એમ નથી, છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.
– સુનીલ શાહ

સુન્દરમ્-સુધા : બુંદ-૦૧ : કોણ ? – સુન્દરમ્

Sundaram

પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?

કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?

અહો, ગુંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ ?

કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?

ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ ?

અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?

-ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’

૨૨-૦૩-૨૦૦૮ના રોજ કવિશ્રી સુન્દરમ્ ના જન્મ-શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ થાય છે. વર્ષની ઊજવણીના પ્રારંભકાળે કોઈક કારણોસર ચૂકી જવાયું ત્યારથી મનમાં વિચાર રમતો હતો કે શતાબ્દીવર્ષ પૂર્ણ થાય ત્યારે કવિશ્રીની કેટલીક ઉત્તમ રચનાઓનો સંપુટ લયસ્તરોના મર્મજ્ઞ વાચકોને ભેટ આપીશું. એ સંકલ્પની પરિપૂર્ણતાનો પ્રારંભ આજથી આદરીએ છીએ. આપના અભિપ્રાય હંમેશની જેમ અમારું પૂરક અને પ્રેરક બળ સાબિત થશે…

કવિશ્રીની ટૂંકી જીવન-ઝરમર આપ આ ગીતની ફૂટનોટમાં જોઈ શક્શો.

જે વસ્તુઓ આપણે સહજપણે અને જોવાપણાના અહેસાસ વિના જ જોતાં હોઈએ છીએ એમાં દૃષ્ટિની પેલે પારનું દૃશ્ય નીરખી શકે એનું નામ કવિ. પ્રસ્તુત ગીતમાં ‘કોણ?’ પ્રશ્નનો ઉત્તર શરૂથી જ મુખરિત હોવા છતાં કલ્પનોની તાજગી અને લયમાધુર્યના કારણે કવિતા ક્યાંય ઢીલી પડતી નથી. ઈશ્વર સર્વત્ર છે એ જ સંદેશ છે પણ રજૂઆતની શૈલી એને કળાનું, ઉત્તમ કળાનું સ્વરૂપ બક્ષે છે. અનાયાસે આવતા લાગતા પ્રાસ, ઝાકળમોતીમાળ જેવી અભૂતપૂર્વ અભિવ્યંજના અને નાદસૌંદર્યના કારણે આ ગીતનું સંગીત વાંચતી વખતે આંખોમાં જ નહીં, આત્મામાં પણ ગુંજતું હોય એવું લાગે છે. મારા જેવા નાસ્તિકને ય આસ્તિક બનાવી દે…

(મુખરિત=વાચાળ; સાખ=ઝાડ ઉપર સીધે-સીધું પાકેલું ફળ; કૂપ=કૂવો)

11 Comments »

  1. Pinki said,

    March 22, 2008 @ 3:11 AM

    ખૂબ સુંદર…… !!

    આ હર પ્રભાતે કોણ વરસે થઈ મજાની તાજગી,
    આ કોણ બેઠું પુષ્પમાં,સુગંધ,સુંદરતા ભરી;

    આ વિશ્વનાં કણ કણ મહીંથી ‘પ્રેમ’ હસતું કોણ એ?
    ચેતન સ્વરુપે ખોળિયામાં વાસ કરતું કોણ એ

  2. પંચમ શુક્લ said,

    March 22, 2008 @ 10:06 AM

    વિવેક્ભાઇ, સાદ્યંત સુંદર કવિતાની રસલ્હાણ કરાવી. સવૈયો સોંસરવો ઊતરી ગયો!

  3. pragnaju said,

    March 22, 2008 @ 10:14 AM

    સૂંદરમ્નુ સુંદર મધુરું ગીત
    પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
    પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?

    દિશા દિશાના મુખરિત કવિની
    વાણી રહી વધાવી
    અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
    કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?

    ને ભીતર પ્રગટેલી ક્ષણ એ કોણ છે લ્યા, તું કે હું ?

  4. Vipool Kalyani said,

    March 24, 2008 @ 9:33 AM

    It is a sheer delight to read ‘Sundarm’. I too join with you in paying our respect to this great poet. You have chosen a few good poems. My compliments to you.

  5. Arvind Upadhyay said,

    March 24, 2008 @ 12:50 PM

    હેટ્સ ઓફ. હ્ર્દય ના તાર ઝણઝણ્યા ! કવિ સુન્દરમ ને યાદ કરાવી ને બાળપણમા મોકલી આપ્યો. ધન્યવાદ!

  6. Ramesh Patel said,

    March 27, 2008 @ 11:14 PM

    શ્રી સુંદરમની કવિતામાં મધુરતા સાથે મૌલીકતા છે .તેમનું ભાવ નીરુપણ નાનપણથી
    ગમતું આવ્યુંછે.સુંદર લેખ
    ર મેશ પટૅલ(આકાશદીપ)

  7. GAURANG THAKER said,

    March 28, 2008 @ 11:38 PM

    Nice tribute to my fevourite poet Sundaram.Thanks Vivekbhai.

  8. pankaj patel said,

    March 29, 2008 @ 8:37 AM

    આ બહુ સુદર કવિતા છે.

  9. Jignesh said,

    March 29, 2008 @ 8:34 PM

    ધવલભાઇ/વિવેકભાઈ,

    કવિ સુન્દરમ નુ આવુજ બીજુ એક સરસ ગીત છે જે આપ આપી શકો તો ખુબજ ગમશે

    એક સવારે આવી મુજને કોણ ગયુ જબકાવી

    જીગ્નેશ

  10. વિવેક said,

    March 30, 2008 @ 1:08 AM

    જિજ્ઞેશભાઈ,

    સુન્દરમ્ નું આ કાવ્ય ટૂંકસમયમાં રજૂ કરીશું…

  11. Kiran Chavan said,

    July 14, 2015 @ 8:52 AM

    Sundar rachana..
    Aavi sundar krutio post karva badal khub khub aabhar..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment