લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
શૂન્ય પાલનપુરી

(ગીત) – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

કોઈ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે ! કોઈo

દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળપળને વિસરાવી દેવી;
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે ! કોઈo

દુનિયાની તીરછી દૃષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રે’વું,
મનનું કૈં મન પર ના લેવું;
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે ! કોઈo

મોજાંઓની પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે
સાગર જ્યાં રૂઠી પણ જાયે;
એવા ભવસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે !

કોઈ પ્રીત કરી તો જાણે !

-મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

પ્રેમ વિશે આપણે આજ સુધીમાં જે જે કંઈ ધાર્યું છે- શીતળ અગ્નિ, દિલનું ચેન ને રાતની ઊંઘનું હરાઈ જવું, મરીને જીવવું, ડૂબીને તરવું- એ બધી જ અભિવ્યક્તિઓ અહીં એક સાથે દરિયાના મોજાંની જેમ ભરતીએ ચડી આવી છે. પણ જે મજા અહીં છે એ આ ગીતના લયની છે, સંગીતની છે. વાંચતાની સાથે આ ગીત ગણગણાઈ ન જાય તો વાંચવાની રીત ખોટી એમ જાણજો…

3 Comments »

  1. pragnaju said,

    May 29, 2008 @ 8:38 AM

    અચલનું ગીત ગણગણતા આનંદ
    મોજાંઓની પછડાટોથી,
    ઝંઝાનિલના આઘાતોથી,
    નૌકા જ્યાં તૂટી પણ જાયે
    સાગર જ્યાં રૂઠી પણ જાયે;
    એવા ભવસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે !
    કોઈ પ્રીત કરી તો જાણે !
    ભાવવાહી
    સાથે વિનય પત્રિકાની ગુંજી…
    એ દિવસ ક્યારે આવે કે તારું નામ લેતા આંખમાંથી અશ્રુ ધારા વહે,કંઠ ગદ ગદ થાય,ધ્યાનમાં સ્વેદ વહે,કંપન થાય,સ્થંભ થાય,તેના વગર એક પળ યુગ જેવી લાગે,તેના વગર રહી ન શકાય અને હાય હરિ!કહી મીરાંની જેમ તરુ વત પડી તેમાં લય થવાય?

  2. Dilipkumar K. Bhatt said,

    May 29, 2008 @ 2:49 PM

    મારા મનમા ‘અચલ’ થઈ બેઠેલી વાત જાણે મહેન્દ્રભાઈએ લખી નાખી છે એમ કહેવ શુ ખોટુ છે?

  3. ધવલ said,

    May 29, 2008 @ 11:48 PM

    દુનિયાની તીરછી દૃષ્ટિમાં,
    વેધક વાણીની વૃષ્ટિમાં,
    મસ્ત બનીને ફરતા રે’વું,
    મનનું કૈં મન પર ના લેવું;

    -સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment