સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.
વિવેક મનહર ટેલર

(સ્મરણનું નામ) – શ્યામ સાધુ

કમળ જેવું કશુંક વાવી દીધું છે,
નર્યા રણને છલકાવી દીધું છે.

પવન ને ફૂલનો સંબંધ શું છે ?
સ્મરણનું નામ બદલાવી દીધું છે.

નદી જેવો જ ચંચળ જીવ છે કિન્તુ,
તમે એક નામ ત્રોફાવી દીધું છે.

તમારી ખોટ સાલે છે તિમિરને,
અમે તો મૌનને બહેલાવી દીધું છે.

પ્રવાસી હું ય પળનો છું અહીં પણ,
સમયનું વ્હેણ થંભાવી દીધું છે.

– શ્યામ સાધુ

આખા રણને છલકાવી શકે એવી અમીરાત ધરાવતું કમળ એ સ્મરણ. પવન અને ફૂલનો સંબંધ – એટલે કે સુવાસ – એ સ્મરણ. નદી જેવા, સદા બદલાતા મન પર પણ એક નામનું અમીટ છૂંદણું રચી દે એ સ્મરણ. સૂની રાત્રે ખુદ એકલતાને ય બહેકાવી દે એ સ્મરણ. સમયના પ્રબળ વ્હેણને એક નાની શી પળમાં કેદ કરી રાખે એ સ્મરણ.

7 Comments »

  1. ડૉ. મહેશ રાવલ said,

    November 18, 2008 @ 1:44 AM

    શ્યામ સાધુની કોઇપણ ગઝલ લ્યો,એક અલગ જ પ્રભાવ હોય છે એમની પ્રત્યેક ગઝલમાં.
    પ્રતિક ભલે ગમે તે હોય પણ વાત એવી ખૂબીથી ગુંથાતી જાય,જાણે કોઈ સાળ પર તાતણાંઓ વડે ચાદર વણાતી હોય…….!
    યાદ આવ્યું- રાજકોટ દોશી હોસ્પિટલમાં એમના જીવન સંઘર્ષની અંતિમ પળોમાં અમે બધા ‘વ્યંજના’ ના મિત્રો ચિંતિત ચહેરે એકઠાં થયેલાં ત્યારે…….(હવે નથી-ની યાદીમાં વધુ એક નામ ઉમેરાયેલું……)
    સમયના પ્રબળ વ્હેણને એક નાની શી પળમાં કેદ કરી રાખે એ સ્મરણ………

  2. વિવેક said,

    November 18, 2008 @ 3:06 AM

    ગઝલ મજાની અને સ્મરણની વ્યાખ્યા પણ એવી જ મજાની…

  3. Pravin Shah said,

    November 18, 2008 @ 3:29 AM

    સમયનું વ્હેણ થંભાવી દીધું છે.
    સ્મરણની સુંદર વ્યાખ્યા !

  4. pragnaju said,

    November 18, 2008 @ 9:51 AM

    પવન ને ફૂલનો સંબંધ શું છે ?
    સ્મરણનું નામ બદલાવી દીધું છે.
    ખૂબ સુંદર
    સ્મરણ છે…
    કૃષ્ણના કંઠમાં નિહાળ્યાં,નિહાળ્યાં છે શિવને શિરે,
    નિહાળ્યાં શિશુકરે એનું ઝીલતાં હાસ્ય નિર્મળ.
    નિહાળ્યાં ચાદર રૂપે મેં કાયાએ માનવી તણી,
    જતું જીવનમાં વામી કમલેશો જે ધામ અન્તિમે.
    પણ સાચું કહું? શોભ્યાં તમે એવું કદી નથી,
    શોભો છો જેવું વૃક્ષોની ડાળીએ ઝૂલતાં તમે.

  5. sudhir patel said,

    November 18, 2008 @ 12:05 PM

    શ્રી શ્યામ સાધુના સ્મરણ સાથેની સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  6. uravshi parekh said,

    November 18, 2008 @ 8:09 PM

    સ્મરણ ને સરસ રિતે વણિ લિધુ છે.
    સ્મરણ વડે તો ઝિન્દગી જિવાય જાય છે.
    ભગવાને આપેલ અમુલ્ય ભેટ.

  7. Abhijeet Pandya said,

    January 7, 2009 @ 11:40 AM

    કમળ જેવું કશુંક વાવી દીધું છે,
    નર્યા રણને છલકાવી દીધું છે.

    આ શેરમાં સાની મીસરામાં નર્યા રણને પછી લ આવવો જોઈએ તેને બદલે ગા આવી જાય છે.
    ભુલ સુધારવા વિનંતિ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment