ડહાપણનું ટીલું કપાળે કર્યું’તું,
કોઈનીય પાછળ ન પાગલ થવાયું !
– મેહુલ એ. ભટ્ટ

પાનખર – આદિલ મન્સૂરી

શૂન્યતામાં પાનખર ફરતી રહી.
પાંદડીઓ આભથી ખરતી રહી.

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આંખ નીતરતી રહી.

સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.

મૌનની ભીનાશને માણ્યા કરી,
ઝૂલ્ફમાં બસ અંગુલી ફરતી રહી.

હું સમયની રેતમાં ડૂબી ગયો,
મૃગજળે મારી તૃષા તરતી રહી.

તેજ ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ આંખમાં ઠરતી રહી.

આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.

હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી જિંદગી સરતી રહી.

– આદિલ મન્સૂરી

5 Comments »

  1. સુરેશ જાની said,

    September 25, 2017 @ 3:30 PM

    આપણો સબંધ તો અટકી ગયો,
    ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.
    ——–
    ઘણી જૂની યાદો તાજી થઈ ગઈ. આ સોનેટ પણ….

    અરે ! આ પાનખરના રંગને કોઇ નામ ના આપો.
    બધા રંગો ઊડી જાશે, તરુવર શુષ્ક થઇ જાશે.
    પછી પર્ણો નહીં મળશે, પછી તરણું નહીં મળશે,
    અરે! આ નભ તણી શોભાય સૌ બરબાદ થઇ જાશે.

    જમીન પર પાંદડા ઊડશે, સૂકાયેલા, દુણાયેલા
    સૂસવતો, વાયરો શિતળ, અરે જલ્લાદ થઇ જાશે.
    ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
    નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.

    પછી આશા નહીં રહેશે, ન કોઇ આહ પણ રહેશે.
    ન કોઇ ખ્યાલ પણ રહેશે, ન કોઇ સ્વપ્ન પણ રહેશે
    જીવન કેરું જતન જે પ્યારથી, કુમાશથી કીધું,
    મને ના પૂછશો , આ ખેલનો અંજામ શું રહેશે?

    શીતલ કો બિંદુના મૃદુ સ્પર્શથી રે ! કૂંપળો ફૂટશે,
    નવાં પર્ણો , નવાં ફૂલો, નવેલી જિંદગી ઉગશે.

  2. Shah Pravin said,

    September 26, 2017 @ 5:39 AM

    હાથમાંથી જિંદગી સરતી રહી… વાહ કવિ…

  3. ketan yajnik said,

    September 26, 2017 @ 9:29 AM

    આ દિલ્!

  4. SHARAD said,

    September 26, 2017 @ 10:48 AM

    SHANT PANKHAR

    SAMBANDHO ATKE NE SMRUTIVEL PANGARTI RAHE

  5. Jayendra Thakar said,

    September 26, 2017 @ 1:35 PM

    હું સમયની રેતમાં ડૂબી ગયો,
    મૃગજળે મારી તૃષા તરતી રહી.
    લાજવાબ! વેદનાની પરાકાષ્ટા!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment