નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;
કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?
– યામિની વ્યાસ

ક્યાં ક્યાંથી મળી છે ગઝલો… – મનહરલાલ ચોક્સી (કડી-૧)

ગુજરાતી ગઝલના મક્કા સુરત શહેરના શાયરોના માથે કોનું ઋણ સૌથી વિશેષ હશે એવો પ્રશ્ન પૂછીએ તો મનહરલાલ ચોક્સીનું નામ નિર્વિવાદપણે મોખરે આવે. નવાસવા ઢગલોક શાયરોને ગઝલની ગલીઓમાં આંગળી પકડીને જેટલા એમણે ફેરવ્યા છે, ક્યારેક તો ખભે બેસાડીને પણ, એટલા કોઈ ઉસ્તાદે નહીં ફેરવ્યા હોય. ગઝલના શેરની વાત હોય કે છંદની, ઉસ્તાદની નિઃશુલ્ક સેવા સ્મિતસભર હાજર જ હોય. સાવ અકિંચન અને અલગારી મનહરકાકા આજીવન અજાતશત્રુ રહ્યા અને શબ્દની મૂંગી સાધના કોઈ પણ દેખાડો કર્યા વિના કરતા રહ્યા. એમની પ્રતિનિધિ રચનાઓનો એક સંચય આજે મરણોત્તર પ્રગટ થઈ રહ્યો છે. “સાહિત્ય-સંગમ”, સુરત ખાતે આજે ૦૪-૦૫-૨૦૦૮ના રોજ સવારે સાડા દસ વાગ્યે ‘ક્યાં ક્યાંથી મળી છે ગઝલો…’ પુસ્તકનો લોકાર્પણ વિધિ શરૂ થશે ત્યારે લયસ્તરોના વિશ્વભરના વાચકો એ જ સમયે આ સમારંભમાં જોડાઈ શકે એવી અમારી લાગણીને માન આપીને કવિપુત્ર ડૉ. મુકુલ ચોક્સીએ પ્રગટ પુસ્તકની એમની પાસે આવેલી પહેલી અને એકમાત્ર નકલ ‘લયસ્તરો’ને મોકલાવી આપી એ બદલ એમનો આભાર…

(મનહરલાલ ચોક્સીનો ટૂંકો પરિચય એક સુંદર ગઝલ સાથે આપ અહીં જોઈ શકો છો. એમની એક સુરતી ગઝલ પણ આપ અહીં માણી શકો છો.)

Manharlal Choksi - Ghazalo
“ક્યાં ક્યાંથી મળી છે ગઝલો…” મનહરલાલ ચોક્સીનો પ્રતિનિધિ ગઝલ સંગ્રહ
પ્રાપ્તિસ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-૧
ટેલિ. : (૦૨૬૧) ૨૫૯૭૮૮૨ / ૨૫૯૨૫૬૩, કિંમત: રૂ. ૮૫/=

માટે જ એને માટે મને પક્ષપાત છે,
ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે.

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.

આકર્ષણોનું એની ઉપર આવરણ હતું,
જેને ગણ્યું જીવન એ ખરેખર મરણ હતું.

સાથ કાયમનો કદી હોતો નથી,
જાતની સાથેય અંતર રાખીએ.

આપના શાપનું સ્મરણ આવ્યું;
ને પછી પાપનું સ્મરણ આવ્યું.

સૂરજને જે પ્રકાશ તણું દાન દૈ શકે;
એવી તમારી પાંપણોમાં રોશની હતી.

સમજી શકાય એટલી આજે સરળ નથી;
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી.

આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.

દર્શનની ધન્યતાનો અનુભવ નહીં કહું;
ઈશ્વરની શોધમાં જ હું મારા સુધી ગયો.

કોઈના ઉચ્ચારના આકાશમાં
એક મારા નામની જગ્યા નથી.

હોઠ પર બીજા શબ્દો, આંખમાં જુદા શબ્દો,
આપની ઉપેક્ષા પણ આવકાર લાગે છે.

તમે પૂછી રહ્યા છો વાત આજે ખાસ રોકીને,
હૃદય થંભી ગયું છે માર્ગ વચ્ચે શ્વાસ રોકીને.

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?

‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.

આજના સર્વ સુખને માણી લે,
કાલના સૌ પ્રહાર ભૂલી જા.

વમળમાં ડૂબવાની મારી હિંમત,
જુએ છે આ કિનારો મુગ્ધ થઈને.

એ ગલી તારી હતી ?
પગ સદાયે ત્યાં વળે.

ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.

ફેલાઈને ગગનની સીમાઓ વધી ગઈ;
પડઘા તમારી યાદના જો વિસ્તરી ગયા.

વૃક્ષોનાં નામ યાદ હું રાખી નથી શક્યો;
વૃક્ષોનાં છાંયડાઓ મને ઓળખી ગયા.

નથી કોઈ આજે દશા પૂછનારું, નજર અશ્રુઓથી સભર થઈ ગઈ છે;
તમન્ના ચણાઈ ગઈ છે ખરેખર, ભીતર આરઝૂની કબર થઈ ગઈ છે.

હસીને ખબર પણ પૂછી ના શક્યા,
ઘણા દોસ્ત મોટા વતનમાં મળ્યા.

– મનહરલાલ ચોક્સી

23 Comments »

  1. Pinki said,

    May 4, 2008 @ 4:40 AM

    પુણ્યતિથિ નિમિત્તે શબ્દાંજલિ અમારા વતી પણ
    અને પુસ્તક વિમોચનમાં સહભાગી બનાવવા બદલ આભાર….

    દર્શનની ધન્યતાનો અનુભવ નહીં કહું;
    ઈશ્વરની શોધમાં જ હું મારા સુધી ગયો.

    બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
    મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.

    હસીને ખબર પણ પૂછી ના શક્યા,
    ઘણા દોસ્ત મોટા વતનમાં મળ્યા.

    ખૂબ જ સુંદર અશઆર…….!!

  2. pragnaju said,

    May 4, 2008 @ 8:52 AM

    અમારા મનહરભાઈની પ્રથમ પૂણ્યતિથીએ શ્રધ્ધાંજલી
    કેટલું સુંદર
    માટે જ એને માટે મને પક્ષપાત છે,
    ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે.
    ફેલાઈને ગગનની સીમાઓ વધી ગઈ;
    પડઘા તમારી યાદના જો વિસ્તરી ગયા.
    … અને અમારા હુરટી
    માણહાઈ ચેહ પર જોઈ છતાં,
    ચૂપ થઈ બેહી રિયા, બોઈલું નહીં.

  3. Jayesh Bhatt said,

    May 5, 2008 @ 12:16 AM

    ખરેખર ખુબજ સર
    વાહ વાહ વાહ
    જ્યેશ ભટ

  4. dhruv said,

    May 5, 2008 @ 4:36 AM

    ઘની સારી છે.

  5. ડો.મહેશ રાવલ said,

    May 5, 2008 @ 5:18 AM

    ગઝલના સૌંદર્યને કલાત્મક નિખાર આપ્યો છે ગઝલકારે.
    ખૂબ-ખૂબ અભિનંદન .
    સાથે સાદર નમન.

  6. ચાંદસૂરજ said,

    May 5, 2008 @ 6:04 AM

    મનને હરનારા “મનહર” ને પ્રથમ પુણ્યતિથિએ ભાવભરી શ્રધાંજલિ.એ ગલી આખરે પ્રભુની જ છે જ્યાં જીવનની સાંજે માનવ પગ વળે છે અને મનડું પરમ શાંતિ પામે છે.

  7. સુરેશ જાની said,

    May 5, 2008 @ 8:49 AM

    મુકુલભાઈ કવીપુત્ર છે, તે આજે જ ખબર પડી. આભાર.

  8. chetu said,

    May 5, 2008 @ 10:09 AM

    amari bhaav bhari shraddhanjali… dr. mukul bhai choksi kavishri na putra છ્e e mane pan aaje j khabar padi …

    aabhaar vivek bhai..!

  9. Rajeshwari Shukla said,

    May 5, 2008 @ 11:04 AM

    મનહરભાઈને હાર્દિક શ્રધ્ધાંજલિ. ખૂબ સુંદર અભિવ્યક્તિ છે.

  10. ઊર્મિ said,

    May 5, 2008 @ 1:41 PM

    ખરેખર મજા આવી ગઈ…
    સુંદર અશઆર પસંદ કર્યા છે દોસ્ત !
    મનહરકાકાને હાર્દિક અંજલિ…
    મુકુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને મારી એક બુક પાકી હોં !

  11. nilamdoshi said,

    May 5, 2008 @ 3:33 PM

    કોઈના ઉચ્ચારના આકાશમાં
    એક મારા નામની જગ્યા નથી.

    અભિનન્દનના હકદાર મુકુલભાઇ તો ખરા જ..વિવેકભાઇ આપને પણ અભિનન્દન..

    મનહરકાકાને ભાવભીની અન્જલિ…

  12. Dr. Dinesh O. Shah said,

    May 5, 2008 @ 4:06 PM

    I convey my tribute from the depth of my heart to the late poet, Shri Manaharlal Choksi. Each word, each line conveys the fragrance of a poetic heart!

    During the past few years, I believe that Gujarati blogs such as yours have spread the fragrance of Gujarati poetry all over the world in every country where Internet facility is available. Congratulations and thanks to Mukulbhai and Vivekbhai for bringing this beautiful poetry to readers all over the globe. With best wishes and warmest regards,

    Dinesh O.Shah, Ph.D. Gainesville, Florida, USA

  13. Vijay Shah said,

    May 5, 2008 @ 5:55 PM

    સૂરજને જે પ્રકાશ તણું દાન દૈ શકે;
    એવી તમારી પાંપણોમાં રોશની હતી.

    ‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
    તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.

    મનહર કાકાની આ ગઝલો ગમી. સદગતનાં આત્માને પરમ પિતા પરમેશ્વરનો રુડો સથવાર મળે તેવી પ્રાર્થના. પ્રથમ પૂણ્યતિથીએ ભાવભરેલી શ્રધ્ધાંજલી
    ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન પરિવાર્

    http://www.gujaratisahityasarita.org

  14. Dr Nishith Dhruv said,

    May 5, 2008 @ 7:16 PM

    શ્રદ્ધાંજલિની સરિતા વહેતી રહેશે. ગિરા-ગુર્જરીની પુસ્તકમાં ચોક્સીજીનું નામ અમર રહેશે. ઉત્તમ પંક્તિઓનો પરિચય આપવા માટે વિવેકભાઈને ધન્યવાદ!
    નિશીથ ધ્રુવ

  15. Rasik Meghani said,

    May 5, 2008 @ 11:34 PM

    મનહરલાલ ચોકસી મારા થોડા પ્રિય કવિઓમાંના એક છે, આજે તેઓ શબ્દ દેહ સ્વરૂપે આપણી વચે જીવીત છે. તેમણે શરૂ કરેલું કામ હવે આપણે આગળ વધારવાનું છે.ગુજરાતી ભાષામાં જ્યારે જ્યારે ગઝલનો ઈતિહાસ લખાશે, મનહર ચોકસીનું નામ સુવર્ણ અક્ષરે, અગ્રિમ હરોળમાં લખાશે.

  16. rajgururk said,

    May 6, 2008 @ 12:54 AM

    ગઝલ નુ પથન કરિને સ્રધ્ધાજન્લિ અપ્રપન કરુ ચ્હુ

  17. anil parikh said,

    May 6, 2008 @ 1:37 AM

    only a staunch lover of gamta no karie gulal could have
    extended a gesture of simultaneous release to laystar of
    kyan kyan thi male che gazal-abhinandan
    anil-77

  18. satish said,

    May 6, 2008 @ 1:40 AM

    હસીને ખબર પણ પૂછી ના શક્યા,
    ઘણા દોસ્ત મોટા વતનમાં મળ્યા.

    આજના વખ્ ત્ મા તદન્ સત્ય્

  19. gopal parekh said,

    May 6, 2008 @ 4:32 AM

    હસીને પણ ખબર….
    બહુ જ ગમી,
    ગોપાલ

  20. bakulesh desai said,

    May 6, 2008 @ 9:16 AM

    JE NAAMO GAI KAAL NA SURAT MAA ZALKYAA’TAA,

    GHAZAL SITAARAAO VACHCHE ‘ manhar LAKHVU CHHE.

    manahar bhai / kaka ,popularly called as USTAAD inspired & guides a scores of people to take intrest & then write ghazals over the decades .

    as a man he was more than an ordinary worldly man/ shaair. almost he had reached upto a height of a saint…. far above the level of money hungry & fame thirsty shaairs of this days.

    he was a rare & glaring example of a great man & a great poet at a time.

    may his tribes increase !! bakulesh desai,surat

  21. sujata said,

    May 6, 2008 @ 9:51 AM

    SURUAAT ETLI SHAANI KE MAHEKI UTTHI VAANI…….great man………salute to Kavi and Vivekbhai

  22. Mukund Desai, ''MADAD'' said,

    May 8, 2008 @ 2:12 PM

    ખુબ જ સરસ

  23. RAJ DANGAR said,

    January 10, 2009 @ 2:59 AM

    મૅં લખીતી ફકત રજા ચિઠઠી,તેંણે એ વાંચી તો શાયરી થઇ ગઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment