મલમની કરું શૂન્ય કોનાથી આશા ?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.
‘શૂન્ય’ પાલનપૂરી

ટેવાઈ જાયે છે – અમૃત ઘાયલ

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,
ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.

યુવાનીમાં વિપંથે વૃત્તિઓ દોરાઈ જાયે છે,
વિચારે લાખ કોઈ તોય ઠોકર ખાઈ જાયે છે.

હૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,
અને ના બોલવાનું પણ કદી બોલાઈ જાયે છે.

જીવન બદલે તો બદલે, પણ પ્રણયરંગો નહીં બદલે,
હૃદય રંગાઈ જાયે છે તો બસ રંગાઈ જાયે છે.

નથી રહેતી પ્રણયવાતો કદી છાની નથી રહેતી,
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઈ જાયે છે.

જુદાઈમાં વલણ શું પૂછવું અશ્રુ-ઘટાઓનું !
ઘડી ઘેરાઈ આવે છે, ઘડી વિખરાઈ જાયે છે.

જીવનમાં એક એવી આંધી આવે છે પ્રલયકારી,
દીપક હો જેટલા ઉરમાં બધા ઓલાઈ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીનાં દહાડા છે,
છે પાણી કેટલું કોનાં મહીં જોવાઈ જાયે છે.

જીવન સારું જીગરની આહથી ફૂંકી દઉં ‘ઘાયલ’,
મને મારા ઉપર ક્યારેક એવી ખાઈ જાયે છે.

– અમૃત ઘાયલ

વિન્ટેજ વાઇન !

3 Comments »

  1. Girish Parikh said,

    December 2, 2016 @ 12:46 AM

    ઘાયલસાહેબની ગજબની ગઝલ! આના વિશે પણ http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર લખવા પ્રયત્ન કરીશ.

  2. KETAN YAJNIK said,

    December 2, 2016 @ 8:55 AM

    “ઘાયલ ” કી ગતિ ઘાયલ જાણે ”
    “ઘાયલ ” ની વાત જ ન્યારી

  3. poonam said,

    December 6, 2016 @ 4:28 AM

    મુસીબતના દહાડા એ કસોટીનાં દહાડા છે,
    છે પાણી કેટલું કોનાં મહીં જોવાઈ જાયે છે..
    – અમૃત ઘાયલ – tru..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment