તું મારામાં કેમ ન આવે ?
જો પથ્થર પર કૂંપળ આવે.
ભાવિન ગોપાણી

યાદગાર મુક્તકો : ૦૫ : રઈશ મનીયાર

પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

રઇશનું એક જ મુક્તક પસંદ કરવાનુ હોય તો પછી હું આ મુક્તક જ પસંદ કરું. આ મુક્તકની ધૃવપંક્તિ એ એની ત્રીજી પંક્તિ છે. ‘હાંફતા’ના આવર્તનો એક aural tension ઊભુ કરે છે અને મુક્તકને એની ધાર આપે છે. જીવનની સફરમાં હાંફવું બહુ જરૂરી ચીજ છે. શ્વાસ ફૂલી જાય, મોઢું લાલચોળ થઈ જાય ને આંખોમાં ટશર ફૂટવા પર આવે ત્યાં સુધી હાંફવું જરૂરી છે. હાંફવા વિના કશું હાંસિલ નથી. અને એક વાર હાંફવાની તૈયારી હોય તો પછી કશું અસંભવ નથી. જીવનની ઘણી અઘરી ક્ષણોએ આ મુકતકે છાંયો કરેલો એટલે આ મુક્તક એટલું વધારે પોતિકું લાગે છે. આડવાત: હું પોતે આ મુક્તક વાંચતી વખતે (કવિની માફી માંગીને) છેલ્લા “એક દિ'” ને બદલે ‘હાંફતા’નુ એક વધુ આવર્તન ઉમેરું છું. એ version મને વધુ અસરકારક લાગે છે.

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

રઇશ આમ તો કોમળતાનો કવિ છે. પણ કોઈક વાર આવી કડવી વાસ્તવિકતાને ધારદાર રીતે રજુ કરવાની આવડત પણ રાખે છે.

ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.

કવિએ બહુ અઘરી વાત બહુ સરળ ભાષામાં કરી છે. દુઃખના ભાર નીચે દબાવાની વાત તો હજીયે સમજી શકાય. પણ સુખના ભાર નીચે દબાયેલાની સ્થિતિ એનાથી પણ વધારે કફોડી હોય છે! (જોકે બીજી રીતે જુઓ તો કવિ ૫૦૦ અને ૧૦૦૦ની નોટોની વાત કરતા હોય એવુ પણ શક્ય છે 🙂 🙂 )

ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ,
કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ;
આ મત્લાથી મક્તા સુધીની નમાજો,
પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.

હિન્દુ-મુસ્લિમની જ નહીં, પણ બધા રૂઢિગત ધર્મની પરંપરાઓને ઓળંગી જઈને એક નવા જ ગઝલ-ધર્મની બંદગી કરવાનું કવિનું કોમળ એલાન. આમીન!

7 Comments »

  1. Piyushkumar Subodhchandra Shah said,

    December 12, 2016 @ 4:03 AM

    વાહ, બહુ જ સરસ રચના ..

    ચેતજે જીતમાં ય હાર ન હો,
    સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો;
    એવો કોઈ મુગટ બન્યો જ નથી,
    જેનો માથે જરા ય ભાર ન હો.

    રઈશભાઈ ને ખુબ ખુબ અભિનંદન ..!

  2. Naren said,

    December 12, 2016 @ 4:17 AM

    લાજ્વાબ મુકતકો

  3. KETAN YAJNIK said,

    December 12, 2016 @ 5:54 AM

    આમીન

  4. વિવેક said,

    December 12, 2016 @ 8:22 AM

    ચારેય મુક્તકોની પસંદગી અને કેફિયત એક-મેકથી ચડિયાતા….

    વાહ !

  5. Girish Parikh said,

    December 12, 2016 @ 3:15 PM

    ગઝલધર્મના ગુરુ રઈશને નમસ્કાર.
    –ગિરીશ પરીખ
    મોડેસ્ટો કેલિફોર્નિયા

  6. Urmi said,

    December 12, 2016 @ 10:42 PM

    આડવાત: હું પોતે આ મુક્તક વાંચતી વખતે (કવિની માફી માંગીને) છેલ્લા “એક દિ’” ને બદલે ‘હાંફતા’નુ એક વધુ આવર્તન ઉમેરું છું. એ version મને વધુ અસરકારક લાગે છે.

    ક્યા ખૂબ કહી….. સાચે જ એ રીતે વાંચવાનુંયે મજાનું લાગે છે…

    મસ્ત દમદાર મુક્તકો….

  7. Harshad said,

    January 1, 2017 @ 2:54 PM

    ખૂબ જ સુન્દર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment