ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
ઉમાશંકર જોશી

આપણી યાદગાર ગઝલો : ૧૬ : હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !

છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !

-રાજેન્દ્ર શુક્લ (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૪૨)

સ્વર: સ્વ.પરેશ ભટ્ટ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Rajendra Shukla-hajo haath kartal.mp3]

આ ગઝલ અગાઉ લયસ્તરો પર મૂકી હતી ત્યારે લખ્યું હતું, રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય. કવિના પોતાના શબ્દોના આધારે ૧૯૭૮માં લખાયેલી આ ગઝલના સાત શેર માણીએ:

1. સંદર્ભ-નરસિંહ મહેતા: હાથમાં કરતાલ, ચિત્તમાં ભક્તિનો આવેશ અને ગિરનારની તળેટી નજીક રહેઠાણ હોય એવી અભીપ્સાનો ઉદગાર.

2. સંદર્ભ-મીરાંબાઈ: અનન્ય શ્રદ્ધાના પરિણામે વિષનું અમૃતમાં પરિવર્તન-ની અનુશ્રુતિનો સંદર્ભ. સમયના હળાહળનું, બાહ્ય જગતની પ્રતિકૂળતાઓનું સશ્રદ્ધ નામસ્મરણના પ્રતાપે પરમ અનુકૂળતામાં પરિણત થવાની અનુભૂતિનું કથન. ખાસ રાજસ્થાની ભાષાનો સંસ્પર્શ.

3. સંદર્ભ-તુલસીદાસ: શબ્દના અનન્યાશ્રય દ્વારા આરાધ્યના સ્વત: પ્રાકટ્યની તથા પરમ સાર્થક્યના અવશ્યંભાવિ અનુભવની દ્રઢ શ્રદ્ધાનું કથન. ‘ચિત્રકૂટકે ઘાટ પર ભઈ સંતનકી ભીર, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રધુવીર’.

4. સંદર્ભ-કબીર સાહેબ: વ્યવહારના સ્વીકાર છતાં વ્યવહારથી ન ખરડાવાની અસંગ નિર્લેપતા. જે કૈં છે, પ્રાપ્ત થયું છે તેને તેમનું તેમ જ યથાવત્ પરત કરવાની તત્પરતાનો સંકલ્પ. ‘દાસ કબીર જતન કરી ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં’.

5. સંદર્ભ-ગુરુ નાનક: પ્રાસાનુરોધની અનિવાર્યતાને કારણે ‘નાનક’ એ વિશેષ નામનો અભિધામૂલક પ્રયોગ.  અનાસક્ત સ્વરહિત સાક્ષીભાવ તથા સર્વાત્મભાવની ચિત્તસ્થિતિનું પ્રરૂપણ. ‘રામકી ચિડિયા, રામકા ખેત, ખા લો ચિડિયા ભરભર પેટ’. પંજાબી ઉચ્ચાર લઢણોનો વિનિયોગ.

6. સંદર્ભ-ચૈતન્ય મહાપ્રભુ: અખંડ ગાન-નામસંકીર્તનની મધુરોપાસના દ્વારા આરાધ્ય સાથેની એકાત્મતા, મધુરાદ્વૈતના મહાભાવની અનુભૂતિની ઝંખના. સંદર્ભ: મહાપ્રભુ ચૈતન્યદેવ. નયનથી નીતરતી આદ્રતામાં દેહભાવનું વિગલન. બંગાળી ભાષાનો ઈષત સ્પર્શ.

7. સંદર્ભ-હઝરત મન્સૂર અલ હિજાજ: અંતર્મનમાંથી સાવ અણધાર્યો જ ઊપસી આવેલો આ અંતિમ શેર સમગ્ર કૃતિમાં પ્રસૃત અન્યથા ભજનસાદૃશ સામગ્રીને જાણે કે ગઝલના સ્વરૂપનો પુટ આપે છે, અરબી-ફારસી શબ્દો, સૂફી સાધનાધારાની પરિભાષા તથા હઝરત મન્સૂર અલ હિજાજની પ્રસિદ્ધ ઉક્તિ ‘અનલ હક’- અહં બ્રહ્માસ્મિ દ્વારા. રાત-દિવસ  પરમ તત્વનો અવિરત ગાઢ સંસ્પર્શ અને અનિર્વચનીય સમાધિના દિવ્યભાવની અવસ્થા. ‘આનક’- આનન – મુખ શબ્દ પરથી સિદ્ધ કરેલો શબ્દ. લુપ્તસપ્તમીનો પ્રયોગ, ‘આનક’ મુખમાં. અનલહક અહીં બ્રહ્માસ્મિનું જ રટણ રહો એવી અભીપ્સા.

(રાજેન્દ્ર શુક્લના 22/08/2007 પત્રના આધારે)

(ચાનક= આવેશ, જાગૃતિ; થાનક =સ્થાનક; નાંવ = નામ; સમયરો = સમયનું; અમિયેલ = અમૃત સીંચેલું; પાનક =પીણું, પેય; ચન = ચણ; હથ્થ = હાથ; ધૌત=ધોયેલું, (૨) સ્વચ્છ; ગૌડ = એ નામનો એક શાસ્ત્રીય રાગ; ગાનક = ગાન; શબોરોજ = રાત-દિન; મુસલસલ= લગાતાર, નિરંતર, ક્રમબદ્ધ; અનલહક = ‘હું બ્રહ્મ-પરમાત્મા છું’ એ અર્થ આપતો શબ્દ; આનક = આનન, મુખ)

18 Comments »

  1. Pinki said,

    December 12, 2008 @ 1:14 AM

    ……………………… !!

    પહેલવહેલી કોઈક કવિતા સમજવાની કોશિશ કરી (કદાચ કાન્તની આજ જલ પર ……)ત્યારથી મન સતત ઝંખે કે કવિ ખુદ કાવ્ય કે ગઝલને ખોલે તેટલું કોઈ ના ખોલી શકે અને આજે રાજેન્દ્ર અંકલના શબ્દોમાં આ વાત યથાર્થ સાકાર થઈ છે. હા… એવું પણ બને કે ભાવક બે પંક્તિઓ વચ્ચેની ખાલી જગ્યા વધુ ભાવસભર બનાવી દે પણ તે ઘણી વખત શક્ય અને સત્ય નથી હોતું .

    પહેલા શેરમાં નરસૈંયો તો દેખાતો’તો અને બીજામાં મીરાંની ઝાંખી કારણ પાંચમા શેરમાં નાનક ખૂલતો’તો બાકી તો – તેઓ જ કહે છે એમ એમની કલમ થકી આજે – “શબ્દનું તળિયું દેખાય છે, શબ્દનું તળિયું દેખાય છે.” !! સાચે જ શબ્દને નાથવા પહેલાં તો અશબ્દને પામવો પડે.

    ગઝલ માટે તો – ?!!
    “આપણા સામટા શબ્દ ઓછા પડે,
    એમના મૌનને એટલા રંગ છે.”

  2. pragnaju said,

    December 12, 2008 @ 9:30 AM

    સર્વાંગ સુંદર ગઝલ,ગાયકી અને સમજુતીમાં પ્રણિપાતેન તેમનાં જ શબ્દોમાં કવિ અને ગાયકનાં દિવ્ય પ્રેમ અંગે
    સ્વરવિરહ

    સૂર શબદ સહિયારું રે,
    સપનાનું મજિયારું રે!

    કુંજગલી સોંસરવું જાતાં,
    સપનાનું મહિયારું રે!

    સ્મરણોને સંજવારું શેં,
    ઊભરાતું કીડિયારું રે!

    વેળ અસૂરી ને વળવાનું,
    અખિયનમાં અંઘિયારું રે!

    મૂંગુમંતર થઈને ઊભું,
    દરદ હવે દખિયારું રે!

    અમથીય એની આંખમાં એક અકળ, ગૂઢ ચમક રહ્યા કરતી ને મળે ત્યારે ઑર વધતી. કવિતા સાંભળે ત્યારે માત્ર સાંભળે નહીં, ભળે – એવું સર્વાંગ દીપ્ત ભળે કે પરેશને કવિતા સંભળાવવી એટલ સ્વયં એક આહલાદ.
    અને
    પરેશને અંજલિ આપતા એટલું જ કહી શકાયું હતું, ‘જેમ મળતો હતો એમ જ મળતો રહેજે કાંઈક સોક્ષ્મ સ્તરે….’
    એક વખત સ્વપ્નના સ્તરે મળ્યો પણ ખરો, મેં પૂછ્યું, ‘પરેશ, શરીર વિના ગાઈ ન શકાય ?’
    એણે કહ્યું, ‘ગાઈ શકાય, હું ગાઉં જ છું ને !’
    મેં કહ્યું, ‘પણ સંભળાતું નથી…’
    એ કહેં, ‘સંભળાશે, એ જરા અઘરું છે.’
    બસ, એણે કહેલું એ અશરીરી ગાન સંભળાય તેની રાહ જોયા કરું છુ.

  3. ઊર્મિ said,

    December 12, 2008 @ 9:42 AM

    ઋષિકવિની આખી ગઝલ જ ભગવા રંગે રંગાયેલી હોય એવી દિવ્ય લાગે છે. જ્યારે જ્યારે આ ગઝલ સાંભળું છું ત્યારે ત્યારે મને જાણે નરસિંહ મહેતાનું ગિરનારી-પ્રભાતિયું સાંભળતી હોઉં એવી આહલાદક અનૂભુતિ થાય છે. ખરેખર અ-દ-ભૂ-ત ! ! ! ! ! !

    ‘પરેશ ભટ્ટ સ્મૃતિગ્રંથ’માંથી રાજેન્દ્ર શુકલની આ ગઝલનાં ઉદભવ વિશેની વાતો અહીં વાંચી શકશો…. http://rajendrashukla.com/OtherWritings1.html

  4. "koik" said,

    December 12, 2008 @ 10:29 AM

    ભક્તીમય અલિંગન

  5. ધવલ said,

    December 12, 2008 @ 2:17 PM

    ખરી જ વાત છે..

    આપણા સામટા શબ્દ ઓછા પડે,
    એમના મૌનને એટલા રંગ છે.

    એક એક શબ્દની પસંદગી અદભૂત રીતે કરી છે ! આત્માનો રંગ ભગવો થાય તો જ આવી ગઝલ રચાય.

  6. Yogen Bhatt said,

    December 13, 2008 @ 10:31 PM

    Wonderful Poetry. This memorable Gazal is very well sung by late Paresh Bhatt. I am mailing the singing thru e-mail in MP3 format. Please publish the same on ” Laystaro” so that your readers can enjoy the wonderful singing of Paresh.
    Yogen Bhatt.Ahmedabad

  7. Yogen Bhatt said,

    December 13, 2008 @ 11:12 PM

    Dear Vivekbhai,
    I was very happy to read ” Hajo Haath Kartal” on Laystaro and sent my comment that I am posting the singing of the same by late Paresh Bhatt thru e-mail.
    Unfortunately I could not attach the song as the MP3 file is whooping 8.5 MB size and is not being attached even after my several attempts.
    Kindly advise me on how can I make this available to the readers of Laystaro.
    Thanks and regards,
    Yogen Bhatt

  8. Taha Mansuri said,

    October 11, 2009 @ 10:09 PM

    કવિશ્રીને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ,
    સાથે સાથે “વલી ગુજરાતી” પારિતોષિક મેળવવા બદલ પણ ખુબખુબ અભિનંદન.

    “આદિલ” યે “વલી” હી કી દુઆઓં કા અસર હૈ,
    ફિર ગર્મે સુખન મેહફિલે ગુજરાત હુઇ હૈ.

  9. Taha Mansuri said,

    October 11, 2009 @ 10:10 PM

    કવિશ્રીનો એક ખુબ જ ગમતો શેર.

    “હું ગઝલ લખી શકું બસ એટલૂં,
    મર્મ તો તેઓ જ સમજાવી શકે.”

  10. dharmishta said,

    July 14, 2010 @ 12:56 AM

    hi

    i am sister of pareshbhai organising one corus of shree paresbhai composition on 17/07/2010 at kanjibhai bhavan chawk . surat we also awiting your present at this program

  11. JIGISHA KHERADIA said,

    June 18, 2011 @ 4:30 PM

    A GAZAL SAMBHALVANI KHUB ICHCHA CHHE……PAN JYARE PAN PLAY PAR CLIK KARU CHHU TYARE FILE NOT FOUND BATAVE CHHE………SHU A GAZAL MANVAMA SAHAYAK BANSHO…..?

  12. વિવેક said,

    June 19, 2011 @ 1:22 AM

    પ્રિય જિગીષા,

    મારા કમ્પ્યૂટર પર આ ગઝલ બરાબાર સાંભળી શકાય છે… ફરી એકાદવાર પ્રયત્ન કરી જુઓ… સફળ ન થાવ તો કહેજો, હું આ ટ્રેક ઇ-મેલ કરી દઈશ…

  13. Hemal Pandya said,

    September 2, 2011 @ 1:11 PM

    મને પણ File not Found 🙁

  14. Joshi said,

    June 11, 2012 @ 8:31 PM

    SS Jigishaben ,

    Pl use esnips.com to really enjoy this.

    : bj

  15. Jaydeep said,

    March 18, 2018 @ 10:06 AM

    Respected Sir,
    Audio file not found..Can u plz help me in this issue

  16. વિવેક said,

    March 19, 2018 @ 2:14 AM

    @ જયદીપભાઈ:

    ઑડિયો નહીં, વિડીયો ફાઇલ જ મોકલું છું અને એ પણ સાક્ષાત કવિના પઠનવાળી: https://www.youtube.com/watch?v=UTbv6k-csn0

  17. હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ – ટહુકો.કોમ said,

    March 24, 2020 @ 2:11 AM

    […] […]

  18. ajit parekh said,

    August 1, 2021 @ 4:49 AM

    હું ગદગદ હતો જ્યારે કવિશ્રી ની આ ગઝલો નું વિમોચન ગોઠવાયું હતું….એમના અહોભાવ મા વ્યક્ત આ રચના વિશે હું ની:શબ્દ બસ ચિત્ત મા હજો હાથ કરતાલ મનમાં રમ્યા કરું

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment