એક જાણીતી ગઝલના શેરથી
કૈંક જૂના જખ્મ તાજા થાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

તળમાં ઊતર્યું તળાવ – રમણીક અગ્રાવત

તળાવ વચ્ચે ખોડાઈ તરસ, આજુબાજુ ઉજ્જડ,
વાવંટોળે ઊડે ભડકા, બાવળ ચોકી સજ્જડ.
દેરીએ વધેરી સૂનકાર પળેપળ,
ખાંખાંખોળા કરતી એકલવાયી પગદંડી પર,
રઝળે નકરી અદૃશ્ય ભૂતાવળ.
ડઘાઈ ગયેલા પીપળે બચ્યાં છે માંડ
ગણીને બે-ત્રણ પાંદ.
મૂળે બાઝ્યાં ઊધઈનાં વરવાં પોડાં
જાણે ચોંટ્યાં સૂકાં ખરજવાં.
કીડીઓનાં દળકટક કરે કૂચકદમ અરતેફરતે.
બૂઢાં ગામની છાતીમાં મૂંઝારા જેવું
ના હલે કે ના ચલે તળાવ.

– રમણીક અગ્રાવત

સ્વરૂપની દૃષ્ટિએ આમ તો આ કાવ્ય અછાંદસ છે પણ પહેલી બે પંક્તિ પ્રાસસહિત ગીતના ચાલમાં ચાલે છે એ જોતાં જ ઉમાશંકર જોશીનું ‘એક પંખીને કંઈક…’ કાવ્ય યાદ આવી જાય જેમાં પહેલી પંક્તિ છંદમાં લખીને કવિએ અછાંદસ કાવ્ય સિદ્ધ કર્યું છે.

સ્વરૂપને બાજુએ રાખીને કવિતા પર નજર માંડીએ તો તરત સમજાય છે કે કવિએ સાવ અનૂઠી રીતે દુષ્કાળગ્રસ્ત ઉનાળાનું વર્ણન કર્યું છે. તળાવની વચ્ચે પાણી નથી, તરસ છે અને બાવળની સજ્જડ ચોકી તો જાણે આપણી છાતી જ ભીંસતી હોય એવી અનુભવાય છે. અવ્વાવરુ પીપળાની ઉપર પાંદડા નથી બચ્યાં તો નીચે મૂળમાં પણ ઉધઈના પોડાં બાઝ્યાં છે. ગામમાં પણ કોઈ બચ્યું નથી એટલે કવિ ગામને બૂઢું કહે છે… સલામ, કવિ!

4 Comments »

  1. Vikas Kaila said,

    December 25, 2015 @ 3:49 AM

    વાહ્….ખુબ સુંદર્

    યોગનુયોગ આજે કવિનો જન્મદિવસ પણ્…
    અઢળક સુકામનાઓ….

  2. વિવેક said,

    December 26, 2015 @ 1:42 AM

    ઓહ… આજે કવિનો જન્મદિવસ હતો એ ખબર નહોતી….

    જન્મદિવસની શુભકામનાઓ….

  3. Harshad said,

    December 26, 2015 @ 8:40 PM

    વાહ, સુન્દર ! જન્મ દિવસ ની શૂભકામના.

  4. Rajul said,

    January 3, 2016 @ 1:32 AM

    ખુ સુંદર રચના..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment