આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
મરીઝ

અંધાર શબ્દનો – મનોજ ખંડેરિયા

ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો

વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો

ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો

આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો

-મનોજ ખંડેરિયા

शब्द ब्रह्मને પામવાની કવિની મથામણ ઘણા સુંદર કાવ્યોમાં જનમતી આવી છે. ગયા અઠવાડિયે રઈશ મનીઆરની એક શબ્દ-ગઝલ માણી. આજે એવી જ એક ગઝલ મનોજ ખંડેરિયાની કલમે. પહેલા જ શેરથી કવિ શબ્દનો મહિમા પ્રસ્થાપિત કરી દે છે. પણ કવિને જે વાત વધુ અભિપ્રેત છે એ છે મૌનની તાકાત. ઉમાશંકર જોશીએ કહ્યું હતું, “છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.” શબ્દોના અંધારા કોલાહલમાં અટવાઈ ગયેલું હૈયું અંતે તો મૌનનો અજવાસ જ ઝંખે છે. છેલ્લો શેર પણ સુંદર સંદેશો લઈને અવ્યો છે. સાંજનું સૌંદર્ય માણવું હોય તો દૃષ્ટિ પરના બધા પડળ ઓગાળીને ખુદ સાંજને જ આંખમાં આંજવી ઘટે. કૃત્રિમ સાજ-શણગાર ત્યજી દીધા બાદ જ સાચું સૌંદર્ય પ્રમાણી-માણી શકાય. અને સાંજના ગગનને ‘ભગવો’ રંગ આપીને કવિ આ શેરની અર્થચ્છાયાનો વ્યાપ અ-સીમ કરી દે છે…

(આવતી કાલે માણીએ આજ છંદ, આજ વિષય, આજ રદીફ, આજ આધારવાળા કાફિયા અને સંખ્યાની દૃષ્ટિએ પણ આટલા જ શેર ધરાવતી આદિલ મન્સૂરીની એક ગઝલ)

6 Comments »

  1. Urmi said,

    April 17, 2008 @ 7:54 AM

    બીજી અદભૂત શબ્દ-ગઝલ…

  2. pragnaju said,

    April 17, 2008 @ 9:03 AM

    મનોજની વ્યથા-જાણે આપણા સૌની મથામણ-
    વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
    ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
    મૌનનું મહત્વ સમજાવે-જાણે ગુરુ મૌન સંભાષણથી શિષ્યોને જ્ઞાન આપતાં હોય!
    ‘ચિત્રં વટતરોર્મૂલે વૃદ્ધા: શિષ્યા: ગુરુર્યુવા|
    ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનં શિષ્યા: છિન્નસંશયા:||
    અને મનને કાબુમા રાખવા જરુરી-
    મનપ્રસાદ: સૌમ્યત્વં મૌનં આત્મવિનિગ્રહ:|
    ભાવસંશુદ્ધિરિત્યેતત્ તપો માનસમુચ્યતે||
    શિરમોર શેર
    આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
    શોભે ન આજ આપણે શણગાર શબ્દનો
    … છતાં ‘શબ્દ’ની સહાય તો લેવી પડે!

  3. Pinki said,

    April 17, 2008 @ 9:03 AM

    વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
    ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો

    સુંદર શેર…..
    સરસ ગઝલ…….

  4. ભાવના શુક્લ said,

    April 17, 2008 @ 11:36 AM

    શબ્દ ની સતત પ્રશસ્તિ પણ તેના દ્વારા મૌન કે નિઃશબ્દની મહત્તા…
    શબ્દાલયના દોમ વૈભવથી જ્યારે તમામ થાકુ,
    ને વિરામુ મૌન ને ઝરુખે પ્રવેશતા માજ.

  5. ધવલ said,

    April 18, 2008 @ 12:40 PM

    ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
    પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

    વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
    ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો

    – સરસ !

  6. પંચમ શુક્લ said,

    April 19, 2008 @ 6:43 PM

    આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
    શોભે ન આજ આપણે શણગાર શબ્દનો

    સુંદર ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment