શબ્દે શબ્દે મૌન વાણી હોય છે,
કાવ્યની ભાષા મને સમજાઈ ગઈ.
– રાહુલ શ્રીમાળી

બોલ વાલમના – મણિલાલ દેસાઈ

ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

– મણિલાલ દેસાઈ

ગુજરાતી ભાષાનું મારું સૌથી પ્રિય પ્રતીક્ષા-ગીત એટલે મણિલાલ દેસાઈનું લોકપ્રિયતાની ચરમસીમા વટાવી ચૂકેલું આ ગીત. આ ગીત નથી, એક મુગ્ધાના મધમીઠાં ઓરતાનું શબ્દચિત્ર છે. ગ્રામ્ય પરિવેશ અહીં એટલી સૂક્ષ્મતાથી આલેખાયો છે કે આખું ગામ આપણી નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે છે. સૂતાં-જાગતાં, રમતાં-કૂદતાં ને રોજિંદા કામ કરતાં- જીવનની કે દિવસની કોઈ ક્રિયા એવી નથી જે વ્હાલમની ભીની ભીની યાદથી ભીંજાયા વિનાની હોય. ઠેઠ ગામને પાદર ઘૂઘરા વાગે તો એમાંય પ્રિયતમના આવણાંનો રણકાર સંભળાય છે. પગે કાંટો વાગે તો પણ વ્હાલમનો વાંક અને પવન છેડતી કરે તો એમાંય પ્રીતમજીનો જ વાંક. પોતાની ને પોતાની ઓઢણી નડે તો એમાંય વેરી વ્હાલો ! પ્રીતની પરાકાષ્ઠા અને પ્રતીક્ષાના મહાકાવ્ય સમું આ ગીત જે આસ્વાદ્ય રણકો વાંચનારની ભીતર જન્માવી શકે છે એ ગુજરાતી કવિતાની જૂજ ઉપલબ્ધિઓમાંની એક છે.

(ગવન=સ્ત્રીઓ દ્વારા પહેરાતું સુતરાઉ કાપડનું છાપેલું ઓઢણું)

8 Comments »

  1. Jignesh Adhyaru said,

    May 24, 2008 @ 1:05 AM

    તમે યાર મને નવરાત્રી માં અંબાલાલ પાર્ક વડોદરા માં રમાતા ગરબામાં પાછા લઈ ગયા….આ ગીત આવે ત્યારે અમે ગમે ત્યાં હોઈએ, અચૂક ગરબામાં જોડાઈ જતા

    ગુજરાતી ભાષામાં પ્રિયતમના ઈંતઝાર અને તેને મળવાની ઉત્કંઠા માટેના જે પણ ગીતો છે તેમાં આ એક ઉતમ ગીત છે…શબ્દો બધું જ કહી જાય છે, અને નાની નાની વાતોનું પણ અદકેરૂ મહત્વ આલેખાયું છે…

    સરસ

  2. jayshree said,

    May 24, 2008 @ 1:11 AM

    મારું પણ ખૂબ જ ગમતું ગીત છે આ તો….
    નાની હતી ત્યારે તો ફક્ત નોન-સ્ટોપ ગરબાઓની કેસેટમાં અધુરુ અધુરુ જ સાંભળ્યું હતું….

    ‘મારે આંખે કંકુના સૂરજ આથમ્યા’ આલ્બમમાં આ ગીત નિરૂપમા શેઠના સુમધુર કંઠે માણવાનું ચૂકવા જેવું નથી….!!

    ( અને એ બહાને લયસ્તરોના વાચકોને ટહુકો પર બોલાવવો મોકો પણ ચૂકવા જેવો નથી.. 🙂 )

    http://tahuko.com/?p=386

  3. વિવેક said,

    May 24, 2008 @ 1:48 AM

    લયસ્તરોના વાચક ટહુકો.કોમ પર આવતા નહીં હોય એવું માનવાને કોઈ કારણ નથી… પણ તું બોલાવતી રહેશે એ અમને પણ ગમશે…

  4. jayesh upadhyaya said,

    May 24, 2008 @ 6:01 AM

    જાતે ખરીદેલી પહેલી કવીતા તે મણીલાલ દેસાઈની રાનેરી એમાંની આ રચના નીરુપમા બહેને બહુજ બહેલાવીને ગાઈ છે સુંદર પ્રતીક્ષા કાવ્ય

  5. anil paarikh said,

    May 24, 2008 @ 7:21 AM

    વાલમ સિવાય બીજ બધુ શુ કામનુ ? વાલમમા ઓગળવની તાલાવેલી

  6. pragnaju said,

    May 24, 2008 @ 8:36 AM

    કેટલીય વાર
    વાંચેલું,
    ગાયેલું,
    ગરબામાં નાચેલું
    બધાને ગમતું ગીત
    આનંદ આનંદ

  7. Manish said,

    April 2, 2014 @ 12:33 AM

  8. suresh shah said,

    January 3, 2019 @ 4:35 AM

    ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે,

    વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ ….
    કાંઈ કેટ્લા ય સપના જોઈ રહી છે – આમ કરશું, તેમ કરશું, આ વાતો કહેવી છે, પેલી વાતો સાંભળવાની છે.

    સાચું છે – આખુ ગામ તાદ્શ થાય છે.
    હેત, ઉલ્લસ, રોમાંચ, માધુર્ય્ અને ઘણુ વધુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment