ફૂલો તો શું છે, વધુ કામિયાબ કાંટા છે,
અમારી તો પળેપળનો હિસાબ કાંટા છે.
વિવેક ટેલર

કોનું મકાન છે – ‘અમર’ પાલનપુરી

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે.

દીવાનગીએ હદ કરી તારા ગયા પછી
પૂછું છું,હર મકાન પર, કોનું મકાન છે.

દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.

થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.

બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકશાનમાં છે એ જ કે એનું મકાન છે.

કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે.

એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે.

– ‘અમર’ પાલનપુરી

3 Comments »

  1. સુનીલ શાહ said,

    February 22, 2015 @ 10:45 AM

    અમરભાઈની ખૂબ જાણીતી રચના ફરી વાંચવાની મઝા પડી.

  2. yogesh shukla said,

    February 22, 2015 @ 9:55 PM

    રચના વાંચવાની મજા આવી

  3. Rajnikant Vyas said,

    March 7, 2015 @ 4:28 AM

    થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
    કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.

    દેહ અને આત્માનો સમ્બન્ધ બાખૂબીથી આ પન્ક્તિઓ મા વણી લીધો છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment