સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?
– ગૌરાંગ ઠાકર

એક ભૌમિતિક ગઝલ – નયન દેસાઈ

લંબચો૨સ ઓ૨ડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પુરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

આ ક્ષિતિજથી તે ક્ષિતિજના બંધ દરવાજા થયા
કોઈ ઇચ્છે તોય અહીંથી બા’૨ ક્યાં નીકળાય છે.

ગોળ ફરવા ગૈ તો અંતે એય વર્તુળ થૈ ગઈ
કે, હવે પૃથ્વીના છેડા ક્યાંય પણ દેખાય છે?

યાદ આવે છે ગણિતશિક્ષકના સોટીઓના સૉળ
સ્વપ્ન, શ્વાસો ને સંબંધો કોયડા થૈ જાય છે

હસ્તરેખા હોય સીધી, વક્ર કે આડીઊભી
જિંદગીના આ પ્રમેયો કઈ રીતે હલ થાય છે?

– નયન દેસાઈ

4 Comments »

  1. CHENAM SHUKLA said,

    December 1, 2015 @ 5:40 AM

    એક મઝાની ગણિતિક ગઝલ ….

  2. yogesh shukla said,

    December 1, 2015 @ 9:40 PM

    કવિ શ્રી નયનભાઈ કોઈ પણ વિષય પર રચના, કવિતા, ગીત, લખી શકે છે
    એક સારા કવિ સાથે એક સારા કાવ્ય પાઠન સંચાલક પણ છે જે નવા કવિ ને
    પ્રોત્સાહિત કરતા રહે છે ,,,

  3. perpoto said,

    December 2, 2015 @ 10:22 AM

    ત્રિકોણના ત્રણ ખુણાનો સરવાળો ૧૮૦ થી વધુ હોઇ શકે.

  4. aasifkhan said,

    December 4, 2015 @ 4:10 AM

    Waah

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment