હવાની આવ-જા હો એમ પાનાં ઊંચા-નીચા થાય,
ગઝલના ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?
વિવેક મનહર ટેલર

આપણી યાદગાર ગઝલો : ૨૧ : સ્મરણને જીવતું રાખે – રઈશ મનીઆર

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે,
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.

– રઈશ મનીઆર (જન્મ: ૧૯-૮-૧૯૬૬)

સ્વર: શૌનક પંડ્યા 

[audio:http://tahuko.com/gaagar/layastaro/Raeesh Maniar-Kinarao Alag-Shaunak Pandya.mp3]

સ્વર: ધ્વનિત જોષી

[audio:http://tahuko.com/gaagar/layastaro/Raeesh Maniar-Kinarao Alag-Dhwanit Joshi.mp3]

રઈશભાઈને એમની શ્રેષ્ઠ ગઝલો વિશે પૂછીએ તો એ તબક્કાવાર ‘આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું’, ‘સ્પર્શી શકાય ફૂલને ઝાકળ થયા પછી’ અને ‘મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું?‘ એમ ત્રણ ગઝલ પસંદ કરે છે. પણ જ્યારે એમની યાદગાર ગઝલોની વાત નીકળી ત્યારે મને, ધવલને અને ઊર્મિને -અમને ત્રણેયને આ જ ગઝલ ગમી. મરીઝ યાદ આવી જાય એવી સરળ બાનીમાં લખાયેલી આ ગઝલના બધા જ શેર ઉત્તમોત્તમ થયા છે….

‘લયસ્તરો’ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે છેલ્લા દસ દિવસોમાં અમે ત્રણ મિત્રો -ધવલ, હું અને અમારી ખાસ મહેમાન મોના- એ રજૂ કરેલ આ એકવીસ યાદગાર ગઝલોના રસથાળમાં આપણી ભાષાના સેંકડો મોતીઓ હજી ખૂટે છે. અમારી સિમિત સમજણાનુસાર અમે આ ગઝલો પસંદ કરી છે… કોઈને આ પસંદગી યોગ્ય લાગે, કોઈને ન પણ લાગે… કોઈને આ કવિઓ યોગ્ય લાગે, કોઈને અન્ય કવિઓ પણ યાદ આવે – જે તદ્દન સ્વાભાવિક છે.  આખરે તો આ યાદી અમારા અંગત અભિપ્રાય સિવાય બીજુ કાંઈ નથી.

વાચકોની જેમ અમને પણ એમ લાગે જ છે કે આ યાદીમાં હજી ઘણા વધારે ગઝલો અને ગઝલકારો હોવા જોઈએ. ખાસ કરીને નવા યુગનાં, સક્રિય એવા ઘણા ગઝલકારોને આ સાવ ટૂંકી યાદીમાં સમાવી શકાયા નથી. અમારો ઉદ્દેશ વાચકોને ગુજરાતી ગઝલના ઈતિહાસની સફર કરાવવાનો પણ હતો એટલે અમે વિતેલા યુગની પ્રતિનિધિ ગઝલોને ચૂકી ન જવાય એનો ખ્યાલ જરા વધારે રાખી સમયની રેખાને સાચવવાનો પ્રયત્ન કર્યો હતો.  પરંતુ આ તો થોડી યાદગાર ગઝલોને ફરી એકવાર યાદ કરીને વર્ષગાંઠની ઉજવણી કરવાનો એક પ્રયોગ માત્ર હતો…  આ પ્રયોગને તો અમે અહીં સમેટી લઈએ છીએ પરંતુ ભવિષ્યમાં આ યાદીનો ભાગ બે કરવાનો વિચાર અમારા મનમાં ચાલી જ રહ્યો છે. એટલે કે યાદગાર ગુજરાતી ગઝલોની આ સફર અહીં અટકતી નથી માત્ર પોરો ખાય છે…

આપના અભિપ્રાયોની પ્રતીક્ષા રહેશે.

12 Comments »

  1. MADHUSUDAN said,

    December 14, 2008 @ 1:46 AM

    બ હુ જ મજા આવિ.
    દરેક ગજલકારનિ એક સાથે ૫ -૭ ગજલ
    આપો.

  2. ડૉ. મહેશ રાવલ said,

    December 14, 2008 @ 1:57 AM

    યાદગાર ગુજરાતી ગઝલોની આ સફર અહીં પોરો ખાય એવી “યોગ્ય”ગઝલ.
    રઈશભાઈને ખાસ અભિનંદન…..

    અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
    પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.
    વાહ!

  3. kavita said,

    December 14, 2008 @ 9:40 AM

    તમારા કાવ્ય નિ ભાસા મા જ કહુ તો તમારિ આ કવિતા ગુજરાતિ સાહિત્ય ને જિવતુ રાખે છે

  4. sudhir patel said,

    December 14, 2008 @ 4:23 PM

    વિવેકભાઈની વાત સાથે પૂર્ણપણે સહમત થવા જેવું છે. યાદગાર ગઝલોની પસંદગીનું અઘરૂં કામ
    બહુ સુપેરે પાર પાડ્યું એ બદલ અભિનંદન અને પોરો ખાધા પછી સમય-ગ્રાફની સાથે ગઝલ-ગ્રાફ દોરવાનું કાર્ય સફળતા પૂર્વક કરે એવી હાર્દિક શુભેચ્છા!
    સુધીર પટેલ.

  5. Jayshree said,

    December 14, 2008 @ 5:07 PM

    આ ગઝલ સૌથી પહેલીવાર વાંચેલી ત્યારથી જ ખૂબ જ ગમી ગયેલી…
    આ બે મારા ઘણા જ ગમતા શેર…

    સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
    વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

    અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
    પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.

    તમે ત્રણ મિત્રોએ ૧૦ દિવસમાં ૨૧ ગઝલોની યાદગાર સફર કરાવી, વિવેકભાઇ…

    ગુજરાતી ગઝલોના ખજાનામાંથી મોંધેરા મોતીઓ હવે – just a click away : https://layastaro.com/?cat=533

    વાહ વાહ… !!

  6. ઊર્મિ said,

    December 14, 2008 @ 9:41 PM

    ‘બધા જ શેર ઉત્તમોત્તમ’વાળી વાત સાવ સાચી હોં દોસ્ત…
    પણ આ ત્રણ તો મારા સૌથી વધુમાં વધુ પ્રિય શેર છે… લા જ વા બ!!

    કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે,
    અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

    સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
    વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

    અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
    પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.

    રઈશભાઈની આ ગઝલ અને ‘આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું’ ગઝલ તો સાંભળવી પણ ખૂબ જ ગમે છે…!! ગીતકાર-સંગીતકાર-સ્વરકાર નો ત્રિવેણી સંગમ બંને ગઝલોને જાણે ચાર ચાંદ લગાવી દે છે!!

  7. Pravin Shah said,

    December 15, 2008 @ 10:59 AM

    બે સબળ કિનારા- ધવલ અને વિવેક- વચ્ચે વહેતી લયસ્તરોની ગઝલધારા, ‘આપણી યાદગાર ગઝલો’ના તરાપા લઈને ધસમસતી આગળ વધી રહી છે !
    ધવલભાઈ અને વિવેકભાઈને ખૂબ ખૂબ અભિનંદન !

    http://www.aasvad.wordpress.com

  8. Sandhya Bhatt said,

    December 16, 2008 @ 10:54 AM

    ગઝલોની પસંદગી બિલકુલ યોગ્ય લાગી.અભિનંદન.

  9. arpan(at)live.com said,

    December 16, 2008 @ 5:47 PM

    દોસ્ત દુશ્મન બેઊ સાથે પ્યાર નો વહેવાર કર.
    કંટકો વચ્ચે મહેકતા ફૂલ નું મુખધ્યાન ધર;

    દોસ્તો દુશ્મન બને છે જોઇ ને વર્તન બુરું.
    દુશ્મનો પણ દોસ્ત થયી જાયે છે સદવર્તાવ કર.

    દોસ્ત જો લાયક મલે તો જાન પણ કુરબાન છે.
    એના ચરણે શિશ ધરવા મા સાચી શાન છે.

    તારે જોવી હો ઝલક દુનિયા માં તો સુણ
    દોસ્તી કમજાત ની દોજખ નુ એકજ સ્થાન છે.

    વાહ વાહ …લાજવાબ ગઝલ

  10. દક્ષેશ said,

    December 18, 2008 @ 12:11 AM

    ગુજરાતી સાહિત્યની યાદગાર અને સુંદર ગઝલોનો રસાસ્વાદ કરાવવા બદલ ધવલભાઈ અને વિવેકભાઈનો આભાર. ગઝલોની પસંદગી તો સુંદર હતી જ પણ એથી વધુ એની સાથે આપનું રસદર્શન … એટલે સોને પે સુહાગા જેવું લાગ્યું.
    હવે બીજા એક વરસની રાહ જોવડાવવાને બદલે કોઈને કોઈ બહાને સમયાંતરે આવા ઉત્સવો કરતા રહો તો મજા પડે. ગઝલની જેમ ગીતોનો, ભક્તિગીતોનો, અછાંદસ રચનાઓનો, લોકગીતો, ગરબાઓ … કે પછી નામી અનામી કવિઓનો, સંગીતકારોનો.
    લયસ્તરોની ચોથી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ શુભેચ્છાઓ. ગુર્જરી સાહિત્યની મહેક લયસ્તરો દ્વારા સદા પ્રસરતી રહે ..

  11. કૃતિ said,

    December 22, 2008 @ 1:36 PM

    “કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
    જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

    અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
    પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.”

    લાજવાબ!!

  12. jAYANT SHAH said,

    January 26, 2016 @ 8:29 AM

    ખૂૂબ સુન્દર પ્રયાસ ,ખૂબજ યોગ્ય .પોરો પતી ગયો ,હવે આગળ વધો .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment