દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.
ગની દહીંવાલા

બારી ખૂલી ગઈ – જવાહર બક્ષી

(ત્રિપાદ કુંડળ)

બારી ખૂલી ગઈ છે
કિંતુ સુગંધ અહીંનો
રસ્તો ભૂલી ગઈ છે….

રસ્તો ભૂલી જવામાં
કેવી અજબ મજા છે
અમથી જ આવજામાં.

અમથી જ આવજા છે
મંજિલ નથી કે રસ્તો
ચારે તરફ હવા છે…..

ચારે તરફ હવાઓ
મ્હેકી પડે અચાનક
સ્પર્શીલી શક્યતાઓ.

સ્પર્શીલી શક્યતા પર
ગમતું ગણિત ગણું છું
ઇચ્છાનાં ટેરવાં પર…..

ઇચ્છાનાં ટેરવાંથી
આકાશ ઊંચકું છું
ઊઘડું દશે દિશાથી.

ઊઘડું ને વિસ્તરું છું
આંખો ઉઘાડી જોઉં
ઘરમાં જ નીકળું છું.

ઘરમાં બની ગઈ છે
અમથી જ એક ઘટના
બારી ખૂલી ગઈ છે.

– જવાહર બક્ષી

કુંડળીની રચના વિશે કવિ કહે છે, ‘સર્પ પોતાના મુખમાં તેની પૂંછડીનો છેડો નાખે ત્યારે તે વર્તુળનો પ્રારંભ અને અંત બંને તેનું મુખ હોય છે. તેમ કાવ્યની રચનાનો પ્રારંભ અને અંત એટલે કે પહેલા દુહાનો પ્રથમ ભાગ અને ત્રીજા દુહાનો અંત ભાગ એક જ હોય છે.’ ત્રિપાદ કુંડળની રચના વિશે કવિ જણાવે છે, ‘કુંડળી પ્રકારમાં થતા અંતિમ ચરણના પુનરાવર્તનને બદલે દરેક ત્રિપદીના પ્રથમ શબ્દને ચિદાકાશમાં ઉછાળ્યો છે.’

જોઈ શકાય છે કે પહેલી પંક્તિ ચોવીસમી પંક્તિ સ્વરૂપે આવે છે ત્યારે કુંડળી પૂરી થાય છે. એ ઉપરાંત દરેક ત્રિપદીના ત્રીજા પદનો પ્રારંભનો શબ્દ કે શબ્દપ્રયોગ આગામી ત્રિપદીની શરૂઆતમાં આવે છે અને એ રીતે ત્રિપાદ કુંડળની સળંગસૂત્રતા ચપોચપ બની રહે છે… ગાગાલગા લગાગાનું સંગીતપૂર્ણ આવર્તન અને ટૂંકી બહેરના કારણે રચના ઓર આસ્વાદ્ય બની છે…

પણ સ્વરૂપનું પિષ્ટપેષણ કરવાનું બાજુએ મૂકીને આઠેય ત્રિપાદને આસ્વાદીએ એની જ ખરી મજા છે.

2 Comments »

  1. Shivani Shah said,

    June 30, 2017 @ 9:55 PM

    ખૂબ સરસ કાવ્ય..ટૂંકુ છતાં અર્થ-સભર..
    સરળ ભાષા પણ full of creativity..
    દા.ત.તાજ મહેલ સુંદર છે જ..શિલ્પ અને સ્થાપત્યનો અજોડ નમૂન છે અને બીજાપૂરના ગોળ ગુંબજની ગુંજતી અટારીઓ એટલી નયનરમ્ય નથી છતાં ખૂબ જ કૌતુક જન્માવે એવી છે..
    આ કાવ્યની રચના એવી છે કે જાણે ગુંજતી અટારીઓમાં બેઠા હોઇએ એવો આભાસ થાય છે.

  2. Dhaval Shah said,

    July 2, 2017 @ 11:09 AM

    ઊઘડું ને વિસ્તરું છું
    આંખો ઉઘાડી જોઉં
    ઘરમાં જ નીકળું છું.

    ઘરમાં બની ગઈ છે
    અમથી જ એક ઘટના
    બારી ખૂલી ગઈ છે.

    – સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment