પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !
મુકુલ ચોકસી

જન્મોત્સવ – ગુણવંત વ્યાસ

હૈયે મારે જલધિજલનાં શીકરો ઊછળે છે,
દાદા થ્યાનો અવસર દિલે દીપતેજે ઝગે છે.
દાદી એની હરખ કરતી, બોલતી પોરસીને:
‘ચાલો, જૈએ ગળપણભરી લાગણીઓ લઈને!’

ને એ દોડી, હું અનુસરિયો, વાધતો વંશ ભાળી,
પ્હોંચી થ્યું કે, ‘પુતરઘર હું પારકો, એ પરાઈ.’
બેટો મારો વરતન થકી લાગતો’તો પરાયો,
ને એની આ વહુ-વદન પે ભાવ ના કો કળાયો.

તોયે દાદી કુસુમવત આ બાળને ગાલ ચૂમે,
ભૂલી વૈને ચકરભમતી ગોળ ને ગોળ ઘૂમે.
તેડી લાવી મુજ કને વદે : ‘દીકરો લો તમારો;
લાગે જાણે અસલ નકશો બાપના બાપ જેવો.’

દેખી મારી નખશિખ છબી; પુત્રનો પાડ માનું
છો ના આપ્યું કશું; પણ મળ્યું, જીવવાનું બહાનું.

– ગુણવંત વ્યાસ

અલગ રહેતા પુત્રના ઘરે પુત્રના જન્મનો ઉત્સવ અને દાદા-દાદીના સંવેદનો બહુ નાજુકાઈથી કવિએ આ સૉનેટમાં કંડાર્યાં છે. પૌત્રને રમાડવા હરખઘેલા પુત્રઘેર પહોંચી જતા દાદા-દાદીને ક્ષણાર્ધમાં સમજાઈ જાય છે કે પુત્ર અને પુત્રવધૂ બંને પરાયા છે. પણ વંશવેલાને વધતો જોઈ દાદી આ અપમાન અવગણીને પણ પૌત્રને રમાડે છે અને દાદાને બતાવે છે કે એ બાળકની શિકલ એમના જેવી જ છે. પૌત્રના ચહેરામાં પોતાનો ચહેરો નિહાળી દુઃખી-અપમાનિત છતાં બાપ દીકરાનો પાડ માને છે કે ઢળતી ઊંમરે જીવવાનું બહાનું આપ્યું…

5 Comments »

  1. CHENAM SHUKLA said,

    November 18, 2016 @ 3:21 AM

    સુંદર રચના

  2. La' Kant Thakkar said,

    November 18, 2016 @ 5:54 AM

    એક સહજ સામાન્ય ઘટના …. ‘જીવન’નો મકસદ પણ ….પરિવાર-વિસ્તાર …. કુદરતી દેન !
    વંશ-વેલની ઊંડે-ઊંડે આશ …. કહેવડાવે છે :-

    “….ઢળતી ઊંમરે જીવવાનું બહાનું આપ્યું…”

  3. Pushpakant Talati said,

    November 19, 2016 @ 4:17 AM

    VERY VERY GOOD — INDEED.
    After quite a long space of time such RACHANA came for reading.
    Very nice and congratulations to the poet as well as SHRI VIVEK SIR for this
    Thanks & Regards. – Pushpakant Talati

  4. Pravin Shah said,

    November 20, 2016 @ 5:58 AM

    very nice sonet… we are lucky to have sach a sonet today…

  5. માવજીભાઈ મુંબઈવાળા said,

    November 27, 2016 @ 1:28 AM

    આ કવિતા વાંચીને હું પણ જાણે મારે ઘેર જ પૌત્ર જન્મ થયો હોય એટલો હરખઘેલો થઈ ગયો છું. ઘણા ઘણા વખત પછી આવી કવિતા વાંચી. આ કવિતાને, આ કવિને અને આ કવિતા અમારા સુધી પહોંચાડવા માટે તમને મારા પ્રણામ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment