દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

અવળી શિખામણો – મુકેશ જોશી

અઢળક સૂરજ અમે ડૂબાડ્યા, તું પણ નવા ડૂબાડ
માણસાઇ ચૂલામાં છે તું અગ્નિ નવો લગાડ

પ્રેકટીકલ બનવાથી ખીલે અમનચેનના સુખ
ગામ ભાડમાં જાય છો ને કૂવે ભરતું દુ:ખ
ટાલ હોય તો કેવી રીતે વાંકો કરશે વાળ
ઠંડા પીણા પીને કહેવું ક્યાં છે અહી દુકાળ

ફાઇવસ્ટાર આકાશ તમારા છતની નીચે બીવે
જીણાં જીવડાં ખાઇ છોને ગરીબ બાળક જીવે
ફર્નીચરની સાથ કરો સહુ રુમનુ વેવિશાળ
સાંભળવા ના જાવું છોને ચીસો પાડતી ડાળ

પાણી પાસે કરાવતો રહે પરપોટાની વેઠ
તો જ તારી કીર્તિ જાશે સ્વર્ગલોકની ઠેઠ
પ્રોફેશનલ ના બની શક્યો તો કિસ્મત ગબડી જાશે
ઇમોશનલ ના રહી શકયો તો જીવ જ ફાડી ખાશે

બધા લાગણીવેડા ફરતે કર બુધિધની વાડ
તારી ખીણો સંતાડી તું ખોદ બીજાના પહાડ

– મુકેશ જોશી

કવિતાના શીર્ષકથી જ આખી કવિતા સમજાઈ જાય છે….

5 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    June 20, 2016 @ 4:22 AM

    બધા લાગણીવેડા ફરતે કર બુધિધની વાડ
    તારી ખીણો સંતાડી તું ખોદ બીજાના પહાડ

    ઉત્તમ !

  2. KETAN YAJNIK said,

    June 21, 2016 @ 6:04 AM

    તું તારે ખોદતો રહે ખાઈ બીજાનું નખ્ખોદ
    ક્યારે ફળ્યા છી કે આજે ફળશે જોશી ના વેદ

  3. chandresh said,

    June 22, 2016 @ 4:57 AM

    ટાલ હોય તો કેવી રીતે વાંકો કરશે વાળ
    ઠંડા પીણા પીને કહેવું ક્યાં છે અહી દુકાળ

    સરસ

  4. Nilesh Rana said,

    August 2, 2016 @ 2:30 PM

    shabbas kya bat hai

  5. jadav nareshbhai said,

    August 4, 2016 @ 5:26 AM

    :ગઝલ : તરહી તા. ૦૩/૦૮/૨૦૧૬
    ( મનહર છંદ )
    કોઈ કોઈ ને આમ જરાય ખોટો ના ધાર તું ;
    બસ પોતે પોતાની જાત ને જ સુધાર તું ;
    આમ કોઈના પર દોષ ઢોળવાથી શું વળે;
    કટાઈ ગયેલા દોષનો કાટ ઉતાર તું ;
    આ જુઠો ,પેલો ખોટો એવું કહેવાથી શું મળે
    પહેલાં પોતાને સાચો પુરવાર કર તું ;
    દેખો તો મૂળના ઊંડાણમાં દોષના બીજ છે ;
    પહેલા પોતાના જ દોષના બીજ કાપ તું ;
    શા માટે રોફ જમાવે છે “જાન” કે હું સાફ છું ;
    પોતાના દોષને ય પોતે જ સાફ કર તું;

    કવિ : જાન
    જાદવ નરેશ
    મલેકપુર – વડ મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment