એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
અમૃત ‘ઘાયલ’

શિલાલેખો – મનોજ ખંડેરિયા

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા

સદીઓથી શિલાલેખોના અણઉકેલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા

નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા

સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહિ મિત્રો
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા

ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા

-મનોજ ખંડેરિયા

4 Comments »

  1. KETAN YAJNIK said,

    April 3, 2016 @ 3:14 AM

    બે’ક પળની વાત હોય તો સમજ્યા, આ તો આખ્ખે આખી જિંદગી તમારે નામ છે તેનું શું ?

  2. Harshad said,

    April 3, 2016 @ 8:22 PM

    સુન્દર ક્રુતિ.

  3. Girish Parikh said,

    April 6, 2016 @ 11:56 PM

    મનોજની એક ઓર મસ્ત ગઝલ !

  4. La' Kant Thakkar said,

    April 21, 2016 @ 9:31 AM

    “…સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા
    મિત્રો,
    વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા…”
    આ પંક્તિઓ …મજબૂર કરે ….છે….
    હું સૂક્કું વૃક્ષ,
    તું સહસ્ર કમલ,
    વિરોધાભાસ !…
    ( કવિતાઃ-
    વિરોધાભાસો-અતિશયોક્તિ વગર, કવિતા થઇ શકે ખરી?
    સંવેદના-લાગણીઓ,આવેગો વિના, કવિતા થઇ શકે ખરી?)

    ***
    શાશ્વત લાગે,
    એ રૂપક પ્રેમનું,
    એમનું એમ.
    ***
    અવકાશમાં
    અવકાશમાં ચીતરું હું મારી છબી , ને તું દેખાય!
    પરકાશમાં ચીતરું હું અંધારી ગલી ,ને, તું દેખાય!
    ***

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment