જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
વેણીભાઈ પુરોહિત

ગઝલ – અનિલ ચાવડા

છોડ    દીવાને   પહેલાં   તું   મને   પ્રગટાવને,
આવવા  તૈયાર  છું,   રસ્તો   જરા  બદલાવને.

પ્રેમની  વ્યાખ્યા  કરે  છે  એક માણસ ક્યારનો,
તું  જરા  એને  ખૂણામાં  લઈ  જઈ  સમજાવને.

ભાઈ  ખાલીપા ! હજીયે  કોઈ  પણ આવ્યું નહીં,
તું  જ  ઘરની  બ્હાર  જઈને  બારણું ખખડાવને.

આંસુ  આંખોનાં  પ્રવાહી  થઈ  ગયેલા શબ્દ છે,
ચાલ  નવરો  હોય  તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં  સુધી  હું  આભ  સામે  જોઈને  બેસી  રહું?
તું  હવે  વરસાવતો  જો  હોય  તો  વરસાવને.

-અનિલ ચાવડા

પહેલી નજરના પ્રેમ પેઠે આ શાયરને પહેલીવાર શબ્દોના રસ્તે મળ્યો ત્યારથી જ એ મને ગમી ગયો છે. એની ગઝલમાં રોજિંદી બોલચાલની વાત એવી સહજતાથી ઊતરી અને ઊપસી આવે છે કે ગમતા શેરોની આગળ નિશાની કર્યા સિવાય આગળ વધાતું નથી. હું માત્ર બે જ શેર -ત્રીજા અને ચોથા- ની વાત કરીશ.

જાહોજલાલીનો ઢોળ ચડેલી આપણી આ જિંદગી અંદરથી તો હકીકતે સાવ ખાલીખમ થઈ ગઈ છે. ચારે તરફ વૈભવી ચમકદમકથી વીંટળાયેલા હોવા છતાં એવું કોઈ ઓશિકું નથી જેના પર ચિંતાની, અજંપાની, બેચેનીની કરચલીઓ ન પડતી હોય. કવિ આપણી અંદરના ખોખલાપણા સાથે સીધો જ સંવાદ સાધે છે. અહીં ઘર અને બારણાંની વિભાવનામાં કશું પણ ‘ફીટ’ બેસી શકે છે. ભીતરનો ખાલીપો જ્યારે તીવ્રતમ વેદના બનીને ભોંકાતો હોય અને એ દૂર કરનાર કશાકના કોઈ એંધાણ માત્ર પણ ક્યાંય દૃષ્ટિગોચર ન થતા હોય ત્યારે જ એ ખાલીપણા સાથે સીધો વાર્તાલાપ જન્મે છે. જે દરવાજે કોઈ આવ્યું નથી અને કોઈના આવવાની આશા પણ હવે દેખાતી નથી, એ દરવાજાને આ ખાલીપો ખુદ જઈને ખખડાવે તો ય ઘણું હવે તો…. ‘ખખડાવ’ કાફિયાની પાછળ સાવ અડોઅડ કવિતાની ભાષા બહારની, નકરી બોલચાલની એકાક્ષરી રદીફ ‘ને’ ખાલીપાની વેદનાને શેરના અંતે વધુ ધાર કાઢી આપે છે…

એ પછીના શેરમાં હું માત્ર આંસુની સાવ નવી વ્યાખ્યા કરી આપવાના કવિકર્મને છૂટ્ટે હાથે દાદ દઈ આખા શેરને અને એ રીતે આખી ગઝલના મુશાયરાને અનુભવવાનું ભાવક પર છોડી દઈશ…

23 Comments »

  1. Pinki said,

    March 21, 2008 @ 2:25 AM

    અનિલભાઈ જાત પ્રગટાવવાની વાત અનોખી અદામાં કરે છે.
    તો વિવેકભાઈએ કહ્યું એમ, આંસુની નવી વ્યાખ્યા આપે છે.
    અને ખાલીપાને જ બારણા ખખડાવવાનું કહી આપણા
    હૃદય પર પણ ટકોરા વગાડી જાય છે.

  2. shaileshpandya BHINASH said,

    March 21, 2008 @ 2:44 AM

    kya bat hai………dear……..

  3. ડો.મહેશ રાવલ said,

    March 21, 2008 @ 3:11 AM

    ભીતરની વાતની અભિવ્યક્તિ,ગઝલના મૂળતત્વને જાળવી વાચકને એક એક શેર પર અટકીને જ આગળ જવા મજબૂર કરે એવી પક્કડ છે ગઝલમાં-અભિનંદન!

  4. Chetan Framewala said,

    March 21, 2008 @ 4:00 AM

    બસ કલમ એથી સદા લખતી રહી,
    આંખથી એકાદ આંસુ ટપક્યું જરી.
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  5. kavita Maurya said,

    March 21, 2008 @ 4:28 AM

    ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
    તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

    વાહ! ખાલીપાને દૂર કરવા આખરે ખાલીપાએ જ પહેલ કરવી રહી..

  6. સુનીલ શાહ said,

    March 21, 2008 @ 6:07 AM

    ભાઈ અનિલની શશક્ત કલમનો ફરી પરીચય મળ્યો. વિવેકભાઈએ સાચું જ કહ્યું કે..એકાક્ષરી રદીફ ‘ને’ ખાલીપાની વેદનાને શેરના અંતે વધુ ધાર કાઢી આપે છે. એમનો પેલો શેંર ફરીફરી યાદ આવે છે..
    શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યાં હતાં,
    ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો !

  7. kiran pandya said,

    March 21, 2008 @ 6:46 AM

    અતિ ઉત્તમ્. અદ ભુત !

  8. pragnaju said,

    March 21, 2008 @ 9:01 AM

    aવાહ
    મઝાની ગઝલ
    વ્પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
    તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
    પંક્તીઓ વધુ ગમી
    યાદ આવી…
    હું જ મારામાં મને ખૂલતો જણાઉં,
    માત્ર તુજને ચાહવાની આ ક્ષણે
    અને ગીતના ભણકારા થયા
    પ્યાર સે ભી જરૂરી કઈ કામ હૈ,
    પ્યાર સબ કુછ નહીં આદમી કે લિયે.’

  9. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

    March 21, 2008 @ 9:12 AM

    સમય તો સરી ગયો રેતીની માફક
    હવે તું આ લોલકને જરા અટકાવને……

    વહી જઇ રહી છે જીદગી સાવ ઠાલી
    અવાય તો હવે તું જલ્દી જલ્દી આવને….

    મને છંદની સમજ તો નથી પણ લયસ્તરોએ લખતો કરી દીધો!!
    મને માફ કરશો વિવેકભાઈ!!

    તમારો આભાર કે તમે મારી ગાંડી-ઘેલી કોમેંટને DELET નથી કરતા.

    અનિલભાઈના સરળ શબ્દોની રમઝટ મજાની છે!!

  10. ઊર્મિસાગર.કૉમ said,

    March 21, 2008 @ 9:35 AM

    ખૂબ જ મજેદાર વાનગી પીરસી આજે… મસ્ત ગઝલ છે!

    ‘બદલાવને’ નહીં પણ ‘બતલાવને’ હશે…?

  11. raeesh maniar said,

    March 21, 2008 @ 10:43 AM

    બદ્લાવ ને બદલે બતલાવ ન હોવું જોઇએ? ઉક્લાવ આવે કે ઉકેલાવ ? વ્યાકરણના જાણકારો અભિપ્રાય આપે. સુન્દર ગઝલ

  12. Gaurav From Jamnagar. said,

    March 21, 2008 @ 2:52 PM

    છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
    આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.

    સખત …

  13. ઊર્મિ said,

    March 23, 2008 @ 11:32 AM

    જરા મોડો મોડો ખ્યાલ આવ્યો કે અહીં ‘બદલાવને’ એટલે કે રસ્તો બદલાવવાની વાત છે, રસ્તો બતલાવવાની નહીં…

  14. વિવેક said,

    March 24, 2008 @ 9:39 AM

    અનિલનો સંપર્ક સંજોગોવશાત્ થઈ શકે એમ નથી. ‘કવિલોક’ના જે અંકમાંથી મેં આ ગઝલ લીધી છે એમાં ‘બદલાવ’ શબ્દ જ છે…

    ‘ઉકલાવ’ કે ‘ઉકેલાવ’નો કોયડો કોઈ જાણકાર ઉકેલી આપે તો ગમશે…

  15. "Rasik" Meghani said,

    March 26, 2008 @ 2:27 PM

    અનિલ ચાવડાની અત્યંત સુન્દર ગઝલ. મને ખુબજ પસંદ આવી.દરેક શેર મોતીની માફક જડાયેલો છે. અનિલ ભાઈની માફી સાથે એક શેર-ચોથા શેરની બીજી કડીમાં શબ્દ “કદીક” માં ક વધી પડે છે ને વજન દોષ પ્રગટ કરે છે. તેના બદલે “કદી” એટલું જ વજન ભંગ નથી થતો ને અર્થમાં પણ ફરક નથી પડતો. આશા છે અનિલ ભાઈ પોઝીટીવ લેશે.

  16. ઊર્મિ said,

    March 26, 2008 @ 9:03 PM

    રસિકભાઈ, ‘કદીક’ શબ્દ તો આ ગઝલમાં છે જ નહીં, પણ કદાચ તમે ‘થોડીક’ શબ્દનાં વધારાનાં ‘ક’ ની વાત કરો છો.. બરાબર ને??

  17. 'ઈશ્ક'પાલનપુરી said,

    March 28, 2008 @ 8:53 AM

    પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
    તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.

    પ્રેમ ની ગહનતા તરફ થયેલો અંગુલી નિર્દેશ ગમ્યો.
    ‘ઈશ્ક’પાલનપુરી

  18. sures parmar said,

    April 10, 2008 @ 7:52 AM

    gazal saras che.
    khub j gami.

  19. Mansuri Taha said,

    July 23, 2008 @ 12:57 AM

    અનિલ ચાવડા એ ગઝલની યુવાપેઢીનાં પ્રતિનિધિ ગઝલકાર છે.
    અંકિત ત્રિવેદી સાહેબનાં ઘરે એમને પેહલીવાર મળ્યો ત્યારે તેમને જોઇને લાગે જ નહિ કે આ ૨૧ કે ૨૨ વર્ષનો યુવાન આવી ગજબની ગઝલો પણ લખી જાણે છે.
    તેમનો આ એક શેર તો જાણે ગુજરાતી સાહિત્યમાં અમર થવા જ સર્જાયો છે.

    શ્વાસને ઈસ્ત્રી કરીને સાચવી રાખ્યા છે,
    કોઈ અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો?

    અનિલ ચાવડાનું ઈ-મેલ એડ્રેસ હોય તો આપવા વિનંતી.

  20. vimal agravat said,

    January 16, 2010 @ 8:47 AM

    અનિલ ચાવડા એ ગુજરાતી ગઝલનું ભવિષ્ય છે.

  21. PALASH SHAH said,

    April 16, 2020 @ 5:31 AM

    ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
    તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને

    ખૂબ સુંદર રચના ……..

  22. શૈલેષ પંડયા નિશેષ said,

    October 25, 2020 @ 8:38 AM

    વાહ અનિલભાઈ.. સુંદર ગઝલ… અનેયસુંદર ભાવવિભોર વિવેચન..

  23. શૈલેષ પંડયા નિશેષ said,

    October 25, 2020 @ 8:38 AM

    વાહ અનિલભાઈ . લાજવાબ ગઝલ… અનેયસુંદર ભાવવિભોર વિવેચન..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment