રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે !
કિરીટ ગોસ્વામી

ગઝલ – ઉર્વીશ વસાવડા

Urvish Vasavada - Zankhana sahu kare chhe
(ખાસ લયસ્તરો માટે ઉર્વીશ વસાવડાના હસ્તાક્ષરમાં એમની અક્ષુણ્ણ કૃતિ)

*

ઝંખના સહુ કરે છે સરવરની
ક્યાં તમા કોઈને છે જળચરની.

રાઈ મુઠ્ઠી ન એક આપી શકે
વેદના એ જ તો છે ઘરઘરની.

ક્યાંક તોરણથી આંસુઓ ટપકે
એટલી ફળશ્રુતિ છે અવસરની.

દ્વાર મારું મને મળ્યું આખર
ઠોકરો ખાઈ લાખ દરદરની.

જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.

-ઉર્વીશ વસાવડા

સરળતા અને હૃદયંગમતા ઉર્વીશ વસાવડાની ગઝલોની ખાસિયત છે. મનુષ્ય આજે જેટલો પરિણામલક્ષી બન્યો છે એ ટલો પહેલાં ક્યારેય નહોતો. આજે સૌને પરિણામમાં રસ છે, માર્ગમાં કોનો કેવો ભોગ લેવાય છે એની કોઈને તમા રહી નથી. સરોવર પર દૃષ્ટિ છે, જળચરની ચિંતા કોણ કરે છે?

ગઝલના બીજા શેરમાં ઉર્વીશભાઈ એમની ખાસિયત મુજબ પુરાકલ્પન લઈ આવે છે. સુજાતા નામની સ્ત્રી એના મૃત પુત્રને લઈને ગૌતમ બુદ્ધ પાસે આવી ભાંગી પડે છે એની આ વાત છે. પુત્ર વિના જીવવું અશક્ય છે કહીને તથાગત પાસે પોતાના પુત્રને પુનર્જીવિત કરવાની જિદ્દ પકડતી માને કેવી રીતે સમજાવવું કે મરી ગયેલ પાછાં નથી આવતાં?! અંતે તથાગત એના પુત્રને એક શરત પર જીવાડવાનું વચન આપે છે કે એક મુઠ્ઠી રાઈ એવા ઘરમાં જઈને લઈ આવ કે જે ઘરમાં કદી કોઈ અવસાન થયું જ ન હોય… પુત્રઘેલી સુજાતાને સાંજના છેડે સત્ય સમજાય છે કે મૃત્યુ એ જીવન સાથે જ ઘડાઈ ગયેલી અનિવાર્ય ઘટના છે…

છેલ્લા શેરમાં ફરીથી સ્વયંવરનું પૌરણિક કથાબીજ. પણ અહીં કવિ સાવ અલગ જ વાત કરે છે. અહીં ધનુષ્ય નથી તૂટતું, શરસંધાન કરનાર પોતે જ તૂટી જાય છે. કેમકે આ અર્જુન-દ્રૌપદી કે રામ-સીતાના સ્વયંવરની વાત નથી. આ વાત છે આજના યુગના ઘર-ઘરના રામાયણ-મહાભારતની. જીવન અને જીવવાની પળોજણો અંતે આપણને જ તોડી નાંખે છે અને આપણા મોટાભાગના દાંપત્યજીવન તૂટેલા ધનુષ્યને બદલે તૂટેલા મનુષ્ય જેવા ખોડંગાતા રહે છે એ જ આપણા સૌની આજની વ્યથાની કથા છે.

14 Comments »

  1. Pinki said,

    June 21, 2008 @ 1:58 AM

    ખૂબ જ સુંદર ગઝલ..!!

    જાત તોડી ધનુષ્યને બદલે
    એ કથા આપણા સ્વયંવરની.

    અદ્ ભૂત શેર…. !!

  2. Dr.Mahesh M.Shah said,

    June 21, 2008 @ 2:27 AM

    ખુબ જ સુન્દર ગઝલ! સુજાતા કિસા ગૌતમિ ની વત કહી ને આ જીવન નુ સત્ય સમ્જવી દીધુ..
    અદભુત …….ડૉ.મહેશ શાહ

  3. Dr. Bhooma Vashi said,

    June 21, 2008 @ 3:34 AM

    Nice poetry.
    Enjoyed reading.
    Thanks.
    Dr.Bhooma Vashi.

  4. pragnaju said,

    June 21, 2008 @ 10:13 AM

    ઉર્વીશની સુંદર રચના તેટલી જ મઝાની સમજુતી
    આ પંક્તીઓ ખાસ ગમી
    ક્યાંક તોરણથી આંસુઓ ટપકે
    એટલી ફળશ્રુતિ છે અવસરની.
    દ્વાર મારું મને મળ્યું આખર
    ઠોકરો ખાઈ લાખ દરદરની.

  5. ધવલ said,

    June 21, 2008 @ 5:27 PM

    ક્યાંક તોરણથી આંસુઓ ટપકે
    એટલી ફળશ્રુતિ છે અવસરની.

    – સરસ !

  6. Gaurang Thaker said,

    June 21, 2008 @ 11:09 PM

    ખૂબ જ સરસ ગઝલ અભિનદન

  7. ડો.મહેશ રાવલ said,

    June 22, 2008 @ 1:05 AM

    સુંદર રચના અને એટલી જ સુંદર ભાવનિરૂપન અભિવ્યક્તિ.
    અભિનંદન !

  8. Hiral Thaker "Vasantiful" said,

    June 22, 2008 @ 1:34 AM

    “રાઈ મુઠ્ઠી ન એક આપી શકે
    વેદના એ જ તો છે ઘરઘરની.”

    ખુબ જ સરસ

  9. jugalkishor said,

    June 22, 2008 @ 2:10 AM

    ક્યાંક તોરણથી આંસુઓ ટપકે
    એટલી ફળશ્રુતિ છે અવસરની.
    જાત તોડી ધનુષ્યને બદલે
    એ કથા આપણા સ્વયંવરની.

    અવસર સાથે તોરણ જોડાયું છે ને તોરણ સાથે આંસુ (વીદાયનાં) ! પણ એ સીવાયનાં આંસુંઓની ભીતરમા જવાનું થાય તો બહુ ભારે વેદના ત્યાંથી ટપકતી જોવા મળે !! ખરેખર બહુ સુક્ષ્મ નીરીક્ષણ પકડી લાવ્યા છે.

    સ્વયંવર શબ્દનો વાચ્યાર્થ કેટલો સારો છે ! પણ દ્રૌપદીના સ્વયંવર સાથે સંકળાયેલી કથા આ શબ્દની અર્થચ્છાયા બદલી દે છે. સુંદર મનભર–મનહર રચના.

    અહી યાદ આવે છે એક હાઈકુ ––

    “ સ્વયંવરમાં / અર્જુને છોડયું તીર / વીંધાયો કર્ણ ! ”

  10. Vipool Kalyani said,

    June 22, 2008 @ 2:53 AM

    Excellent, Vivekbhai.

    Gazhal is superb and your explanation is par excellence.

  11. Dr.Harnish Jani said,

    June 22, 2008 @ 9:17 AM

    Loved it-excellent expressions-

  12. nilamhdoshi said,

    June 22, 2008 @ 4:52 PM

    ગઝલના વખાણ કરવા કે તેના રસાસ્વાદના ?
    અભિનન્દન બઁનેને…

  13. કુણાલ said,

    June 23, 2008 @ 12:52 AM

    જાત તોડી ધનુષ્યને બદલે
    એ કથા આપણા સ્વયંવરની.

    આખી ગઝલ ખુબ સુંદર … અને મક્તા સૌથી વધુ ગમ્યો …

  14. Virendra Bhatt said,

    June 23, 2008 @ 7:50 AM

    ખુબ સુન્દર.. રસાસ્વાદ ગઝલનો ટેસ્ટ વધારે છ્હે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment