દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ.
– ‘શૂન્ય’ પાલનપુરી

યાદગાર મુક્તકો : ૦૬ : બકુલેશ દેસાઈ, ભગવતીકુમાર શર્મા, શોભિત દેસાઈ, સંદીપ ભાટિયા

રેત છું પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી.

– ભગવતીકુમાર શર્મા

ખાલીપણાનું એટલે કે શૂન્યતાનું એટલે કે એકલતાનું એટલે કે ન-હોવાપણાનું આ મુક્તક છે.  રેતીનું એક જ કામ તે ખરવું – પણ તે એ કરતો નથી. એકલતાને પોતાની મનગમતી ચીજોથી આસાનીથી ભરી દઈ શકાય – પણ એ ભરતો નથી. પડછાયો તો માત્ર અનુસરવાનું જ કામ કરી શકે – પણ પડછાયાના ઘાથી એ પણ બચી શકતો નથી. ને સૌથી મોટો અફસોસ – આ બધી રિક્તતા વચ્ચે પણ એ મરતો નથી. મરણ તો બહુ સહેલો જવાબ છે, અને સાહેબ, અમારો દાખલો તો એનાથી બહુ વધારે અઘરો છે!

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.

-બકુલેશ દેસાઈ

ન લખી શકવાની અવસ્થા પર લખાયેલું બેનમૂન મુક્તક. અનુભૂતિનો વરસાદ પણ છતાં કવિ છે કોરા ને કોરા. શાહીની તો રીતસર હેલી છતાં કવિને પોતાનો અવાજ મળતો નથી. પોતાનો અહમ જ પોતાના અસ્તિત્વને ડૂબાડવા બેઠો હોય તો પછી સર્જનની હોડી તરાવવાનો ફાયદો પણ શું છે?

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

મૃત્યુ જેવા વિષય પર પતંગિયાની પાંખ જેવું નાજુક મુક્તક. મૃત્યુ એટલે ‘વિસ્મરણમાં ઝૂલવું’ અને ‘હોવાની કેદનું ખૂલવું’ – આનાથી વધારે સુંદર વ્યાખ્યા કઇ હોય શકે ?

શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં

– સંદીપ ભાટિયા

અને છેલ્લે મારું અતિપ્રિય મુકતક. જીવનને સરળ કરી દેવાની અકસીર જડીબુટ્ટી. આંઠ શબ્દોમાં જાણે આખો પ્રસન્ન-ઉપનિષદ. આને સમજાવવાની ગુસ્તાખી કરું તો સમૂળગો પાપમાં જ પડું ને?

6 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    December 13, 2016 @ 3:56 AM

    સુંદર મુક્તકો.

  2. Naren said,

    December 13, 2016 @ 4:02 AM

    રેત છું પણ શીશીમાં ખરતો નથી,
    શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
    મારા પડછાયા કરે છે ઘાવ પણ
    હું સમય છું એટલે મરતો નથી.
    …………..લાજ્વાબ

  3. KETAN YAJNIK said,

    December 13, 2016 @ 7:35 AM

    “રાધિકાને શાપ લાગ્યો બહેરાશતણો
    ને વર્ણદાવનમાં વાંસળી વાગી ”
    – શર્મા

  4. Vineshchandra Chhotai said,

    December 13, 2016 @ 9:07 AM

    Bahuj saras

  5. La' Kant Thakkar said,

    December 13, 2016 @ 9:40 AM

    ” હું સમય છું એટલે મરતો નથી. // -– ભગવતીકુમાર શર્મા ” વાહ વાહ
    ………………………………………………………………………………………………………..
    “ખૂબસૂરત પ્રસવ મરણનો અને
    હોવાની કેદ ખૂલવાનો સમય.” // -– શોભિત દેસા ( સો સો સલામ ભાઈ !)
    ………………………………………………………………………………………………………
    .- હું છું ……..
    ————————————————–
    { હું છું સતત શ્વાસની જેમ,મને ભીતર શું? બ્હાર શું?
    ન બૂઝાતો પ્રકાશ છું હું, છે બધે એ અવકાશ છું હું.
    હું હમેશાં આસપાસ છું, મને દૂર શું ? દૂશવાર શું?
    પૂર્ણપણે પ્રસ્ફુટ પ્રસરતો બ્રહ્મનાદ ઓમકાર છું હું. }

    { અનુભવ-જ્ઞાને સમજાયેલું માપ છું,અનુભૂતિ તણો એહસાસ અમાપ છું,
    સકળ બ્રહ્માંડનો વિશાળ વ્યાપ છું, ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું,
    પ્રેમ-આનંદસભર ‘જીવંત’વિચાર છું,સ્પર્શ-સ્પંદન રણઝણ બેસુમાર છું,
    જુઓ તો ખરા! કેવો આરપાર છું !પારદર્શિતાનું સજ્જડ પોત અપાર છું. }

    લા’ કાન્ત ‘કંઈક’ / ૧૩.૧૨.૧૬

  6. Devika Dhruva said,

    December 16, 2016 @ 11:06 AM

    વાહ. અતિ સુંદર.

    રેત ભીની તમે કરો છો પણ રણ સમંદર કદી નહિ લાગે.
    શબને ફૂલ ધરો છો, પણ મોત સુંદર કદી નહિ લાગે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment