આંસુનો અવતાર પૂરો થઈ ગયો સમજો,
એક કે બે ક્ષણ સુધી પાંપણની વચ્ચે છું.

દિલીપ શ્રીમાળી

ગનીચાચા જન્મ શતાબ્દિ વર્ષ વિશેષ: ૭ : વાંક મારો નથી

Gani Dahiwala

(ગનીચાચાની એક વિરલ તસ્વીર)

*

દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.

થૈને સાગર રહે દૂર આરાથી તું,જોઈ
બિન્દુને વેગળું રાખે ધારાથી તું;
એથી આગળ વધી કહું તો મારાથી તું –
બેફિકર હોય તો વાંક મારો નથી.

એક આવાસ. જે હરઘડી શોકમય,
ઊર્મિ-અભિલાષ સેવી રહ્યા એમાં ભય,
હાય બરબાદ જે થૈ ગયું એ હૃદય,
તારું ઘર હોય તો વાંક મારો નથી.

હું તો પાગલ ગણાયો સદાનો, પ્રભુ !
પણ વિચારું છું એકાંતે છાનો, પ્રભુ !
હું મુસાફર અને આ જમાનો, પ્રભુ !
રાહબર હોય તો વાંક મારો નથી.

કોઈનું હું બૂરું ચાહું, મારું થજો !
મારા દિલની વ્યથા કોટિ દિલમાં હજો;
મેં જગતને વહેંચ્યું છે એ દર્દ જો
શ્રેયકર હોય તો વાંક મારો નથી.

એક તણખો ઝગે છે ‘ગની’ અંતરે,
લોક અવળો ભલે અર્થ એનો કરે,
કોઈની નેહ-તરબોળ મારા પરે
જો નજર હોય તો વાંક મારો નથી.

-ગની દહીંવાલા

ગનીચાચાની આ ગઝલની એક વિશેષતા નોંધી ? ગાલગાના આઠ આવર્તનોના મિસરાવાળી આ ગઝલના આંતર્પ્રાસ ધ્યાનાર્હ છે. સાયાસ બંને મિસરાના પ્રથમ ત્રણ ભાગના પ્રાસ મેળવ્યા હોવાથી આ ગઝલ નઝમનુમા ગઝલ બને છે અને માત્ર ત્રણ જ ચોપડીના અભ્યાસી હોવા છતાં ગઝલદેવી જેમને સાદ્યંત વરેલી હતી એવા ગનીચાચાની આ ગઝલમાં ક્યાંય શિથિલતા વર્તાતી નથી એ પણ નોંધનીય છે.

5 Comments »

  1. Pravin Shah said,

    October 4, 2008 @ 3:02 AM

    ગનીચાચાની આટલી સુંદર તસ્વીર આજે પહેલીવાર જોઇ આનંદ થયો-આભાર

    કોઈની નેહ-તરબોળ મારા પરે
    જો નજર હોય તો વાંક મારો નથી. -આ પંક્તિઓ ખૂબ ગમી.

  2. સુનિલ શાહ said,

    October 4, 2008 @ 3:27 AM

    વિરલ તસ્વીર અને સુદર ગઝલ.

  3. pragnaju said,

    October 4, 2008 @ 10:06 AM

    કોઈની નેહ-તરબોળ મારા પરે
    જો નજર હોય તો વાંક મારો નથી.
    ંમારી ગમતી પંક્તી
    અમારી સ્મૃતિ કરતા સુંદર તસ્વીર
    ધન્યવાદ

  4. vinod said,

    October 4, 2008 @ 11:32 AM

    ગનીચાચાની વિરલ તસ્વીર જોઇ આનંદ થયો. પહેલીવાર તસ્વીર જોઇ
    કોઇની નેહ-તરબોળ મારા પરે
    જો નજર હોય તો વંક મારો નથી
    મારી મનગમતી પક્તિ છે
    ધન્યસ્વાદ

  5. chetan framewala said,

    October 4, 2008 @ 12:35 PM

    વિવેકભાઈ,

    આભાર……….
    ગનીભાઈ ની જન્મ શતાબ્દી, ગુજરાત તથા જ્યાં જ્યાં ગુજરાતી વસે છે એ બધા શહેર અને ગામડામાં ઊજવવી રહી,,,,,,,

    જય ગુર્જરી,
    ચેતન્.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment