હો શંકા તો લાવો છબી ને મિલાવો,
સ્વયં ‘શૂન્ય’ રૂપે ખુદા રૂ-બ-રૂ છે.
‘શૂન્ય’ પાલનપુરી

ઓઝિમન્ડિસ – પર્સી બિશ શેલી (અનુ.: વિવેક મનહર ટેલર)

(શિખરિણી)

હું મળ્યો’તો પુરાતન મલકના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
ટીકા સૌની જે હાથ થકી કરી ને પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર લિખિત છે ત્યાં શબદ આ:
મહારાજા છું, ઓઝિમનડિસ છે નામ મુજ, ને
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
ન બીજું બચ્યું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”

– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)

સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. સનયથી મોટો અને સાચો વિવેચક ન કોઈ થયો છે, ન થશે. સમયનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે. સમયની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા ૨૯ વર્ષની નાની વયે ગુડબાય કહી જનાર અમર મહાન બ્રિટિશ ગીતકવિ શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.

ઓઝિમન્ડિસ (અંગ્રેજી ઉચ્ચાર ઓઝિમન્ડિયાસ) લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ગ્રીક નામ છે. ઓઝિમન્ડિસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો સૌથી વધુ શક્તિશાળી ફેરો હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું. એના વિશાળકાય પૂતળા નીચે કુંભી પર આ લખાણ હતું: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝિમન્ડિસ. જે કોઈપણ એ જાણે કે હું કેટલો મહાન હતો અને ક્યાં સૂતો છું, એને મારા કાર્યોમાંથી એકને વટી જવા દો.’

૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. શેલીનું સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે એ પણ સૂચક છે. ’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝિમન્ડિસનું તૂટેલું પૂતળું પણ શેલીના સૉનેટમાં ખૂબસૂરત, અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે.

Ozymandias

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”

– Percy Bysshe Shelley

6 Comments »

  1. Shivani Shah said,

    October 8, 2017 @ 2:09 AM

    સરસ કાવ્ય..સોંસરુ ઊતરી જાય એવું ધારદાર..કદાચ પહેલી વખત શેલીનું કાવ્ય વાંચ્યું. અનુવાદ – શિખરિણીમાં અસરકારક. ..Thanks Layastaro, for something though old, new for a reader like me and something different. ..

  2. વિવેક said,

    October 8, 2017 @ 7:05 AM

    આભાર શિવાની શાહ…

    સોનાની કિંમત ઝવેરી જ આંકી શકે…

  3. સુરેશ જાની said,

    October 8, 2017 @ 8:32 AM

    મારી ગમતીલી ટેનિસનની કવિતા યાદ આવી ગઈ.
    There rolls the deep where grew the tree.
    O earth, what changes hast thou seen!
    There where the long street roars, hath been
    The stillness of the central sea.

    The hills are shadows, and they flow
    From form to form, and nothing stands;
    They melt like mist, the solid lands,
    Like clouds they shape themselves and go.

    But in my spirit will I dwell,
    And dream my dream, and hold it true;
    For tho’ my lips may breathe adieu,
    I cannot think the thing farewell.

    આ બે કાવ્યોમાં સમાનતા મૃત્યુ છે, અને છતાં એના અંતમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર છે! પણ એ બન્ને અંત હકીકત છે .
    એમ કહે છે કે,
    Opposite things are complementary to each other.

    અને એટલે જ કદાચ…
    All is well !

  4. Shah Pravin said,

    October 9, 2017 @ 12:38 PM

    I met a traveller from an antique land,
    હું મળ્યો’તો પુરાતન મલકના એ પથિકને,
    ખૂબ સુંદર અનુવાદ તે પણ શિખરિણીમા… વાહ…

  5. વિવેક said,

    October 10, 2017 @ 9:41 AM

    @ સુરેશભાઈ:

    પ્રતિભાવ બદલ આભાર… આપે પ્રસ્તુત કરેલી કવિતા પણ ખૂબ મજાની છે…

  6. વિવેક said,

    October 10, 2017 @ 9:42 AM

    @ પ્રવીણભાઈ:

    ખૂબ ખૂબ આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment