આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.
મરીઝ

સત્યનું ગાન – મકરંદ દવે

આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !

પ્રાણ, તેં ગીત ગાયાં સુધા-સોમનાં,
સ્વપ્ન જોયા કર્યાં નીલઘન વ્યોમનાં,
આજ તું દેખ, ભડકા જરા ભોમના,
આંખમાં જેમને મેઘ માતો નથી
પેટ પણ તો ય ટાઢું ના થાતું-
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !

આયખું અંધકારે રડે દુઃખણું,
એ ન મને કદી થાય મોંસૂઝણું,
કિરણ એકાદ પ્રગટાવ તો યે ઘણું,
આપબળનું બતાવી દે એમને
છોગલું ફરકતું રંગ-રાતું –
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !

વ્યર્થતા આજ વાજું વગાડી રહી,
ફૂલનાં જખ્મ ફોરમ ઉઘાડી રહી,
આજ તો ચાંદની ચીસ પાડી રહી,
લાવ, સૌન્દર્યને સફળ કરવા હવે
ભાગ્યહીણાં તણું કોઈ ભાતું ! –
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !

– મકરંદ દવે

કહેવાય છે કે ‘ સત્ય સુંદર હોય છે ‘ – વિનયપૂર્વક અસંમત થાઉં છું……..સત્ય એ સત્ય છે…સુંદરતા-અસુંદરતા-કુરૂપતા પરત્વે તે નિરપેક્ષ છે.

2 Comments »

  1. ketan yajnik said,

    April 19, 2015 @ 8:10 AM

    કાણાને કાણો નવ કહિએ
    ધીરે રહીને પૂછીએ શીદને ખોયા નેણ
    सत्यम् वदम् प्रियम् वदम्
    સત્ય મિતભાષી થઇ ન કહેવાય?
    મા ને બાપની બૈરી કહેવાય? ………

  2. Rajnikant Vyas said,

    April 20, 2015 @ 3:25 AM

    સત્ય સાપેક્ષ છે કે નિરપેક્ષ તે વિશે ઘણા મત મતાન્તરો છે, સત્ય એક હોવા છતાં કોઇ માટે તે સુંદર હોય તો બીજા કોઇ માટે તે કુરૂપ હોઇ શકે. મનુષ્ય સત્યને કઇ રીતે જુએ છે તે ઉપર આધાર છે. જે મનુષ્ય સત્યને જ સુંદર માને છે તે દુઃખી નથી થતો. વર્તનમાં મુકવું બહુ અઘરું છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment