કેલ છે છતાં કેટલાક સાહસિકો અને ટ્રેકર્સ સ્થાનિક લોકોની મદદથી આ સ્થળોએ જાય છે. અહીં ઘણા તપસ્વીઓ પણ એકાંતમાં રહી તપસાધના કરે છે.

  7. bharat said,

    January 23, 2009 @ 11:23 AM

    લોકગીત પણ સરસ અને પ્રગ્નાજુની “માણા” પણ સરસ !!!

  8. વિવેક said,

    January 23, 2009 @ 9:48 PM

    મજાનું ‘માણા’પુરાણ, પ્રજ્ઞાઆંટી… !! આભાર…

    માણાનો એક અર્થ માનવંત પણ થાય છે. માણારાજ એટલે મોટું માણસ અથવા વહાલું માણસ. માણારાજ શબ્દનો લોકગીતમાં વરરાજાને સંબોધવા માટે પણ ઉપયોગ થાય છે. ક્યારેક માણારાજ માત્ર પ્રાસ મેળવવા માટે પણ વપરાય છે, જેમકે ‘વેવાઈ સૂતો હો તો જાગ, તમારો તેડાવ્યો રાયવર આવ્યો માણારાજ’.

    માણા એ કોદરાની એક જાત પણ છે.

    માણો એટલે એક જાતનું માપ એ વાત પણ સાચી અને માણો એટલે અભિમાન પણ “આવે મૂકી માણો હો રાજન” (ઋષભદેવ). માણૉ એટલે મોટી ગાગર અથવા હાંડો પણ થાય છે-“લઈ કાંધે માણો રજપૂત ભરે પાણી દૂબળા.” અને માણો એટલે ભોગ અથવા આનંદ પણ.

  9. ધવલ said,

    January 24, 2009 @ 1:33 PM

    ગીત મઝાનું છે… ‘માણા’પુરાણની સામે મારું જ્ઞાન તો પાણા સમાન છે 🙂 અડધી વાર તો હું આવા ગીતો અર્થ સમજ્યા વિના જ સાંભળે રાખતો હોઉ છું !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment