અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ભગવતીકુમાર શર્મા

વહાણવટું – રમેશ પારેખ

પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.

એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.

સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.

કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.

સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.

-રમેશ પારેખ

ર.પા.નું આ અછાંદસ કાવ્ય ખરી કવિતાની વિભાવના સમજવામાં ખાસ્સી મદદ કરે એવું છે. કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. ધક્કેલ્યુંમાં આવતો બેવડો ‘ક’કાર નાવને સમુદ્રમાં આગળ ધકેલવાની ક્રિયાને વધુ વેગવંતી બનાવી કાવ્યને વધુ દૃશ્યક્ષમ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત કરે છે. કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે સમુદ્ર પડકાર સમો ઊભો છે અને હોડીમાંના વધારે પડતા વજન સામે ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. નાયક એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં એ હલેસાં હોમે છે, પછી પોતાના પગ, પછી હાથ અને છેલ્લે આખેઆખું ધડ હોમી દે છે.

આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. ત્રણવાર પુનરાવર્તિત થતા એક જ વાક્યમાં ખડખડ શબ્દનું સ્થાન બદલીને કવિ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે.

ધડના હોમવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે અને આખી સૃષ્ટિ આવી ઊભે છે. હવાઓનું ચિરાઈ જવું, આકાશના રંગોનું ભર ભર ખરી પડવું અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થવાં આ ઘટનાઓ કવિ શબ્દમાં આલેખે છે પણ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સામે મૂર્ત થાય છે, સાકાર થાય છે. આ કવિના શબ્દની સાચી તાકાત છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખુલે છે.

અંતે નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરીને ચુપ થઈ જાય છે. આગળ વધવાની ઈચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. વહાણમાં પડી રહેલા બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. અને એ માથામાં થતી વીજળીઓને કાળી સંબોધીને કવિ વહાણવટા પાછળના આંધળૂકિયા સાહસ સુધી અર્થવલયોનું વિસ્તરણ કરે છે.

અહીં મનુષ્યને તમે ખતમ કરી શકો પણ એને તમે પરાસ્ત નહીં કરી શકો એવી વિભાવના ઉજાગર થાય છે….

24 Comments »

  1. KAPIL DAVE said,

    January 8, 2009 @ 1:18 AM

    પછી તો
    નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
    ચાલ્યું.
    અર્ધેક પહોંચતાં

    નાંગરેલું આવે કે લાંગરેલું

    પછી તો
    લાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
    ચાલ્યું.
    અર્ધેક પહોંચતાં

    જો મારી ભુલ હોય તો માફ કરજો પણ મારા ખ્યાલથી લાંગરેલું આવે….

    ખુબજ સરસ રચના છે………………..

  2. કુણાલ said,

    January 8, 2009 @ 1:24 AM

    અદભૂત કાવ્ય … અને વિવેકસરનું સુંદર વર્ણન….

    મને આમાં એક વધુ અર્થ અભિભૂત થતો દેખાયો.
    સમુદ્રને જો મનુષ્ય(એક વહાણવટુ)એ કરવું જ પડે એવું એક મૂળભૂત અને જરૂરી કાર્ય કે indulgence તરીકે જોઈએ તો એના માટે મનુષ્યે શું શું છોડવા તૈયાર રહેવું જોઈએ એ વીદિત થતું જણાય છે …

    બીજા અર્થમાં એક primary કર્મને સંપૂર્ણપણે ફળીભૂત કરવા માટે મનુષ્યએ શું શું છોડી દેવું પડે – ત્યાં સુધી કે એના દેહના અભિન્ન એવા અંગો સહિત – એ પણ આ કાવ્ય દર્શીત કરતું જણાય છે…

  3. કુણાલ said,

    January 8, 2009 @ 1:26 AM

    અને સાચે જ વાંચતા વાંચતા જાણે કોઇ ચિત્ર જોઈ રહ્યાં હોઈએ એ જ રીતે એક પછી એક દ્રશ્યો ખુલતાં ગયા !!!

    સાચે જ શબ્દોથી ચિત્ર ઉપસ્યું છે …

  4. kirankumar chauhan said,

    January 8, 2009 @ 3:57 AM

    vivekBhai thanks, ek adbhut kavyanu adbhut rasdarshan bas aavu badhu lavo yaar jalsa pade chhe.

  5. kirankumar chauhan said,

    January 8, 2009 @ 4:00 AM

    vivekbhai tanks, ek adbhut kavyanu adbhut rasdarshan! bas aavu badhu aapta raho yaar jalsa pade chhe.

  6. વિવેક said,

    January 8, 2009 @ 6:31 AM

    પ્રિય કપિલભાઈ,

    લાંગરેલું શબ્દ જે રીતે સાચો છે એ જ રીતે નાંગરેલું શબ્દ પણ સાચો છે.

    દેશ્ય ભાષાના ણંગર કે ણંગલ અથવા ફારસી લંગર ઉપરથી આંગર શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં એને મળતો શબ્દ છે લાંગલ. નાંગરનો એક અર્થ થાય છે લંગર અથવા નાંગળ યાને વહાણ અટકાવી રાખવા માટે પાણીમાં નાંખવામાં આવતો અંકોડો. એ પરથી નાંગરવું એટલે નાંગર નાંખીને વહાણને ઊભું રાખવું, લંગરવું.

    એક રૂઢિપ્રયોગ પણ છે: “નાંગળ નાખવાં” યાને કે લાંબા વખત માટે ઉતારો કરવો…

    ઝવેરચંદ મેઘાણીની એક પંક્તિ:
    ઊંડા જળ એલાણ નાંગળ તૂટ્યાં નાગડા.

    આપની ભાષાપ્રીતિ અને ઝીણવટાઈસભર વાચન સ્પર્શી ગયા… ખૂબ ખૂબ આભાર…

  7. વિવેક said,

    January 8, 2009 @ 6:36 AM

    કુણાલભાઈ,

    જે અર્થ આપને અભિભૂત થયો છે એ આ કાવ્યની ક્ષિતિજને હજી પણ વિસ્તારી દે છે… આ જ તો કવિતાનો ચમત્કાર છે…. આભાર!

    અને હા… લયસ્તરો સહર્ષ અને સગર્વ કવિશ્રી કિરણકુમાર ચૌહાણની હાજરીની નોંધ લે છે…

  8. ડો.મહેશ રાવલ said,

    January 8, 2009 @ 7:50 AM

    કોને દાદ આપવી વિવેકભાઈ!
    સુંદર કવિતાને કે સ-રસ કરાવેલાં રસ દર્શનને?
    અને હા,તમે આ એક વાત બહુ જ મહત્વપૂર્ણ કરી કે,
    કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે.
    કવિ તરીકે સ્થાપિત થયેલાં કે થવા થનગનતાં દરેક શબ્દસાધકો માટે આ સ્પષ્ટ “બોધ” કહી શકાય ……!
    -આભાર.

  9. pragnaju said,

    January 8, 2009 @ 7:54 AM

    ગૂ ઢ અછાંદસ
    અને વિદ્વાનોની અદભૂત સમજુતી !
    અમ મતિમંદને તો હજુ પણ પૂરેપૂરુ સમજાયું નથી,
    ચીંતન કરવું પડશે..કદાચ આ બલિદાન સ્થૂળ અંગોનું નહી
    પણ અનિત્યનુ …

  10. ઊર્મિ said,

    January 8, 2009 @ 9:52 AM

    really rare gem… પણ રસાસ્વાદ વગર માણવું કદાચ અધૂરું લાગત…!

  11. chetu said,

    January 8, 2009 @ 10:21 AM

    ખુબ ખુબ અભિનન્દન વિવેકભાઇ , આપને આ કવ્ય નો રસાસ્વાદ કરવવા બદલ અને કવિશ્રી ના આ ગુઢ શબ્દો ને બિરદાવવા અમારી પાસે કોઇ શબ્દો નથી ..

  12. Jay Gajjar said,

    January 8, 2009 @ 10:37 AM

    Very descriptive and full of hearty feelings. Ramesh Parekh’s poems are touchy and inspiring. Congratulations.

  13. Kavita Maurya said,

    January 8, 2009 @ 2:03 PM

    ખરેખર ખુમારીનું સુંદર કાવ્ય અને કાવ્યનું રસદશૅન પણ એટલું જ સુંદર.

  14. ધવલ said,

    January 8, 2009 @ 6:53 PM

    બહુ સરસ કાવ્ય અને બહુ સરસ આસ્વાદ !

  15. sudhir patel said,

    January 8, 2009 @ 9:08 PM

    સરસ કાવ્યનો એટલા જ સુંદર આસ્વાદ બદલ વિવેકભાઈનો ખૂબ ખૂબ આભાર!
    આપની શબ્દો વિશેની ઊંડી સમજ પણ કપિલભાઈના જવાબ દ્વારા જાણી આનંદ થયો.
    સુધીર પટેલ.

  16. JIgnesh Adhyaru said,

    January 8, 2009 @ 10:53 PM

    ખૂબ સરસ રચના……. પરંતુ આને સ્થૂળ રૂપોમાં ન લેતાં જો સૂક્ષ્મ સ્વરૂપે વિચારીએ તો આ અવગુણો અને અવળચંડા વિચારો કે ભૌતિક વિલાસો વિશે પણ શું નથી કહેતું?

    ખૂબ જ સરસ રસસ્વાદ …. વાહ!

  17. KAPIL DAVE said,

    January 9, 2009 @ 3:28 AM

    વિવેક ભાઈ

    તમારા જવાબ બદલ ખુબ ખુબ આભાર

    અને આવિ સરસ સરસ કવિતાનો રસસ્વાદ કરાવતા રહેજો……….

    ખુબ ખુબ આભાર…………….

  18. અનામી said,

    January 9, 2009 @ 7:59 AM

    વાહ…!

  19. JIGAR NAIK said,

    January 10, 2009 @ 12:18 AM

    dear vivekbhai,
    very very nice and beautiful poems by you. i really love gujarati poems.
    its really really nice poem. pls carry on and write new poems on this group.
    congratulation vivekbhai.

  20. dipti said,

    January 16, 2009 @ 12:52 AM

    સન્સાર સાગરમા પન આગલ વધવા મનના વિચારો અને વિકરોને આમ જ નાખતા જવુ જોઈ એ ને? મનનો ભાર ફેકેીશુ તો જ આગલ વધાશે.

  21. Shivani Shah said,

    October 9, 2016 @ 1:19 PM

    રુંવાડા ઊભા થઈ જાય એવું શબ્દચિત્ર દોર્યું છે કવિએ આ કાવ્યમાં! અને કાવ્યની સમજૂતીનું એવું જ સુરેખ આલેખન થયું છે
    એની નીચે મૂકેલી notes માં..કવિતાનું દરેક પાસુ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે..

  22. વિવેક said,

    October 10, 2016 @ 1:36 AM

    આભાર !

  23. Toral Patel said,

    August 18, 2020 @ 5:50 AM

    વિવેકભાઈ,
    આપે હ્રદયસ્પર્શી કાવ્યને ખુબ સુંદર અને ભાવવહી રીતે સમજાવ્યું છે. આભાર.
    આ કાવ્ય રમેશ પારેખના ક્યા સંગ્રહમાં છે અથવા તો તે ક્યાં પ્રગટ થયેલું છે?
    મારે આ વિગતની જરુર હોવાથી, થોડીક તકલીફ લઈને પણ મદદ કરવા વિનંતિ.
    તોરલ પટેલ

  24. વિવેક said,

    August 18, 2020 @ 8:46 AM

    @ તોરલ પટેલઃ

    શોધી આપું… પ્રતિભાવ બદલ આભાર..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment