સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?
– ગૌરાંગ ઠાકર

કરશું અમે – બરકત વિરાણી ‘બેફામ’

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.

સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઈ બચશે, લાગણી કરશું એમે.

પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.

આ જગત અમને ભલેને નોખનોખા માર્ગ દે,
પણ સફર જીવનની તારા ઘર ભણી કરશું અમે.

આભધરતીનો તફાવત છે તો એથી શું થયું ?
ચંદ્ર થઈ જાશું ને તમને પોયણી કરશું અમે.

તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.

શી દશા થઈ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.

કાં મળે સૌ કાંઈ અમને, કાં મળે ના કાંઈ પણ,
એની પાસે એની ખુદની માગણી કરશું અમે.

એક વખત સ્પર્શી અમારી શુધ્ધતા પણ જોઈ લો,
છો તમે પથ્થર ભલે, પારસમણિ કરશું અમે.

છે ખુદા સૌના અને એથી એ સંતાઈ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.

ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્વને ‘બેફામ’ ખાલી છાવણી કરશું અમે.

– બરકત વિરાણી ‘બેફામ’

3 Comments »

  1. ketan yajnik said,

    January 3, 2018 @ 8:11 AM

    બેફામ આગળ પાછળ કઈ નહિ

  2. Shivani Shah said,

    January 3, 2018 @ 9:33 AM

    દરેક શેર સચોટ અને સુંદર ! છેલ્લો શેર best..

    ‘હવે બસ બહુ થયું બુધ્ધિ હું પાગલ થાઉં તો સારું,
    છલકવાનો સમય આવ્યો છલોછલ થાઉં તો સારું.
    જીવનનો ગર્જતો સાગર ઘણો ગંભીર લાગે છે,
    હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું.
    જુઓ કિરણો વિખેરાયાં ને ગુંજનગીત રેલાયાં,
    હ્રદય ઇચ્છી રહ્યું છે આજ શતદલ થાઉં તો સારું.
    …………’

    – શ્રી શેખાદમ આબુવાલા, શ્રી સુરેશ દલાલ સંકલિત ‘ કવિતાનો આનંદ ‘ માંથી

  3. Jigar said,

    January 8, 2018 @ 12:05 AM

    adbhut !!
    ek ek sher jordar !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment