ચૂમે છે ભૂમિને બંને ય, પણ વૃક્ષો જ કરમાયા,
હવાની જેમ એ અસ્તિત્ત્વ મિટાવી નથી શકતા.
વિવેક મનહર ટેલર

ગઝલ – ‘અમીન’ આઝાદ

લજ્જત મળે તો એવી કે આઠે પ્રહર મળે,
હર દર્દની છે માગણી, મારું જિગર મળે.

આંખોની જિદ કે અશ્રુ નિરાધાર થઈ જશે,
અશ્રુની જિદ કે તેમના પાલવમાં ઘર મળે.

મારી નજરને જોઈને દુનિયા ફરી ગઈ,
દુનિયા ફરી વળે જો તમારી નજર મળે.

ભટકી રહ્યો છું તેથી મહોબ્બતના રાહ પર,
પગથીઓ આવનારને આ પંથ પર મળે.

ઓછી નથી જીવનને કટુતા મળી છતાં,
હર ઝેર પચતું જાય છે જે પ્રેમ પર મળે.

અલ્લાહના કસમ કે એ રહેમત ગુનાહ છે,
રહેમત કદી ન લઉં જો ગુનાહો વગર મળે.

મંજિલ મળી જશે તો ન રહેશે કશું પછી,
મુજને સતત પ્રવાસ એ ઠોકર વગર મળે.

ઈચ્છાઓ કેટલી મને ઈચ્છા વગર મળી,
કોને કહ્યું ‘અમીન’ ન માંગ્યા વગર મળે.

-‘અમીન’ આઝાદ

પરંપરાના શાયર શ્રી અમીન આઝાદ (૧૯૧૩-૧૯૯૨)ની આ ગઝલ પરંપરાની ગઝલોનું એક સુંદર ઉદાહરણ છે. ગઝલ ઉર્દૂ મટીને ગુજરાતી થઈ રહી હતી એ કાળની આ ગઝલ. શબ્દોના પુનરાવર્તન વડે અનેરી અર્થચ્છાયાઓ નિપજાવવાની જે પ્રણાલી એ સમયે ખૂબ પ્રચલિત હતી અને મુશાયરાઓ ડોલાવતી હતી એ અહીં ભરપૂર જોવા મળે છે. જિદ-અશ્રુ-અશ્રુ-જિદ, નજર-દુનિયા-દુનિયા-નજર, રહેમત-ગુનાહ, ઈચ્છાઓ-ઈચ્છા આવા કેટલા બધા શેર અહીં ધારી ચોટ નિપજાવવામાં સફલ નીવડ્યા છે !

(કવિનું મૂળ નામ તાહેરભાઈ બદરુદ્દીન. કાવ્ય સંગ્રહ: ‘સબરસ’, ‘રાત ચાલી ગઈ’)

6 Comments »

  1. Jayesh Bhatt said,

    June 26, 2008 @ 4:10 AM

    સુન્દર સરસ કોઇ સગિતકા૨ ને વિનન્તિ કે આને સ્વર્બદ્ધ કરિ કોઇ સારા ગાયક પાસે ગવડાવે

  2. RAZIA MIRZA said,

    June 26, 2008 @ 5:39 AM

    જયેશ ભાઈ ની વાત માં હું સાથ આપી ને કહીશ કે આ ગઝલ મને પોતાને ગાવાની ઈચ્છા છે. “એનો સહારો સાથે છે આ જિંદગી માં જો!
    “અલ્લાહ” ને દુઆ એની પાસે કબર મળે”
    રઝિયા મિર્ઝા

  3. pragnaju said,

    June 26, 2008 @ 8:37 AM

    સરસ ગઝલ
    આંખોની જિદ કે અશ્રુ નિરાધાર થઈ જશે,
    અશ્રુની જિદ કે તેમના પાલવમાં ઘર મળે.
    વધુ ગમી
    યાદ આવી
    મહોબતથી હતું જે શકય કરવાનું, કરી લીધું,
    જગત આખાનું રૂપ પાલવમાં ભરી લીધું
    સૈફ પાલનપુરી પાલવની ગરીમાને અલગ રીતે વર્ણવે છે. રૂપને પાલવ સાથે સંબંધ છે. જગત આખાનું રૂપ જે પાલવમાં ભરી લેવામાં આવે એ પાલવ એટલે મર્યાદા, પાલવ એટલે સ્નેહ અને પાલવ એટલે પ્રેમ.

  4. Pravin Shah said,

    June 27, 2008 @ 5:39 AM

    એક સુંદર ગઝલ!
    માનવ મનની ઊર્મીઓ અહીં સુંદર રીતે જાગૃત થઈ છે.
    ……અશ્રુની જિદ કે તેમના પાલવમાં ઘર મળે.
    આ શેર ખૂબ ગમ્યો.

  5. ધવલ said,

    June 27, 2008 @ 9:49 AM

    અલ્લાહના કસમ કે એ રહેમત ગુનાહ છે,
    રહેમત કદી ન લઉં જો ગુનાહો વગર મળે.

    – બહુ સરસ વાત !

  6. Pinki said,

    June 30, 2008 @ 1:52 AM

    ઈચ્છાઓ કેટલી મને ઈચ્છા વગર મળી,
    કોને કહ્યું ‘અમીન’ ન માંગ્યા વગર મળે.

    બહુત ખૂબ…. !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment