ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

ગઝલ – જયેન્દ્ર શેખડીવાળા

ભોમિયા ભોંઠા પડે એવું કરો,
આંસુની સરહદ જડે એવું કરો.

સૂર્યને મૂકી ચરણના તાળવે
જળ ઉપર પગલાં પડે એવું કરો.

જળની ભાષામાં કિરણ જે ઓચરે,
વાંચતાં એ આવડે એવું કરો.

ભીંત પર ચિતરી ફૂલો ભીનાશનાં,
અશ્રુછાયા સાંપડે એવું કરો.

આ ગઝલ ઊતરીને ઊંડે કાનમાં,
શિલ્પ આંસુનાં ઘડે એવું કરો.

– જયેન્દ્ર શેખડીવાળા

આંસુ અને જળની ભીની ભીની ગઝલ…

6 Comments »

  1. Thathia Hatim said,

    November 7, 2014 @ 5:33 AM

    ઍક્સેલન્ત્

  2. jAYANT SHAH said,

    November 7, 2014 @ 6:27 AM

    એકાન્તના આસુની ભીનાશ પણ સુકાઈ ગઈ !!

  3. Shah Pravinachandra Kasturchand said,

    November 7, 2014 @ 3:40 PM

    અશક્ય બધું જ કરવાની વાત છે.
    પણ કરે કોણ એ બાબતે શાંત છે.

  4. સંદીપ ભાટિયા said,

    November 8, 2014 @ 5:01 AM

    જળની ભાષામાં કિરણ જે ઓચરે,
    વાંચતાં એ આવડે એવું કરો.
    ક્યા બાત હૈ…. સરોવરની વલયાઇ જતી જલસપાટીપર કિરણો વડે સૂરજે અંકિત કરેલા હસ્તાક્ષરો એટલે કવિતાજ. એમાં સમજાય કરતાં મહસૂસ થાય એ વધુ મહત્વનું. કદાચ એંસીના દાયકામાં કવિતા સામયિકના એક અંકમાં યુવાન શેખડીવાળાનો ફોટો જોયો હતો. કાવ્ય પણ એટલુંજ હેન્ડસમ હતું. ત્યારે અને ત્યારબાદ પણ એમની કવિતા વાંચતાં થતું કે આ સર્જકની કવિતા સમજાય એની પહેલાં હ્રદયને સર્જકતાનો અને શુદ્ધ કાવ્યાનુભવનો અહેસાસ જરૂર કરાવે છે. આજે લાંબા સમય પછી ફરી એમની ગઝલ વાંચી ખૂબ આનંદ થયો.

    બીજા અને છેલ્લા શેરમાં જોકે મૂંઝવણ પણ થઇ. ગઝલના બાહ્ય ઘાટઘૂટનું વ્યાકરણ સાચવવા ચરણના તળિયેનું ચરણના તાળવે કરવું પડ્યું હશે? કવિતા માણવા માટે એકએક શબ્દનો શબ્દકોશમાંનો અર્થ તપાસવા ન બેસાય એમ માનું જ છું પણ તોયે ‘ચરણના તાળવે’ મનમાં કોઇ ચિત્ર જન્માવી શકતું નથી. તમે પ્રકાશ પાડશો, વિવેકભાઇ?

  5. વિવેક said,

    November 9, 2014 @ 1:05 AM

    @ સંદીપ ભાટિયા:

    જયેન્દ્રભાઈની કવિતા વિશે આપે જે કહ્યું એ વાંચતા જ મને ઇલિયેટ યાદ આવ્યા…

    “Genuine poetry can communicate before it is understood.”
    – T. S. Eliot

    ‘ચરણના તાળવે” શબ્દ વિશે આપની સાથે સહમત છું…. પોએટિક લાઇસ ન્સનો વિચાર કરીએ તો ચરણને મુખ કલ્પીને જેમ તાળવે ગોળ ચોપડીએ એમ સૂર્ય મૂક્યો હોવાનું વિચારી શકાય… પણ આવું વિચારવા છતાંય આપની વાત જ વધુ સુસંગત લાગે છે.

  6. Dhaval Shah said,

    November 9, 2014 @ 12:57 PM

    ભોમિયા ભોંઠા પડે એવું કરો,
    આંસુની સરહદ જડે એવું કરો.

    – સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment