પછી છો લાખ મથો, જે ડૂબી ગયું એ ગયું,
મળે છે વાયકા પણ દ્વારકા નથી મળતી.
વિવેક મનહર ટેલર

યાદગાર મુક્તકો : ૧૧ : રાજેન્દ્ર શુક્લ, કૈલાસ પંડિત, ભરત વિંઝુડા

હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

– રાજેન્દ્ર શુક્લ

પુષ્પનું ખીલવું એ જ ધરતીનું સ્મિત છે… કળીમાંથી ખુશબૂ થઈ રેલાવાની પુષ્પની યાત્રા અને ધરતીની પ્રસન્નતા તો સૃષ્ટિમાં ચોકોર આપણી આસપાસ વેરાયેલી છે, જો આપણી પાસે જોવાની નજર હોય તો. ન જોઈ શકો અન્યથા સૃષ્ટિનું સમગ્ર સૌંદર્ય શૂન્ય છે.

 

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

– કૈલાસ પંડિત

સરળ ભાષા અને ચોટદાર અભિવ્યક્તિના કારણે કૈલાસ પંડિતની રચનાઓ તરત જીભે ચડી જતી હોય છે. મનહર ઉધાસે કદાચ આ જ કારણોસર એમની રચનાઓને મહત્તમ અવાજ આપ્યો હશે.

એના ભીતરમાં આગ લાગી છે,
એટલે ઘરમાં આગ લાગી છે !
એને ઠારી શકાય એમ નથી,
છેક બિસ્તરમાં આગ લાગી છે !

-ભરત વિંઝુડા

કોઈ પણ પૂર્વધારણા બાંધ્યા વિના ભરત વિંઝુડા સીધા જ આપણને સંબંધોની સમસ્યાના છેક મૂળ સુધી લઈ જાય છે. સામાન્યરીતે મુક્તક કે ગઝલ રચનામાં મુઠ્ઠી બંધ રાખીને કવિ વાત કરતો હોય છે અને શેર કે મુક્તક પતે ત્યારે બંધ મુઠ્ઠી ખુલતી હોય છે પણ ભરતભાઈ અલગ ચીલો ચાતરે છે. એ ખુલ્લી મુઠ્ઠી લઈને જ સામે આવે છે અને એટલે જ આ મુક્તકમાં આવતી આગ આપણી ભીતર ક્યાંક દઝાડી જાય છે…

5 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    December 21, 2016 @ 4:59 AM

    આ વાત કોઇ પણ માનશે. સરસ અવલોકન છે.
    મનહર ઉધાસે કદાચ આ જ કારણોસર એમની રચનાઓને મહત્તમ અવાજ આપ્યો હશે.
    કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
    મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
    અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
    સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

  2. Bharat Trivedi said,

    December 21, 2016 @ 5:42 AM

    Kailas Pandit should have lived longer. He was one of a kind poet in Gujarati literature. This muktak is a proof as to why he is so loved even today.

  3. KETAN YAJNIK said,

    December 21, 2016 @ 6:27 AM

    ત્રિવેનિ વહિ

  4. UPENDRASINH CHAUHAN said,

    March 17, 2018 @ 3:12 PM

    ……………..
    કોઈની યાદ દિલ ના દર્દ ને વાચા અપાવે છે,
    ગઝલ સર્જાય ના કૈલાશ દિલ પર દાહ લાગ્યા વિણ,
    પ્રથમ ઘેરાય છે વાદળ પછી વરસાદ આવે છે.

    પહેલી પંક્તિ યાદ નથી આવી રહી આ મુક્તક ની…

  5. અનિલ શાહ. પુના. said,

    August 23, 2020 @ 12:11 AM

    ભીતરનો રહેવાસી છું, ભીતરમાં રહેવા માંગું છું,
    ભીતરનો પ્રવાસી છું ભીતરમાં ચાલવા માગું છું

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment