કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે,
શક્યતા સૌથી વધારે છેતરે.

ભાગ્યને જો નાવ સોંપી હોય તો,
છેક લાવીને કિનારે છેતરે.
– બાબુલાલ ચાવડા ‘આતુર’

ગઝલ – રઈશ મનીઆર

પગના છાલા દોડવાની ‘ના’ જ કહેશે
પ્યાસ તો યે ઝાંઝવા પીવા જ કહેશે

કાંકરા અંગે બધા સહેલાણી જાણે
મોતી બાબત માત્ર મરજીવા જ કહેશે

શું કદરની આશ ઉન્નત લોક પાસે!
વાદળાં તો પ્હાડને નીચા જ કહેશે

બોર કેવા હોય છે, શબરીને પૂછો
રામને પૂછો તો એ મીઠા જ કહેશે

આ પગરખાંઓ દિવસની વાત જાણે
રાત વીતી કેમ ઓશીકાં જ કહેશે

શોરોગુલ જંપી જશે જૂઠાણાં લઈને
વાત સાચી તો સ્વરો ધીમા જ કહેશે

તું સફળ છે, કોણ કહેશે સત્ય તુજને?
મંડળી મળશે ને ‘હા જી હા’ જ કહેશે

બેઘરોની પીઠને પૂછી તો જોજો
શહેરના ફૂટપાથને લિસ્સા જ કહેશે

– રઈશ મનીઆર

ફરી એકવાર કયા શેર પર આંગળી મૂકવી એની વિમાસણ ઊભી કરે એવી ગઝલ… પણ ચવાઈને ચુથ્થો થઈ ગયેલી રામ-શબરીના બોરની વાયકા જે રીતે સાવ નવા જ દૃષ્ટિકોણથી કવિએ રજૂ કરી છે એ કાબિલે-દાદ છે.

રદીફમાં આવતા ‘જ’ને બખૂબી નિભાવવાની કવિની કરામત ગઝલને વધુ આસ્વાદ્ય બનાવે છે…

10 Comments »

  1. મીના છેડા said,

    January 24, 2014 @ 1:23 AM

    દરેક શેરની પોતાની ઊંચાઈ છે … ઉમદા ગઝલ.

  2. perpoto said,

    January 24, 2014 @ 3:08 AM

    કવિતા હવે
    ઉખાણા જ કરશે
    પુછે ભાવકો

  3. Rina said,

    January 24, 2014 @ 3:20 AM

    Waaaahhhhh

  4. narendrasinh said,

    January 24, 2014 @ 3:45 AM

    તું સફળ છે, કોણ કહેશે સત્ય તુજને?
    મંડળી મળશે ને ‘હા જી હા’ જ કહેશે
    ખુબ સુન્દર

  5. Manubhai Raval said,

    January 24, 2014 @ 6:22 AM

    આખી ગઝલ ખુબજ માણવા લાયક છે.એકે એક શેર ની મજાજ ઓર છે

  6. અભિનવ said,

    January 24, 2014 @ 6:25 AM

    ગમ્યુ જોરદાર લખ્યુ ચ્હે

  7. સુનીલ શાહ said,

    January 24, 2014 @ 9:50 AM

    બેઘરોની પીઠને પૂછી તો જોજો
    શહેરના ફૂટપાથને લિસ્સા જ કહેશે
    વાહ…!
    ખૂબ સુંદર ગઝલ.

  8. ધવલ said,

    January 24, 2014 @ 11:26 AM

    શું કદરની આશ ઉન્નત લોક પાસે!
    વાદળાં તો પ્હાડને નીચા જ કહેશે

    – સરસ !

  9. Harshad said,

    January 24, 2014 @ 7:59 PM

    એક એક શેર માટે કહેવુ પડે ભાઈ ‘બહુત ખુબ ‘ સાચે જ ખુબ જ ગમી.

  10. Rakesh said,

    January 27, 2014 @ 4:56 AM

    Superb!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment