રહેવા દીધું ક્યાં અણદીઠું કંઈ ગૂગલે?
ઘટમાં તો બાકી લાખ ઘોડા થનગને.
- વિવેક મનહર ટેલર

ગઝલ – અલ્પેશ ‘પાગલ’

લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?
બંધ અમારા આંસુઓનો રોજ સિફતથી તોડે છે.

અણસમજુ માણસ છે, દિલનો કાચ તૂટે ને રોવે છે,
ને એક માણસ શાણો છે, શીશાથી પથ્થર ફોડે છે.

પંખી-પંખી, કલરવ-કલરવ, ચીસો-ચીસો બીજું શું ?
કાંઈ નથી, બસ વૃક્ષ તૂટ્યું છે, બાકી સઘળું ઓ.કે. છે.

હું ચાહું છું આ દુનિયાને, એ પણ મુજને ચાહે છે,
સાવ જ ખોટું હું બોલું છું, એ પણ ખોટું બોલે છે.

‘પાગલ’ તો છે બીકણ-ફોસી ખુદ ખુદથી ડરનારો છે,
બુડ્ઢી ઈચ્છા ખાંસે છે તો સાવ અચાનક ચોંકે છે.

– અલ્પેશ ‘પાગલ’

આમ તો આખી ગઝલ ગમી જાય એવી છે પણ મત્લાનો શેર અને એનું ઊંડાણ ચૂકી ન જવાય એ ખાસ જોજો. સાંજ નિઃશબ્દ આવે છે અને નિઃશબ્દ જાય છે. પણ આથમતા ઉજાસનું રંગસભર એકાંત આપણી અંદરની વેદનાના બંધને રોજેરોજ તોડી દે છે. ઉદાસી અને સાંજનો ગહરો સંબંધ છે. માણસ દુઃખી હોય ત્યારે સૂર્યાસ્ત વધુ પોતીકો લાગે છે… બસ વૃક્ષ તૂટ્યું છે, બાકી સઘળું ઓ.કે. છેવાળો શેર પણ અદભુત ચોટ કરી જાય છે અને વ્યક્તિ તથા સમષ્ટિના પરસ્પર ચાહવાની વાતના ખોટાપણાવાળો શેર પણ એવો જ મજાનો થયો છે.

6 Comments »

  1. pragnaju said,

    November 1, 2008 @ 9:49 AM

    પાગલે રસ દર્શન ન કરાવ્યું હોત તો કદાચ આટલું ઊંડાણનો ખ્યાલ ન આવત!
    હું ચાહું છું આ દુનિયાને, એ પણ મુજને ચાહે છે,
    સાવ જ ખોટું હું બોલું છું, એ પણ ખોટું બોલે છે.
    વાહ
    યાદ આવ્યું
    દમ ભરકે લીયે કોઈ હમેં પ્યાર કર દે
    જુ ઠા હી સ હી

    ‘પાગલ’ તો છે બીકણ-ફોસી ખુદ ખુદથી ડરનારો છે,
    બુડ્ઢી ઈચ્છા ખાંસે છે તો સાવ અચાનક ચોંકે છે.
    અને પાગલ ?

  2. ધવલ said,

    November 2, 2008 @ 9:56 AM

    હું ચાહું છું આ દુનિયાને, એ પણ મુજને ચાહે છે,
    સાવ જ ખોટું હું બોલું છું, એ પણ ખોટું બોલે છે.

    – સરસ !

  3. ઊર્મિ said,

    November 3, 2008 @ 9:29 AM

    હું ચાહું છું આ દુનિયાને, એ પણ મુજને ચાહે છે,
    સાવ જ ખોટું હું બોલું છું, એ પણ ખોટું બોલે છે.

    વાહ… સ-રસ ગઝ્લ!!

  4. preetam lakhlani said,

    November 3, 2008 @ 12:10 PM

    દોસ્તો, આ પાગલ તો ડાહયા જેવી ગઝલ લખે ચે, સુનદર ગઝલ કોઇ સવાલ જ નઠી ?

  5. ડૉ. મહેશ રાવલ said,

    November 6, 2008 @ 11:23 PM

    વાહ અલ્પેશ…..!
    સુંદર ગઝલ હો…!
    -અભિનંદન

  6. PIYUSH M. SARADVA said,

    September 25, 2009 @ 6:40 AM

    હું ચાહું છું આ દુનિયાને, એ પણ મુજને ચાહે છે,
    સાવ જ ખોટું હું બોલું છું, એ પણ ખોટું બોલે છે.

    ખરેખર કવિએ આ શેરમા વાસ્તાવિકતા રજૂ કરી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment