શબ્દની એક કાંકરી ઊડી, આપણા મૌનના જળાશયમાં,
લીલના યુગયુગોના અંધારાં, થઈ ગયાં ઝળહળાં જળાશયમાં.
વિવેક ટેલર

કરે છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
રોજ રોજ સરનામું બદલું જાણે ઈશ્વર ફર્યા કરે છે.

રસ્તા જોયા માણસ જોયા વિચારને પણ જોતાં શીખ્યો,
કોઈ નથી જંપીને બેઠું માણસ માતર ફર્યા કરે છે .

પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ,
જોયા છે મેં સુખનાં છાંટા ઘણાંયે અધ્ધર ફર્યા કરે છે.

ગળી જાય છે બધાય સુખદુ:ખ, ગળી જાય છે બધુ ભલભલું,
મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે.

દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આ ગઝલના મક્તાએ મને ખાસ આકર્ષ્યો….. આ વાત સૂક્ષ્મરૂપે સદીઓથી માનવજાતને લાગુ પડેલો મહારોગ છે. સત્યની આસપાસ એવો અદભૂત લુચ્ચાઈ-ચતુરાઈથી સાત કોઠાનો વ્યૂહ ઘડી કાઢવામાં આવે છે કે પછી……. કહેવાતા આધ્યાત્મમાર્ગીઓ પણ આમાંથી બાકાત નથી. તટસ્થ આંતરદર્શન અને આમૂલ પરિવર્તન વિના આ રોગનો કોઈ ઈલાજ નથી.

6 Comments »

  1. Pushpakant Talati said,

    September 6, 2014 @ 4:43 AM

    સાચી વાત છે તિર્થેશભાઈ, આ રોગ મણસ માત્રને એવોતો વળગ્યો છે કે તેના લોહીમાં જાણે કે વણાઇ જ ગયો છે. – સત્યતત્વની આજુબાજુ આ મોહમાયા નો અદભૂત પડદો રચાયો છે કે તેમાંથી આપણાં આ જગતનાં આધ્યાત્મમાર્ગીઓ પણ આમાંથી બાકાત નથી.
    તટસ્થ આંતરદર્શન અને આમૂલ પરિવર્તન જ આ રોગનો ઈલાજ છે પણ તે પરમ તત્વની ઈચ્છા અને ક્રુપા વગર શક્ય જ નથી.
    મને અન્તીમ (છેલ્લી) કડી બહુજ પસન્દ પડી
    “ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે.”
    સુંદર રચના — પુષ્પકાન્ત તલાટી

  2. vineshchandra chhotai said,

    September 6, 2014 @ 5:50 AM

    હરિઔમ ; સ્પ્રેમ્નમ્સ્કર ; બહુ જ સરસ વાતો , આજ ખુબિ , કવિ રાજેશ ભૈ ,જેવાજ , કહિ સકે ………………..ફક્ત સમજ નાર માતે …………..ધન્ય્વાદ , અબિનદાન્દ

  3. v c sheth said,

    September 6, 2014 @ 7:37 AM

    મંદિર,મસ્જિદ,ગુરુધ્વારા,
    ઈશ્વર એક સમાન,
    શુ, માણસે માણસે ,
    ઈશ્વર બદલે મુકામ ?

  4. ABDUL GHAFFAR KODVAVI said,

    September 7, 2014 @ 2:48 AM

    શું આને મિસ્કીન ની ફરયાદ ન કેહવાય ?

  5. ભુપેન્દ્ર પટેલ said,

    September 7, 2014 @ 6:17 AM

    વાહ……. દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
    ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે.

  6. સુનીલ શાહ said,

    September 9, 2014 @ 12:40 AM

    મારી ગમતી ગઝલ…રવાની કેવી સરસ છે..!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment