ખીલાઓ ખૂબ માર્યા છે એ સ્પષ્ટ થાય છે
સંબંધની દીવાલમાં ટાંચા હતા અનેક.
– અનિલ ચાવડા

ગઝલ – સંજય પંડ્યા

નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકો,
હથેળીના વલણને સાચવીને હાથમાં મૂકો.

હશે ગાઢું અને બળકટ તળિયાની સમીપે પણ,
સપાટીના જ જળને છેતરીને હાથમાં મૂકો.

ડબોળો આંગળી એમાં નર્યું પોલાણ ભટકાશે,
વમળના અવતરણને તારવીને હાથમાં મૂકો.

ઢળેલી સાંજના મળશે સરોવર ચોસલાંસોતું,
નવાનક્કોર શિલ્પો કોતરીને હાથમાં મૂકો.

તમારી આંખના ખૂણે સજાવીને જે રાખ્યા છે,
એ કિસ્સા ગોઠવી, ભેગા કરીને હાથમાં મૂકો.

-સંજય પંડ્યા

સંજય પંડ્યાની એક ગઝલ આપણે અગાઉ માણી ચૂક્યા છીએ. આજે એક ગઝલ ઓર. પહેલા શેરનું ‘ડિસેક્શન’ કરીએ. હસ્તરેખા, હથેળી, હાથમાં મૂકવાની વાત આ એક-મેક સાથે તાણેવાણે વણાયેલા સંકેતો શું કહી રહ્યા છે? હસ્તરેખા એ ભવિષ્યકથનનો નિર્દેશ કરે છે પણ અહીં નદીની હસ્તરેખાઓની વાત છે.  ખળખળ વહેતી નદીના ડિલે મદમત્ત સમીરનું વહેણ જે સળ જન્માવે છે એમાં કવિને હસ્તરેખાના દર્શન થાય છે. આખું કલ્પન જ કેવો નવોન્મેષ જન્માવે તેવું છે !  નદીની આ અખૂટ સંપત્તિ કવિ વહી જવા દેવા માંગતા નથી. કવિ એને અને એ રીતે નદીનું આખું ભવિષ્ય ગણી-ગણીને હાથમાં મૂકવાનું કહે છે. બીજી પંક્તિમાં હસ્તરેખાના કલ્પનનો ઉજાસ ઓર ઊઘડે છે. હથેળીનું એક વલણ છે કે એ હસ્તરેખા આજન્મ સાચવી રાખે છે. નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકી દીધા બાદ હસ્તરેખાઓને કાયમી સાચવી રાખવાના વલણને પણ ‘સાચવી’ને હાથમાં મૂકવાની વાત કરીને કવિ નદીની સૌંદર્યસમૃદ્ધિ હસ્તગત કરવા કહે છે. ખેર, આ તો થયું મારું અર્થઘટન ! આ શે’રનો અર્થવિન્યાસ કોઈ ઓર પણ હોઈ શકે છે…

હાથમાં મૂકવાની આ ગઝલમાં કવિ પાંચેય શેરમાં જળના જ અલગ-અલગ આયામ બખૂબી ઉપસાવે છે. એમાંય ઢળતી સાંજે ચોસલાસોતા મળતા સરોવરના નવાનક્કોર શિલ્પ કોતરવાની વાત મને ખૂબ ગમી ગઈ…

9 Comments »

  1. Pinki said,

    April 10, 2008 @ 5:04 AM

    નવો જ વિષયવસ્તુ ધરાવતી સુંદર ગઝલ….
    દરેક શેર સ-રસ…..

    નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકો,
    હથેળીના વલણને સાચવીને હાથમાં મૂકો

    પહેલો શેર પહેલી નજરે જ જચી જાય,
    તો અંતિમ શેર લાજવાબ…..

    મારી આંખના ખૂણે સજાવીને જે રાખ્યા છે,
    એ કિસ્સા ગોઠવી, ભેગા કરીને હાથમાં મૂકો.

  2. GAURANG THAKER said,

    April 10, 2008 @ 7:13 AM

    Last sher is very good..Nice gazal..

  3. pragnaju said,

    April 10, 2008 @ 10:28 AM

    સરસ ગઝલ
    આ શેર ગમ્યો
    તમારી આંખના ખૂણે સજાવીને જે રાખ્યા છે,
    એ કિસ્સા ગોઠવી, ભેગા કરીને હાથમાં મૂકો.

  4. Rasik Meghani said,

    April 11, 2008 @ 11:53 AM

    સંજય પંડયાની આ ગઝલ ખરેખર અતિ સુંદર છે. શબ્દોના પ્રયોગો, ભાષાનું સૉંદર્ય, વિચારોની ગહેરાઇ– મને આ ગઝલ ઘણી ગમી. આવી સુંદર ગઝલ માટે હું તેમને અભિનંદન આપુ છું.

  5. સુનીલ શાહ said,

    April 12, 2008 @ 2:46 AM

    દમદાર ગઝલ. વીચારોની નાવીન્યતા અને શબ્દોનો વીનીયોગ ગમ્યો. અભીનંદન સંજયભાઈ, વિવેકભાઈ.

  6. Chetan Chandulal Framewala said,

    April 12, 2008 @ 3:18 AM

    આવી સુંદર ગઝલ પીરસવા બદલ આભાર.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  7. rajgururk said,

    April 12, 2008 @ 7:28 AM

    આવી સુન્દર ગજલ બદલ આભર

  8. dm said,

    April 17, 2008 @ 7:45 AM

    maja avi gai bhai…

  9. chandra said,

    May 5, 2008 @ 1:28 PM

    આ ગઝલ મને બહુજ પસ્ન્દ આવિ અને આશા રખુ ચુન કે આવિ ગઝલો વન્ચ્વા મડે .
    ચન્દ્રકન્ત ન નમસ્કાર્.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment