ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

તું કોણ છે? – રાજેન્દ્ર શુકલ

નિત તરંગિત થાઉં ને તું માં શમું તું કોણ છે?
સર્વ ક્ષણને જન્મ હું તુજને ગમું, તું કોણ છે?

પૂર્ણ રૂપે હું પ્રગટ થાઉં, પ્રકાશું પૂર્ણ થઇ,
તવ ક્ષિતિજ પર પૂર્ણ રૂપે આથમું, તું કોણ છે?

કોક વેળા અન્ય રૂપે અન્ય ગ્રહમાં તું શ્વસે,
હું મને તારા સ્મરણમાં નિર્ગમું, તું કોણ છે?

અનવરત આનંદિની ઓ તટ રહિત મંદાકિની,
રમ્યલીલા તું રમે તે હું રમું, તું કોણ છે?

કોણ છે તું વિશ્વરૂપા, તું અકળપથ ચારિણી,
તારી ઇચ્છાથી સતત ભમતો ભમું, તું કોણ છે?

– રાજેન્દ્ર શુકલ

आश्चर्यवत्पश्यति कश्चिदेन-
माश्चर्यवद्वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यः श्रृणोति
श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्‌ ॥

કોઈ સિદ્ધ પુરુષ જ આ આત્માને આશ્ચર્યની નજરે જુએ છે અને તે જ પ્રકારે અન્ય કોઈ સિદ્ધ જ આત્મતત્વનું આશ્ચર્યની દ્રષ્ટિએ વર્ણન કરે છે, તેમજ કોઈ અધિકારી પુરુષ જ તેને આશ્ચર્ય તરીકે સાંભળે છે અને કોઈ કોઈ તો સાંભળીને પણ આત્મતત્વને નથી જાણી શકતા.

2 Comments »

  1. KETAN YAJNIK said,

    March 15, 2016 @ 6:56 AM

    કસ્તુરીમ્રુગ

  2. La Kant Thakkar said,

    March 20, 2016 @ 4:42 AM

    ” નિત તરંગિત થાઉં ને , તું માં શમું તું કોણ છે?”…અસ્તિત્વને ” ચૈતન્ય-શક્તિ”સ્વરૂપ જોનારને ……. જે પ્રકારનું ભાવ્ભાસન થાય,.લાગે તે આ જ !
    “હું કોણ? ક્યાં હતો? ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો”…જીવન-ઉદેશ્ય તાલાશવાના આદિમ “ખોજી”ના પ્રયાસો ….રૂપ, સમગ્ર રૂપે આધ્યાત્મિક પોત-લિબાસ-અસબાબ રંગ ધારણ કરીને આવેલી કૃતિમાં જૈફ ઋષિ-“કવિ” રાજેન્દ્ર શુક્લની “પરમ”નાં ચરમ શિખર સમી રચનાઓમાંની આ …. ઊંચાઈ ઈંગિત કરી …..પ્રેરે છે …..
    સલામ.
    સમાનભાવી એક કૃ તિઃ
    “હું અને એ” !

    “આ ચારે બાજુ ચળકતી રેતશી રજકણો,
    ચોપાસ તરતી-ફરતી માત્ર ક્ષણોજ ક્ષણો,
    હું આટલો વિરાટ વિશાળ ક્યારેય નો’તો,
    હું આટલો બળકટ બેફામ ક્યારેય નો’તો,
    હું તો જાણે છું સતત પ્રકાશનો પૂંજ પૂંજ,
    હું અફાટ આકાશ ને, પવનની ગૂંજ ગૂંજ.
    હું કંઇક ઉષ્ણ-ગરમ, અમલ શીતલ પણ,
    હું અંધાર નર્મ લીસ્સો-કોમલ કોમલ પણ,
    હું હવા,અનરાધાર વરસું ચારેકોર અપાર,
    હું સુગંધ સ્પરશું એમ રોમેરોમ સંચાર,
    હું જળમાં વહું, માટીને અનહદ પ્રેમ કરું,
    હું વહું સમયની સંગ સંગ,અકળ છેક રહું,
    હું મૂળ, પંચ તત્વગત સત્-પરમ-ઈશ્વર!
    હું આમ તો, કણ કણ માં મરમ – ઈશ્વર !” .( કંઈક )

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment