મારા વિષાદનાં ગુલાબો મ્હેકતા રહો,
હું તો આ બારમાસી ફૂલે ઝરમર્યા કરું.
– શ્યામ સાધુ

અંતિમ ઇચ્છા : ૦૧ : લાભશંકર ઠાકર

ને વૃદ્ધ હાથે પકડી બપોરના
તું હોય રામાયણ વાંચતી સખી
ઝીણાં કરી લોચન બે નમીને;
ને વિપ્રલંભે કૃશકાય આકુલા
કારુણ્યમૂર્તિ અહ દગ્ધ જાનકી
ઊભી રહી હો તુજ નેત્રની નીચે
પૃષ્ઠો પરે જીર્ણ; જરાક રમ્ય
મોતી ઝઝૂમે ચખ વૃદ્ધમાં;
. કહું ?
ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી
પતંગિયું એક બની સુવર્ણનું
આવીશ પૃષ્ઠો પર બેસવા ક્ષણ.

– લાભશંકર ઠાકર

બે કાવ્યોના આ ગુચ્છમાંનું એક આજે માણીએ. શ્રી હરિકૃષ્ણ પાઠક આ કાવ્ય-યુગ્મને આ રીતે પોંખે છે: “પ્રસ્તુત કાવ્યો વિશે ‘રે’ મઠના કોઈ પણ કવિને પૂછશો તો કહેશે કે આ કાવ્યો ‘પૂર્વ લાભશંકર’નાં છે. અને હકીકત પણ એ છે કે ‘ઉત્તર લાભશંકર’ તો આપણી કવિતામાં નવતર અને આધુનિક ઉન્મેષો પ્રગટાવનાર સમર્થ આરંભકર્તા કવિ રહ્યા છે. પ્રસ્તુત બંને કાવ્યોની સંવેદના વ્યાપક માનવ્યની છે. તેની સામગ્રી, વિગત, અભિવ્યક્તિ, છંદ-લય-ભાષાનાં પોત અને સૌંદર્ય તેનું માર્દવ અને સનાતનતા – આ બધું જોતાં કહેવું પડે કે હિન્દુ સંસ્કૃતિ, સંસ્કાર અને જીવનચર્યામાંથી જ પ્રગટી શકે તેવા સર્જનનું અહીં અવતરણ થયું છે, જે સર્વાશ્લેષી છે. દામ્પત્ય પ્રણયનો અખંડ પ્રવાહ – તે ખંડિત થયા પછી પણ- વિદેહ વ્યક્તિના ઉદગાર રૂપે વહેતો નિરૂપીને કવિએ અનુક્રમે વિદેહ પતિ અને વિદેહ પત્નીના અદભુત કલ્પના-ઉદગારથી આ કાવ્યોની નવાજેશ કરી છે.”

5 Comments »

  1. KETAN YAJNIK said,

    May 20, 2016 @ 4:08 AM

    રે , !
    વિડમ્બના
    ઝુરાપો

  2. ભરત ત્રિવેદી said,

    May 20, 2016 @ 8:53 AM

    રે મઠની શરૂઆતમાં બનતાં છાન્દસ કાવ્યો અગાઉ લખાતાં કાવ્યોથી જુદાં પડતાં અને સારાં લાગતાં.
    ચિનુ મોદી અને લા.ઠા. એ છંદમાં લખાવું કેમ છોડી દીધું તે તો તેઓ જાણે પણ તેમ કરવું ચાલુ રાખ્યું હોય તો તો સારું રહેત.

  3. Saryu Parikh said,

    May 20, 2016 @ 9:28 AM

    વાહ! નાજુક લાગણીભર્યું અને અભ્યાસ કરવા યોગ્ય કાવ્ય.
    સરયૂ પરીખ

  4. લયસ્તરો » અંતિમ ઇચ્છા : ૦૨ : લાભશંકર ઠાકર said,

    May 21, 2016 @ 12:30 AM

    […] ગઈ કાલે આપણે વિદેહ પતિની અંતિમ ઇચ્છા વાંચી અને શ્રી હરિકૃષ્ણ પાઠકની સબળ કલમે આસ્વાદ માણ્યો. આજનું કાવ્ય આ કાવ્ય-દ્વયીમાંનું બીજું અને અહીં વિદેહી પત્નીની મૃત્યુ-પર્યંતની ઇચ્છા નિરૂપવામાં આવી છે… […]

  5. Suresh Shah said,

    May 21, 2016 @ 3:22 AM

    લા.ભા. ને સાદર પ્રણામ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment