આપણો સંતત્વનો દાવો નથી,
આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે.
જાતુષ જોશી

મળવા આવ્ય – લોકગીત

મા રે મા ! તું મને મળવા આવ્ય,
કાળી અટલસનું કાપડું લાવ્ય.
કાપડું તો માડી, ફાટી ફાટી જાય,
ગાડું ભરીને ધાન લાવ્ય.
ધાન તો માડી, ચવાઈ જાય,
તાંબા પિત્તળની હેલો લાવ્ય.
હેલ તો માડી, ભાંગી ફૂટી જાય,
પાંચ રૂપિયા રોકડા લાવ્ય.
રૂપિયા તો માડી વપરાઈ જાય,
ડાબલી ભરીને અમલ લાવ્ય.
ઘટ ઘોળું ને ઝટ ઘૂંટડા ભરું,
ને આ જલમનો છૂટકો કરું.

(લોકગીત)

લોકગીત એટલે સમાજનો ખરો પડઘો. કવિની કવિતા ઘણીવાર કળાના રસ્તે ચડીને ગુમરાહ થતી પણ દેખાય પણ લોકગીત એટલે સાંપ્રત સમયનો સીધો અરીસો જ. જુઓ આ ગીત. પહેલી જ પંક્તિમાં પરિણિતાની કાળી વ્યથા ઉજાગર થઈ જાય છે… માનો દ્વિકાર અને રે નો લહેકો દીકરીની પીડાને ધાર આપે છે. દીકરી માને મળવા બોલાવે છે. કેમ ? કેમકે વહુને પિઅર જવાની છૂટ મળી નથી. સાસરામાં પડતી તકલીફોનો ઇલાજ દીકરી દુન્યવી સામગ્રીઓમાં પહેલાં તો શોધવા મથે છે. પણ દીકરી જાણે છે કે કપડું થોડો સમય લાજ ઢાંકી શકશે, અનાજ સમયના ખાડાને ઘડીકભર પૂરશે, વાસણ-રૂપિયા આ બધું દીકરીની સમસ્યાઓનો હંગામી ઈલાજ છે.  કાયમી ઈલાજ તો અમલ ઘોળીને આ ઝેર જેવા જીવતરનો “ઝટ” આણવો એ જ છે…

આજે પણ સ્ત્રીઓની આ પરિસ્થિતિનો ખાલી કલર જ બદલાયો છે, સ્થિતિ તો એની એ જ છે…

5 Comments »

  1. Manish V. Pandya said,

    April 11, 2015 @ 4:47 AM

    સારું છે કે હવે આવા દિવસો નથી. નહીંતર દીકરીઓએ અમલ ઘોળવાનો વારો આવે. એટલું તો છે જ કે સમાજ પ્રગતિના પંથે છે. મનમાં ઘેરો વિષાદ ભરી દેતી રચના. દીકરીના મનની વાત રચનાના અંતમાં આવે છે અને મનને ઘેરી વળતો વિષાદ. કવિતાનો અંત દુઃખદાયી.

  2. beena said,

    April 11, 2015 @ 6:12 AM

    આ કાવ્ય વાંચીને બીજા બે કાવ્યો યાદ આવ્યા.
    કાવ્ય તો યાદ નથી પણ ભાવ બહુ તિવ્ર હતા .
    1) એક કાવ્ય માં “ સુખી” પરિવાર ની સ્ત્રી ભાઈને કહે છે ,
    “ ભાઈ મારા , સેલા વગેરે ના મોકલતો સેલા ના ભાર ઊઠાવી ને તો થાકી જાઉં છું .
    મા ને કહીને બે ચણીયા મોકલી આપજે.”

    આ લોક ગીત જ્યારે પ્રોફેસર સુરેશભાઈ દલાલ સામે ગવાયું,
    તો સુરેશ ભાઈએ કહ્યું,” આ લોક ગીત માં માત્ર સેલા નીચે રહેલા ફાટી ગએલા ચણીયાની વાત નથી. આ લોક ગીતમાં આપણે બધા ઉઘાડા પડી ગયા છીએ.”
    2) બીજુ એક લોક ગીત મેં લંબાડી સ્ત્રીઓના મોઢે સાંભળ્યું હતું ,
    શબ્દો યાદ નથી, પણ મા જમાઈને કહે છે,”તને મારી દિકરી દીધી હતી તે એટલા માટે કે
    તું એને આંગળીની વીંટીમાં જડી ને તારી શોભામાં વધારો કરે.
    તેં મારી દિકરી ને ક્યાં ખોઈ નાખી જેનું તને ઓસાણ પણ નથી???”
    સ્ત્રીની કથા અને વ્યથાના ગમે એટલા કાવ્યો લખાય પણ તો ય કેટલી ક વાત અણ કહી રહી જાય .
    પુરૂષોની વ્યથા અને કથા પણ સાંભળવા જેવી તો ખરી જ
    પણ

    મને હવે એવી વાતો કહેવી છે
    જ્યાં
    આ શોક ,શ્લોક માં પરિવર્તિત થઈ ને પછી
    સ્ત્રી હોય કે પુરૂષ કમર કસીને એ વ્યથામાંથી વિજયી બની બહાર આવે.

    એમ તો મેં સ્વયમ્ અમુક પ્રશ્નો ઉકલી શકશે નહીં એમ ડરીને આ કાવ્યની સ્ત્રીની જેમ મેં અંધારાનો માર્ગ નિવડેલો
    .પરંતુ ઇશ કૃપાથી આવા પ્રશ્નો ઉકલી શકે છે , એ સાબિત કરવા અને કહેવા ખૂદ અજવાળુ દોડતું મારી સામે આવ્યું
    જોઈએ હવે ક્યારે અજવાળાનો આ સંદેશો
    થાકીને હતાશ થએલી પ્રજાની સામે હું
    વાત માંડીને કહી શકીશ.

    અપરાજીતા
    બીના ગાંધી ,કાનાણી,
    beena47@gmail.com

  3. Harshad V. Shah said,

    April 12, 2015 @ 2:03 AM

    The song is extremely sad and may be 50 + years old atmosphere.

    We have 3 daughters and are extremely happy parents.

  4. Harshad said,

    April 12, 2015 @ 12:06 PM

    Still true at some places. There are lots of changing in women’s life. The life of women’s are improving with speed drive.

  5. Darshana Bhatt said,

    April 13, 2015 @ 1:28 PM

    આ લોકગીત વાંચીને નાનપણમાં સાંભળેલા બીજા બે લોકગીત યાદ આવી ગયા.
    ” ગામમાં સાસરું ને ગામમાં પીરીયું રે લોલ ,કહેજો દીકરી સુખ દુઃખની વાત જો
    કવળા સાસરિયામાં જીવવું રે લોલ…
    દીકરી માને કહે છે..
    ” સુખના દાડા તો માડી વહી ગયારે લોલ, દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ જો
    કવળા સાસરિયામાં જીવવું રે લોલ…
    અને બીજું ગીત
    ” દાદા હો દીકરી વાગડમાં નાં દેશો રે સઈ ,
    વાગડની વઢીયારી સાસુ દોહ્યલી રે સહિયર લો હમચી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment