જાણ છે - કોનાં સ્મરણરૂપે તું છે ?
આંસુ, વ્હાલા; આટલું બરછટ ન હો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

આપણી યાદગાર ગઝલો : ૧૮ : માણસ ઉર્ફે – નયન હ. દેસાઈ

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈંક અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

– નયન દેસાઈ (જન્મ: ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬)

સ્વર : આશિત દેસાઈ અને હેમા દેસાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Nayan Desai-Manas urfe.mp3]

નયન દેસાઈની આ સીમાચિહ્નરૂપ ગઝલના સાત શેર મનુષ્યજીવનનું સપ્તરંગી ધનમૂલક ઈન્દ્રધનુષ છે. ઉર્ફે, એટલે, મતલબ, અથવા જેવા ઉભયાન્વયી અવ્યયો વડે ન માત્ર મનુષ્યની તરંગિત મનોદશાનો અર્થસભર ચિતાર અપાયો છે, એક પછી બીજું અને બીજા પછી ત્રીજું પડ એવી અસીમ સંભાવનાઓની વિભાવના અહીં દર્શાવાઈ છે. વળી આ અવ્યયોના આવર્તનો દ્વારા અહીં ભાવની ગતિ પણ સિદ્ધ થઈ છે. પ્રયોગાત્મક ગઝલોના ઉદભવના શરૂઆતના દિવસોમાં પરંપરાથી હટીને ભાવાભિવ્યક્તિમાં પ્રયોગ કરવા સાથે ‘ગાગાગાગા’ના ચાર નિયત આવર્તનો કરતાં એક આવર્તન વધુ લઈ કવિ છંદને વધુ ગતિશીલ બનાવવાનો પ્રયોગ પણ સફળતાપૂર્વક સાથે સાંકળી દે છે. નયન દેસાઈના કહેવા પ્રમાણે ત્રીસેક વર્ષ પૂર્વે જ્યારે એમણે કારકિર્દીની શરૂઆત રત્નકલાકાર તરીકે કરી હતી ત્યારે હીરા ઘસવાનું લેથ મશીન આઉટ થઈ જતાં માણસ એટલે રેતી એટલે ખૂટી જવાની વાત અંદરથી આ ગઝલ સ્વરૂપે પ્રગટી હતી.

લગભગ બધા જ શેરમાં કવિ એક વિભાવનામાંથી બીજીમાં અને ત્યાંથી ત્રીજીમાં એમ અનંત સુધી ભાવકને દોરી જાય છે.  માણસ શું છે ? સરી જાય એવી રેતી ? છલકાઈ જાય એવો દરિયો ? ડૂબી જવાય એવા ભાવવિશ્વની ઘટના ? ઘટના તો લોહીમાં વણાઈ જાય છે અને લોહી તો ઘટનાની જેમ, સમયની જેમ, દરિયાની જેમ, રેતીની જેમ વહેતી કે ઊડતી રહેવાની અને ક્યારેક ખૂટી પણ જવાની…

આંખો બારી જેવી ખરી પણ ખુલ્લી વિશેષણ અર્થની ચોટ લઈને આવે છે. ખુલ્લાપણું એટલે મોકળાશ. આવકારવાની શક્યતાઓ. ઊઘડવાની વાત. માણસ ખુલે તો જીવન જીવાય. દિવસ અને રાત વીતે. આંગળીના વેઢે ગણી શકાય એવા દિવસો તો પંખીની જેમ ઊડી જવાના છે. આપણું ખુલ્લાપણું જ આ દિવસોમાં ઊગવાને આથમવાના અર્થ ઊમેરી શકવાના છે.

વજ્ર જેવી જે છાતી આંસુના અડવાથી પણ પીગળતી નથી એ શું શું નથી ગુમાવતી ? આંસુ તો કોઈક સ્મરણના રણમાં ખીલેલો રણદ્વીપ છે. આંસુ યાદની પાંખે બેસાડી તમને વિસ્મૃત થયેલા બાળપણ તરફ લઈ જાય છે. અને  બાળપણના આ કૂવામાં તો આંખ મીંચીને કૂદી પડવાનું હોય નકર તો અવસ્થાનો થાક શી રીતે ધોવાય?

આપણે ચાલીએ છીએ ત્યારે શું ખરેખર આપણે જ ચાલીએ છીએ? કવિની  નજરે જોઈએ તો શું રસ્તો પોતે મુસાફરી નથી કરતો? આપણે તો છીએ ત્યાંના ત્યાં જ છીએ. જીવનનો માર્ગ પગલાંની જેમ ફૂતતો ને વધતો રહે છે અને એક રસ્તો, બીજો રસ્તો એમ ચારેબાજુ શક્યતાઓના ફૂલો ઊગી નીકળે છે. ક્યાંક પથ્થરો પણ નડે પણ પથ્થરમાંથી પણ ઊગી નીકળવાની ઘટના એટલે જ તો માણસ…

શમણાંના ઝુમ્મર જેવા સંબંધોને યોગ્ય સમયે યોગ્ય રીતે સાચવી લેવાની વાત કે દુઃખ-દર્દ-પીડા પીળા સૂરજની જેમ છાતીમાં પાકેલા ગૂમડા સમા બળબળ્યા કરે અને જીવનની મહેફિલનો ખરો આનંદ માણવા ન દે એ વાત ગઝલના તગઝ્ઝુલને ઓર ઘેરો બનાવે છે. આપણે આપણી ઓળખ ઉપર કંઈ-કઈ ચહેરા ચડાવી એમ જીવીએ છીએ જાણે આપણે સાચું શરીર નહીં, માત્ર પડછાયાઓ છીએ. આ પડછાયા, આ ચહેરાઓ, આ બનાવટી ઓળખાણો ભૂલી જવાની ઘટના ઉર્ફે જ તો….

6 Comments »

  1. Jina said,

    December 13, 2008 @ 3:24 AM

    અમર રચના….

  2. Jayshree said,

    December 13, 2008 @ 3:19 PM

    મારી ખૂબ જ મનગમતી ગઝલ…
    બસ વારંવાર સાંભળ્યા જ કરું… સાંભળ્યા જ કરું…. અને એને મમળાવ્યા જ કરું..!

  3. ડૉ. મહેશ રાવલ said,

    December 13, 2008 @ 7:53 PM

    શ્રી નયન દેસાઈની આઈડેન્ટીટી માર્ક જેવી આ ગઝલ, સદૈવ સુહાગણ ગઝલનો આશીર્વાદ લઈને જન્મી છે……
    આ પડછાયા, આ ચહેરાઓ, આ બનાવટી ઓળખાણો ભૂલી જવાની ઘટના ઉર્ફે જ તો….
    આપણે…..!
    કવિશ્રી અને લયસ્તરો બન્ને ય અભિનંદનના અધિકારી છે.

  4. kaju said,

    December 14, 2008 @ 9:15 AM

    નેચે જિયો

    nice che

  5. ઊર્મિ said,

    December 17, 2008 @ 11:59 AM

    નિરાંતે આસ્વાદ વાંચવો હતો… એટલે ઘણા દિવસથી બાકી રાખ્યો હતો. ખૂબ જ સુંદર આસ્વાદ લખ્યો છે દોસ્ત…! ગઝલ તો ઘણીવાર સાંભળી હતી પણ એનો આટલો સુંદર આસ્વાદ તો પહેલી જ વાર… આભાર કહેવું પડશે કે ?!

  6. Vishal Goyani said,

    December 14, 2011 @ 1:47 AM

    Error: file not found
    ગઝલ શરુ નથી થતી કઇક કરો!!!! પ્લીઝ્!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment