કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
સ્નેહી પરમાર

સુન્દરમ્-સુધા : બુંદ-૦૨ : રંગ રંગ વાદળિયાં – સુન્દરમ્

Sundaram

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ બાળકોનું ‘મેઘદૂત’ છે.

6 Comments »

  1. વિવેક said,

    March 24, 2008 @ 2:00 AM

    આ કવિતા અભ્યાસક્રમના હિસાબે મોઢે કરવાની નહોતી એ છતાં આખી કવિતા વર્ષો સુધી મોઢે રહી હતી… નાજુક લય, હળવાં વાદળ સમા શબ્દો અને અનોખી પ્રાસાવલિના કારણે અનાયાસે હોઠે રમતું જ રહે એવું મજેદાર ગીત…

  2. Chetan Chandulal Framewala said,

    March 24, 2008 @ 2:31 AM

    હું ૧ લા કે બીજા માં હતો ત્યારે, મારા દાદા આ સુંદર ગીત ગાતા ને ને બીજે દિવસે જે છોકરાં ગીત ( એકાદ પેરા) ગાઈ સંભળાવે એને બે ખાટી-મીઠી ગોળી મળતી,
    બચપણ તાજુ થઈ ગયું.

    આભાર….
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  3. Pinki said,

    March 24, 2008 @ 5:46 AM

    સુંદર મજાનું ગીત……!!

    કોઈ સરસ વાર્તાની જેમ આપણને જકડી રાખે
    આપણા બચપણમાં પણ….,

  4. Rajendra Trivedi, M.D. said,

    March 24, 2008 @ 7:59 AM

    સુંદર મજાનું ગીત……!!

    I was singing in my heart while recoonecting with this beautiful world and thanking thy for giving me life to live and helping others and feel good.

    Rajendra
    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  5. pragnaju said,

    March 24, 2008 @ 8:12 AM

    આ મધુરું મધુરું ગીત પેઢીી દર પેઢી ગાયલું-ગવાતું તરન્નુમમાં હોય તો મઝા ઔર જ આવે!

  6. ઊર્મિ said,

    March 24, 2008 @ 9:52 AM

    અરે આ ગીત તો મેં ઘણા વર્ષે ફરી વાંચ્યું… નાનપણમાં આને કેટલાં રાગડા તાણી તાણીને ગાતા હતા!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment