રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

મરીઝ

ચરણ રુકે ત્યાં કાશી – હરીન્દ્ર દવે

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી
ઝાકળના બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ.

જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.

સ્પરશુ તો સાકાર, ન સ્પરશુ તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઉં જાળમાં
હું જ રહું સંન્યાસી.

હું જ વિલાસે રમું, ધરી લઉં હું જ પરમનું ધ્યાન,
કદી અયાચક રહું, જાચી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી !

-હરીન્દ્ર દવે

કેવું મજાનું ગીત… “ચરણ રુકે ત્યાં કાશી” તો રુઢિપ્રયોગની કક્ષાએ પહોંચી ગયેલી ઉક્તિ છે. ઝાકળબુંદમાં ગંગા જોવાની વાત પર “મન ચંગા તો કથરોટમેં ગંગા” યાદ આવ્યા વિના ન રહે. પણ મને જે વાત ગમી ગઈ એ છે ‘મુજ ધ્રુવ વ્યાપે સચરાચર’… આપણે નિત્ય પ્રવાસી હોઈએ તો આપણે અટકી જઈએ ત્યારે ધરતી પોતે ચાલવા માંડે. અને કઈ દિશામાં? તો કે ઉત્તર દિશામાં… ધ્રુવ તરફ… અને ધ્રુવ ક્યાં? તો કે જે દિશામાં કદમ ઉપાડીએ એ જ દિશામાં… સચરાચર ! ક્યા બાત હૈ!

5 Comments »

  1. jahnvi antani said,

    February 1, 2014 @ 4:20 AM

    વાહ એક સુન્દર મજાનુ ગેીત અર્થસભર રચના

  2. ધવલ said,

    February 1, 2014 @ 10:57 AM

    હરિદ્ર દવે એ સરળ અને સહજ રૂપકોનો વાપરીને આપણી ભાષાના ગીતોમાંથી કેટલાક સૌથી ગહન અને મનનીય ગીતો રચ્યા છે. આ ગીત એમાનું એક છે. સાથે ‘રજકણ સૂરજ થવાને શમણે’ પણ જરા યાદ કરી લેજો.

  3. Harshad said,

    February 1, 2014 @ 11:59 AM

    હરેક વ્યક્તિ માટે એક મનોમન્થન કરવાનુ કેવુ મઝાનુ ગીત .

  4. M.D.Gandhi, U.S.A. said,

    February 1, 2014 @ 2:51 PM

    સુંદર ગીત છે.

  5. perpoto said,

    February 1, 2014 @ 8:53 PM

    માધવ ક્યાંય નથી- ના કવિ,ચરણ રુકે ત્યાં કાશી,રચે-વાહ કવિ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment