તમે પૂછી રહ્યા છો વાત આજે ખાસ રોકીને,
હૃદય થંભી ગયું છે માર્ગ વચ્ચે શ્વાસ રોકીને.
મનહરલાલ ચોક્સી

એકીકરણ થયું – મનહર મોદી

આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું.
મન શાંત મારું ઠેકડા મારી હરણ થયું.

બુદ્ધિને એક બાજુએ બેસી જવા કહ્યું
દીવાનગીને આજ હવે શાણપણ થયું.

ઠોકર મળી ને કોઈ જ્યાં રસ્તે ઢળી પડ્યું,
મુજને ન જાણે તે ઘડી મારું સ્મરણ થયું.

પાંપણ બીડોને સોણલું આવે તો જાણજો,
છાયાની સાથ તેજનું એકીકરણ થયું.

ઊર્મિઓ એમાં પાય પખાડી રમી શકી,
અશ્રુનું એમ મારાં નયનમાં ઝરણ થયું.

– મનહર મોદી

મનહર મોદીની આ પ્રખ્યાત ગઝલ લાંબા વખતથી મનમાં હતી પણ આજે અચાનક હાથમાં આવી. ગયા વર્ષે ઊર્મિએ મનહર મોદીની એક ગઝલ મૂકેલી ત્યારે પ્રજ્ઞાબેને આ ગઝલ યાદ કરાવેલી તે આજે યાદ આવી ! ગઝલનો એક પછી એક શેર ચેતનાની ટશરની જેમ ખૂલે છે. એક રીતે જુઓ તો આ ગઝલમાં સ્થૂળથી સુક્ષ્મ ભાવના તરફની ગતિ જોઈ શકાય છે.

5 Comments »

  1. Pravin Shah said,

    July 30, 2008 @ 12:34 AM

    ઊર્મિઓ એમાં પાય પખાળી રમી શકી,
    અશ્રુનું એમ મારાં નયનમાં ઝરણ થયું.

    ખૂબ સુંદર રચના !

    http://www.aasvad.wordpress.com

  2. Mansuri Taha said,

    July 30, 2008 @ 1:08 AM

    બુદ્ધિને એક બાજુએ બેસી જવા કહ્યું
    દીવાનગીને આજ હવે શાણપણ થયું.
    બહુ જ સરસ. મનહર સાહેબ આપના અગિયાર દરિયા યાદ આવે છે.

    કેવી મજાની પ્રેમની દિવાનગી હશે
    જયા મરીઝ જેવો સમજદાર પણ ગયો.
    – “મરીઝ”

  3. sunil shah said,

    July 30, 2008 @ 5:48 AM

    ધવલભાઈ..સાચે એકેએક શેર સુંદર છે.

  4. વિવેક said,

    July 30, 2008 @ 8:18 AM

    મજાની ગઝલ. મનહર મોદીએ ગુજરાતી ગઝલનો ચહેરો બદલવામાં આધારભૂત ભાગ ભજવ્યો છે.

  5. pragnaju said,

    July 30, 2008 @ 8:46 AM

    મનહરની મઝાની ગઝલ્
    બુધ્ધિને એક બાજુએ બેસી જવા કહ્યું
    દીવાનગીને આજ હવે શાણપણ કહ્યું
    સરસ
    ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર
    દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે
    કૈસની દીવાનગીને જોઈને લોકોએ તેને મજનૂ નામ આપ્યું.
    મજનૂ પ્રેમનો પર્યાય બની ગયો છે.
    તેઓની કબર પ્રેમીઓની ઈબાદતગાહ!
    ઊર્મિઓ એમાં પાય પખાડી રમી શકી,
    અશ્રુનું એમ મારાં નયનમાં ઝરણ થયું
    વાહ વાહ્
    યાદ આવી
    મહોબતના જગતમાં ખેલદિલી હોય છે આવી
    હતો સાગર જો બેપરવા તો દોડીને ઝરણ આવ્યું

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment