ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.
ચિનુ મોદી

આપણા ખીસાના પાકીટમાં (મરાઠી) – વર્જેશ સોલંકી (અનુ. અરુણા જાડેજા)

આપણા ખીસાના પાકીટમાં શું હોય
જેમ કે:
પૂરો થવા આવેલો રેલવેપાસ
કામનાં અને નકામાં વિઝિટિંગ કાર્ડસ. રેવન્યૂ સ્ટેમ્પ્સ
રબર બેન્ડ્સ
બેંકનો હપ્તો ભર્યાની રસીદ
સાંઈબાબાના કવરેજવાળું ચાલુ વર્ષનું નાનકડું કેલેંડર
કાલાતીત થયેલો પાંચ પૈસાનો સિક્કો
બસ ટિકિટ અને એની પાછળ ઉતાવળે લખી લીધેલો દોસ્તનો
ફોન નંબર અને ઇ-મેઈલ એડ્રેસ
બાએ આસ્થાથી રખાવડાવેલી ભભૂતીની પડીકી
લોકલની ગિરદીમાંય સૂઝી આવેલી કવિતાની કેટલીક ચબરખીઓ
કોલેજના જમાનાનો ડાચાં બેસી ગયેલો પોતાનો
પીળો પડી ગયેલો ફોટો
અને પાકીટના એક ખૂણામાં ચૂપચાપ પડી રહેલું
કુદરત સાથે ઉન્નીસ-બીસ કરતું વિતાવેલું સડકછાપ આયખું
નવા-કોરા શર્ટ પર પડેલા દાળના ડાઘ સરખું.

-વર્જેશ સોલંકી
અનુ. અરુણા જાડેજા

જન્મે ગુજરાતી પણ કર્મે મરાઠી એવા મુંબઈના વર્જેશ સોલંકી ખીસાના પાકીટનો અસબાબ કાઢતા જઈને જાણે જિંદગીનો જાયજો લઈ રહ્યા છે. જીવનના પાકીટમાં આપણે કામનો અને નકામો કેટકેટલો કચરો ભરી રાખીએ છીએ. પૂરી થવા આવેલી વસ્તુઓ પણ ફેંકાતી નથી. કામ લાગી શકે એ આશામાં સંઘરેલી વસ્તુઓ કદી કામમાં આવતી નથી પણ એનો મોહ છૂટતો નથી. ચલણમાંથી નીકળી ગઈ હોય એવી યાદ કે સંબંધ પણ ફેંકી દઈ શકાતા નથી. ભભૂતીની પડીકી જેવા વડીલોએ વારસામાં આપેલા રિવાજોથી પણ ક્યાં મુક્તિ મળી જ શકે છે? આપણા સગપણ બસ ટિકિટની પાછળ ઉતાવળથી લખી દેવા પડતા ફોન નંબર કે ઇ-મેઈલ આઈ.ડી. જેવા બની ગયા છે જે કદાચ લેનાર અને દેનાર બંનેને ખબર જ છે કે ‘એક્સેસ’ કરી શકાવાના નથી કેમકે જો કરી શકાવાના હોત તો ઉતાવળમાં ટિકિટ પાછળ લખાયા ન જ હોત. પણ લોકલની ગિરદી જેવી દુનિયાની વચ્ચેય આપણે ક્યારેક તો કવિતાની જેમ આપણી જાત સાથેનો સંપર્ક સાધી જ લેતા હોઈએ છીએ. ક્યારેક આપણું વ્યક્તિત્વ પીળું પડી જતું હોય છે અને આપણને અહેસાસ થાય છે કે આ ખી જિંદગી આપ અને આપણા સાથે ઓગણીસ-વીસના સમાધાન કરવામાં જ ચૂપચાપ એવી રીતે વીતી ગઈ જાણે એક નવાનક્કોર અને અક્ષુણ્ણ બુશશર્ટ પર પડી ગયેલ દાળનો ડાઘ ન હોય ! એ પૂરો સાફેય કરી શકાતો નથી અને શર્ટ પણ નવો ને કોરો નથી રહી શક્તો…

15 Comments »

  1. Shah Pravinchandra Kasturchand said,

    October 12, 2008 @ 7:38 AM

    બધું જ સાચું અને ખોટું કંઈ પણ નહીં.
    આવું સાચુકલું List કંઈ મુકાતું હશે?
    મેં તો નક્કી કરી દીધું કે હવે પછીથી
    ન તો ખિસ્સું કે ન તો પાકીટ રાખવું..
    બુશકોટ પહેરવો પણ દાળ ન ખાવી.
    બાકીનું પછીથી લખીશ.ચાલો આવજો.

  2. pragnaju said,

    October 12, 2008 @ 8:06 AM

    અમારી ,
    તમારી
    આપણી જ વાત!
    સુંદર અભિવ્યક્તી
    મૂળ મરાઠીમા આપવા વિનંતી
    (અમારા ઘણા સ્નેહીઓ તો મરાઠી સાહીત્ય પણ માણી શકે છે

  3. ડૉ. મહેશ રાવલ said,

    October 12, 2008 @ 12:37 PM

    સહુથી પહેલાં ‘આપણા ખિસ્સા’ શબ્દ જ આખીવાતને જન સામાન્યમાં પોતીકો ભાવ જન્માવી જાય એવો છે.
    અને હંમેશની જેમ વિવેકભાઈએ આખા કાવ્યનો જે સુપાચ્ય સાર વાચકોને પીરસ્યો છે એ, આખી કવિતાને શીરો ગળે ઉતારવા જેવી સુગ્રાહ્ય બનાવે છે….. !!!!!!
    ખેલદિલીથી જો કોઇ કવિતાના હાર્દને સ્વીકારી જુએ,તો દરેકને પોતની જ વાત છે એવું જ લાગે-એવી શબ્દશઃ ‘આપણા જિંદગીના ખિસ્સાની’ જ વાત-
    સુપર્બ,ફેન્ટાસ્ટિક,માઈન્ડ બ્લોઈન્ગ……….હિસ્ટ્રી………..!!!!!

  4. ધવલ said,

    October 12, 2008 @ 7:56 PM

    પાકીટમાં જીંદગીનો ફ્લેશબેક ! સરસ !

  5. Pinki said,

    October 13, 2008 @ 1:53 AM

    અને પાકીટના એક ખૂણામાં ચૂપચાપ પડી રહેલું
    કુદરત સાથે ઉન્નીસ-બીસ કરતું વિતાવેલું સડકછાપ આયખું

    ખૂબ જ સરસ !!

    ક્યાંક વાંચેલું કે સાંભળેલું તમારા પાકીટમાં રહેલી વસ્તુઓ તમારા
    વ્યક્તિત્વને છતું કરે છે. છેલ્લી પંક્તિએ તો બધાંને પોતાના પાકીટ યાદ કરાવી દીધા.

  6. સુનિલ શાહ said,

    October 13, 2008 @ 2:07 AM

    વાહ..પાકીટથી જિંદગી સુધીની સરસ સફર.!

  7. Jina said,

    October 13, 2008 @ 2:15 AM

    કેટલું હ્રદય સ્પર્શી… કેટલું વાસ્તવિક… કેટલું સહજ… કેટલું “આપણું”… કેટલું સાચું… !!!!

  8. સુરેશ જાની said,

    October 13, 2008 @ 8:43 AM

    વાહ ! સાવ નવો જ , તરોતાજા વીચાર. બહુ જ ગમ્યું .

  9. vishwadeep said,

    October 13, 2008 @ 9:37 AM

    સુંદર અભિવ્યક્તિ!!

  10. ઊર્મિ said,

    October 13, 2008 @ 2:36 PM

    “ચલણમાંથી નીકળી ગઈ હોય એવી યાદ કે સંબંધ પણ ફેંકી દઈ શકાતા નથી. ભભૂતીની પડીકી જેવા વડીલોએ વારસામાં આપેલા રિવાજોથી પણ ક્યાં મુક્તિ મળી જ શકે છે?”

    વાહ… ક્યા બાત હૈ…!

    અને પછી તો “આપણા સગપણ”ની “ઉતાવળથી લખી દેવા પડતા ફોન નંબર કે ઇ-મેઈલ આઈ.ડી. જેવા બની ગયા” ની સાવ સાચુકલી વાત…

    ખિસામાં રાખવા જેવી કવિતા… અને રસાસ્વાદ પણ પાકિટમાં રાખવા જેવો જ મજાનો કર્યો છે દોસ્ત!

  11. vinod said,

    October 14, 2008 @ 12:09 PM

    ખુબ જ સુંદર અભિવ્યક્તિ !!

    ખૂબ જ સાચી વાત કરી છે કવિએ….
    સુપર્બ

  12. વિનય ખત્રી said,

    March 9, 2009 @ 6:08 AM

    વર્જેશ ઈશ્વરલાલ સોલંકીની મૂળ મરાઠી કવિતા મિસળપાવ બ્લોગ પર વાંચી શકાય છે.

  13. વિવેક said,

    March 9, 2009 @ 7:10 AM

    આભાર વિનયભાઈ… આ જ કવિતા મેં આજે અન્ય એક ગુજરાતી બ્લૉગ પર પણ વાંચી…

  14. વિનય ખત્રી said,

    March 9, 2009 @ 7:30 AM

    મેં પણ વાંચી અને તેથી જ ખાંખાખોળા કરતો અહીં સુધી પહોંચ્યો!

  15. પ્રતિભા અધ્યારૂ said,

    June 30, 2010 @ 2:27 AM

    એ ગુજરાતી બ્લોગ પર અને એ જ પોસ્ટ પર સ્પષ્ટતા પણ (આપની કોમેન્ટ મુજબ) કરી દીધી છે. સમય મળે જોઈ લેવા વિનંતિ.

    આભાર
    પ્રતિભા અધ્યારૂ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment