પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.
વિવેક મનહર ટેલર

વર્ષાકાવ્ય: ૭ :એવું કાંઈ નહીં ! – ભગવતીકુમાર શર્મા

હવે  પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !
હવે માટીની  ગંધ અને  ભીનો  સંબંધ  અને મઘમઘતો સાદ,
.                                                  એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી  અને તે ય  બારમાસી,  હવે જળમાં ગણો
.                                                  તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ  અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

કાળું  ભમ્મર  આકાશ  મને  ઘેઘૂર  બોલાશ  સંભળાવે  નહીં;
મોર  આઘે  મોભારે  ક્યાંક  ટહુકે  તે  મારે  ઘેર  આવે  નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા  લઇને આવે ઉન્માદ,
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

કોઈ  ઝૂકી  ઝરુખે  સાવ  કજળેલા  મુખે   વાટ   જોતું  નથી;
કોઈ  ભીની  હવાથી   શ્વાસ  ઘૂંટીને   સાનભાન  ખોતું  નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે ! પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે. ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી – ચારેકોર બધું જ તરબોળ, વરસાદ પછીનો ઊજળો ઊઘાડ, કાળાં ઘનઘોર આકાશનો બોલાશ, મોરના ટહુકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરુખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન – વરસાદ આપણા અને સૃષ્ટિના રોમેરોમે કેવો સમ-વાદ સર્જે છે ! પણ આજ વર્ષાની ઋતુમાં પ્રિયજનનો સાથ ન હોય તો? ચોમાસાનું આકાશ મિલનના મેહને બદલે વેદનાર્દ્ર વ્રેહ વરસાવે તો? ભગવતીકુમાર શર્માના આ ગીતમાં પ્રિયજનની અનુપસ્થિતિમાં વરસાદ એના બધા જ સંદર્ભો કઈ રીતે ખોઈ બેસે છે એ આંખે ભીનાશ આણે એ રીતે વરસી આવ્યું છે. વરસાદ તો ચોમાસું છે એટલે પડે જ છે પણ હવે એનો અર્થ રહ્યો નથી. શહેર ભલે ભીનું થતું હોય, કવિને મન તો આભેય કોરું અને મોભેય કોરો. નળિયાં પણ કોરાં અને અગાસી પણ કોરી. પણ મને જે સુક્કાશ અહીં પીડી ગઈ એ અગાસી સાથે બારમાસીના પ્રાસની છે. ઈચ્છો કે ન ઈચ્છો ચોમાસું તો આઠ મહિના પછી પાછું આવવાનું જ. પણ પ્રેયસીના પાછાં ફરવાની કોઈ જ આશા ન હોય ત્યારે જ કોઈ વિરહાસિક્ત હૈયું આવી અને આટલી કોરાશ અનુભવી શકે છે. સાવ કોરી અગાસી અને તે ય બારમાસી – જાણે હવે બારેમાસ અહીં કોઈ ચોમાસું આવનાર જ નથી….પાણીના નામે જે કંઈ ગણો એ બીજું કંઈ નહીં, માત્ર આંસુ…

9 Comments »

  1. Jayshree said,

    July 20, 2008 @ 2:36 AM

    વાહ… સોલીભાઇના કંઠે પહેલીવાર સાંભળેલું, ત્યારથી જ એકદમ ગમી ગયેલું ગીત.
    http://tahuko.com/?p=362

    આવા સરસ આસ્વાદ સાથે ગીત માણવાની મઝા આવી, દોસ્ત..

  2. pragnaju said,

    July 20, 2008 @ 8:37 AM

    હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
    . એવું કાંઈ નહીં !
    અહીં તો સીધા અર્થમાં અને ગુઢ અર્થમાં પણ આવું જ અનુભવાય…
    ગીત વાંચ્યું,ગાવાનો પ્રયત્ન કર્યો-વિવેકનૂં મઝાનું રસદર્શન માણ્યું
    થારબાદ જયશ્રીની કોમેન્ટની સાઈટ ક્લીક કરી,અંતર ભીનું ભીનું થયું
    અને આટલી કોરાસમાં પણ આનંદ

  3. Pravin Shah said,

    July 21, 2008 @ 12:14 AM

    ‘ટહુકો’ પર માણેલું એક સુંદર ગીત!

    વરસાદ એટલે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ!

  4. Jina said,

    July 21, 2008 @ 2:44 AM

    ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ…! સોલીભાઈએ જ ગાયેલું “સાવ અચાનક મૂશળધારે” પણ મૂકો તો… અને જયશ્રીબેન સંભળાવે તો મજા આવી જાય!..

  5. Jayesh Bhatt said,

    July 21, 2008 @ 4:24 AM

    ખરેખર આજ્ના જમાનાને વ્યથાનિ સચોટ તસવિર
    જયેશ

  6. Mansuri Taha said,

    July 21, 2008 @ 11:16 PM

    બહુ જ સરસ ગીત છે, ટહુકો પર પેહલાં સાંભળ્યુ છે.

  7. ધવલ said,

    July 25, 2008 @ 12:23 PM

    વરસાદના ગીત તો ર.પા.ના એવી સહજ માન્યતા હતી… પણ હવે ભગવતીકુમારને પણ એ જ હરોળમાં મૂકવા પડે એટલું સરસ આ ગીત છે….. અને વળી, ‘અઢી અક્ષરનું ચોમાસુ’ તો છે જ !

  8. nirlep said,

    July 29, 2008 @ 10:42 AM

    Solibhai ne sambhali ne j aa geet ni effectiveness samjay.

  9. Lata Hirani said,

    July 30, 2008 @ 12:52 PM

    કોરી આંખોને પલળી દે એવું ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment